જામનગર : દર્દીઓની સારવાર કરી રહેલો મુન્નાભાઈ MBBS પકડાયો

જામનગર તાલુકાના વિજયપુર ગામમાં એક જનરલ સ્ટોરની આડ માં દર્દીઓની સારવાર કરીને આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે અને ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો છે. તેવી ચોક્કસ બાતમીના આધારે એસઓજી શાખાની ટીમે દરોડો પાડી બોગસ તબીબને પકડી પાડયો છે અને તેની પાસેથી દવાઓનો જથ્થો સ્ટેથોસ્કોપ સહિતની સામગ્રી કબજે કરી છે અને તેની સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં મેડીકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ દરોડાની વિગત એવી છે કે, જામનગર તાલુકાના વિજયપુર ગામમાં જનરલ સ્ટોરની આડમાં એક શખ્સ તબીબોને દવા આપીને મેડીકલ પ્રેક્ટિસ કરી રહ્યો છે તેવી ચોક્કસ બાતમી જામનગર થી એસ.ઓ.જી શાખાને મળતા એસ.ઓ.જી. શાખાની ટુકડીએ આરોગ્ય કેન્દ્રના અધિકારીને સાથે રાખીને દરોડો પાડયો હતો.જે દરોડા દરમિયાન વિજયપુર ગામમાં શ્રીજી જનરલ સ્ટોર નામની દુકાન ચલાવતો રાજેશ બચુભાઈ રાણપરીયા નામનો શખ્સ પોતાની દુકાનની અંદર જ ગેરકાયદે દવાખાનું ચલાવી ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું માલૂમ પડ્યું હતું.
જેથી પોલિસ ટુકડીએ તેની તપાસ કરતાં પોતે માત્ર 10 ચોપડી ભણેલો હોવાનું અને તેની પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં દર્દીઓની તપાસ કરીને અલગ અલગ દવા આપતો રંગેહાથ પકડાયો હતો.જેથી પોલીસ ટુકડીએ ઉપરોક્ત મુન્નાભાઈ એમબીબીએસની અટકાયત કરી લઈ તેના ક્લિનિક માંથી ટેથૉસ્કોપ, બીપી માપવાનું મશીન, અલગ-અલગ દવાઓ વગેરે સામાન કબજે કરી લઇ તેની સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
