જૂનાગઢ : ભેંસાણ ખાતે જિલ્લા સહકારી બેંકના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરતાં કૃષિમંત્રી

જૂનાગઢ : ભેંસાણ ખાતે જિલ્લા સહકારી બેંકના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરતાં કૃષિમંત્રી
Spread the love
  • ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ કૃષિ મંત્રીશ્રી ફળદુ

જૂનાગઢ : ભેંસાણ ખાતે રૂપિયા ૧૨ લાખના ખર્ચે નવનિર્મિત જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના નવ નિર્મિત ભવનનું કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુએ આજે લોકાર્પણ કર્યું હતું. ૧૯૫૯ થી કાર્યરત ભેસાણ બ્રાંચમાં એટીએમ, લોકર, આરટીજીએસ સહિતની સુવિધા ઉપલબ્ધ છે. ભવન લોકાર્પણ બાદ પટેલ સમાજ ભેંસાણ ખાતે યોજાયેલ સમારોહમાં કૃષિમંત્રીશ્રી ફળદુએ કહ્યું કે ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. ખેડૂતોના હિતની વાત હોય, ખેડૂતોના હક ની વાત હોય ત્યારે રાજ્ય સરકાર હંમેશા તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.

રાજ્ય સરકારના ખેડૂતલક્ષી પગલાઓ થી છેલ્લા એક દાયકામાં ખેડૂતોની આવક વધી છે, તેમાં સહકારી ક્ષેત્રની પણ મહત્વની ભૂમિકા છે તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું કે ખેડૂતોને વીજળી આપવા ૭૧૦૦ કરોડની સબસિડી આપવામાં આવે છે. ટેકાના ભાવે ખેતપેદાશોની ખરીદી, સિંચાઇની વિશેષ સવલતો નું નિર્માણ કરાયું છે. કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસે વીજળી આપવાની વાત હોય કે કેન્દ્ર સરકારે ઘડેલા કૃષિ કાયદા હોય દરેક બાબતે વર્તમાન સરકારે ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપ્યું છે.તેમણે ભેંસાણમાં ચણાની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર અપાશે તેમ પણ જણાવ્યું હતું.

બેંકના પૂર્વ ચેરમેન એલ.ટી. રાજાણી અને જેઠાભાઈ પાનેરા એ ભેંસાણ તાલુકો સહકારી ક્ષેત્રે હંમેશા આગળ આગળ પડતો રહ્યો છે તેમ જણાવી ભેંસાણ તાલુકા ની ૨૧ સહકારી મંડળીઓના વહીવટની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે બેંકના ડિરેક્ટર વજુભાઈ મોવલીયા અને અગ્રણી ગાંડુભાઇ કથીરિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જૂનાગઢના મેયર શ્રી ધીરૂભાઈ ગોહેલે ભેસાણ તાલુકા સાથેના તેમના સંસ્મરણો તાજા કર્યા હતા. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા સહકારી બેન્કના ચેરમેનશ્રી ડોલરભાઈ કોટેચાએ સ્વાગત કરવા સાથે ભેંસાણ તાલુકાની ૨૧ મંડળીઓનો વહીવટી શ્રેષ્ઠ છે તેમ જણાવી કહ્યું કે સોના, ચાંદી ઉપર ધીરાણ સૌપ્રથમ ભેંસાણ બ્રાન્ચ થી શરૂ કરાશે.

તેમણે જિલ્લા સહકારી બેન્ક ખેડૂતોની બેંક છે તેમાં મહત્તમ ખેડૂતો જોડાવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન ઉપરાંત રફાળિયા,મેંદપરા, બરવાળા અને ગળથ ગામ ની સહકારી મંડળીના પ્રમુખ મંત્રીશ્રીઓનું કૃષિમંત્રી આર.સી.ફળદુ એ સન્માન કર્યું હતું. આ તકે સહકારી ક્ષેત્રના અગ્રણી ભરતભાઈ ગાજીપરા, ભાવેશ વોરા, નટુભાઇ પોકીયા, ભાવેષભાઇ ત્રાપશીયા, લક્ષ્મણભાઇ ઓડેદરા ભેંસાણના સરપંચ ભૂપતભાઇ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ ભટ્ટ અને આભારવિધિ બેઠકના વાઇસ ચેરમેન મનુભાઈ ખુંટી એ કરી હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ

1610968101662_Bhesan-sahkari-bank-6.jpg

Right Click Disabled!