લાયન્સ ક્લબ ગાંધીનગર ફેમીના દ્વારા મધુર-ફેમીના આંતરરાષ્ટ્રીય રંગોળી સ્પર્ધાનું આયોજન એક ઉત્તમ દિવાળી ભેટ બની રહી

આ વર્ષે કોરોના એ તમામ તહેવારોને ફિક્કા બનાવ્યા છે. આપણા ગુજરાતીઓનો માનીતા તહેવાર નવરાત્રીનો ગરબો ખોવાયો અને દિવાળીનો પણ ઉલ્લાસ ખોવાયો. આવા સમયમાં જુદા-જુદા સ્તરે થી દિવાળીની ઉજવણીના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમીના તેમજ મધુર ડેરી દ્વારા વ્યક્તિની જીવન જરૂરિયાત સંતોષવાની સાથે લોકજીવનમાં ઉલ્લાસ-આનંદ-ઉત્સાહ ભરવાનો પ્રશંસનીય પ્રયત્ન કરવામાં આવ્યો.
આ માટે મધુર-ફેમીના આંતરરાષ્ટ્રીય રંગોલી સ્પર્ધાનું આયોજન એક ઉત્તમ દિવાળી ભેટ બની રહી. આટલા વિશાળ ફલક પર ઓનલાઇન રંગોળી સ્પર્ધાનું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું. ગુજરાત, ભારતના ખૂણે – ખૂણેથી તેમજ કેનેડા, યુએસએ, મસ્કત, દુબઇથી સ્પર્ધકો આ સ્પર્ધામાં જોડાયા. તારીખ 10 થી 16 નવેમ્બર, દિવાળીના દિવસો દરમ્યાન રંગોલીનો ફોટો-વીડીયો, ઓનલાઇન સબમીટ કરવાના હોવાથી તમામ સ્પર્ધકો અને તેમના પરિવારજનોમાં આડકતરી રીતે દિવાળીનો માહોલ સર્જાયો હતો.
આ તમામ રંગોલીનો ડિજીટલ માધ્યમ પર બહોળો પ્રચાર-પ્રસાર કર્યા બાદ દેવદિવાળીના દિવસે એનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. પરિણામ માટે વિષય નિષ્ણાત તરીકે ત્રણ કલાકારોએ સેવાઓ આપી હતી. જેમાં શ્રી સુગત પ્રિયદર્શી (દુબઇ), માનસી વિરાણી(સુરત), તેમજ મનાલી ભટ્ટ(ચેન્નઇ)નો સમાવેશ થાય છે. વિવિધ વિષયો સાથેની કલાત્મક રંગોલીએ નિર્ણાયકો તેમજ વ્યૂઅર્સને-દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા. સ્પર્ધાનું પરિણામ ZOOM એપ પર આયોજીત વરચ્યુલ સમારંભમાં જાહેર કરવામાં આવ્યું હતું જેમાં અનેક મહાનુભાવો, નિર્ણાયકો, સ્પર્ધકો અને સંસ્થાના સભ્યો નોંધનીય સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ સમારંભમાં ફેમીનાના પ્રમુખ મમતા રાવલે સમગ્ર સ્પર્ધાની રૂપરેખા આપી હતી. મધુર ડેરીના ચેરમન શ્રી શંકરસિંહ રાણાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. મેયર શ્રીમતિ રીટાબેન પટેલે પોતાના સુંદર વક્તવ્ય દ્વારા સૌને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ લાયન્સ ક્લબ, ડિસ્ટ્રીક્ટ 3232-B1 ના ડિસ્ટ્રીક્ટ ગર્વનર શ્રી નરેન્દ્રભાઇ પટેલે કોરોનાકાળમાં યોજાયેલી રંગોલી સ્પર્ધાને બિરદાવી હતી. આ પછી સ્વસ્તિક રંગોલી ગ્રુપ, બરોડાના સેક્રેટરી અને રંગોલી કલાના સિનીયર આર્ટીસ્ટ શ્રી અભય ગડકરીજીએ સ્પર્ધકોને રંગોલી વિશે સમજાવતા માર્ગદર્શન આપ્યું હતું.
ત્યારબાદ નિર્ણાયકો દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. પ્રથમ પાંચ વિજેતાઓને અનુક્રમે રૂપિયા 7000/-, 5000/-, 3000/-, 2000/-, 1000/-, તેમજ આઠ સ્પર્ધકોને રૂપિયા 500/- નું આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું હતું. ત્રણેય નિર્ણાયકો દ્વારા દરેક રંગોલી પર ખૂબ ડીટેઇલમાં ટિપ્પણી અપાઇ હતી. દેશ-વિદેશના સ્પર્ધકોએ આયોજકો પ્રતિ સંતોષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. અને પ્રતિવર્ષ આવા આયોજન ની ઇચ્છા પ્રદર્શિત કરી હતી. અંતમાં મધુર ડેરીના PRO નિતીન મેકવાને આભાર દર્શન કર્યું હતું.
