કચ્છના દરિયાકાંઠે દરિયાઈ સોનું અંબર મળી આવે છે

કચ્છના દરિયાકાંઠે દરિયાઈ સોનું અંબર મળી આવે છે
Spread the love

કચ્છના કિનારાની નજીક માછીમારી કરતા લોકોને પણ એવી ઇચ્છા હોય છે કે ક્યારેક આ ખજાનો હાથ લાગી જાય.વિશ્વમાં પ્રાણી જગતની કેટલીક અજાયબીઓમાં એક છે સ્પર્મ વ્હેલ. ભારેખમ આ દરિયાઈ જીવે એના શરીરમાં પેદા થતા એક સુગંધી પદાર્થને કારણે જીવ ખોયો છે. સ્પર્મ વ્હેલના શરીરમાં પેદા થતો સુગંધી પદાર્થ સદીઓ સુધી વણઓળખાયેલો રહ્યો હતો. જોકે સૌ પહેલાં એને દરિયાખેડૂઓ અને માછીમારોએ જોયો હોવાનું કહેવાય છે, જે અંબર અથવા ઍમ્બર ગ્રીસ તરીકે ઓળખાય છે.  આ પદાર્થને દરિયાઈ સોનું પણ કહેવાય છે. વિશ્વનાં બજારોમાં એની ઊંચી કિંમત આવે છે.

માંડવી, અબડાસા અને લખપતના દરિયાકાંઠે ચૈત્ર, વૈશાખ માસમાં આ પદાર્થ કાંઠે તણાઈ આવે છે. એને ઓળખનારા મેળવી લે છે, પણ એના વેચાણ પર પ્રતિબંધ હોવાથી એના વિશેની માહિતી બહાર આવતી નથી.જ્યારે સમુદ્રમાં ફોટોગ્રાફી કરવાની અને એને જગત સમક્ષ મૂકવાની યાંત્રિકી વ્યવસ્થાઓ નહોતી ત્યારે દરિયાઈ સૃષ્ટિ વિશે જાત-જાતની દંતકથાઓ ચાલતી હતી, જેમાંની સૌથી વિશેષ ભય જગાવનાર દંતકથાઓ વહેલ નામના પ્રાણીની હતી. વિશ્વનું સૌથી મોટું દરિયાઈ પ્રાણી સૌ પહેલાં દરિયાખેડૂઓએ જોયું હશે એ સ્વાભાવિક છે.

પશ્ચિમના દેશોમાં વ્હેલ વિશેની જાત-જાતની વાતો પ્રચલિત હતી. વહેલ વિશેનું મનુષ્યનું કુતૂહલ આજે પણ અકબંધ છે. વ્હેલ એક સસ્તન પ્રાણી છે અને એની કેટલીયે પ્રજાતિ છે, જેમાંની એક પ્રજાતિનું નામ છે સ્પર્મ વ્હેલ. સ્પર્મ વ્હેલ પ્રાણીના નરની લંબાઈ ૧૯ મીટર જેટલી, જ્યારે માદા પ્રાણીની લંબાઈ ૧૨ મીટર જેટલી હોય છે. આ પ્રાણીનો આકાર અને તરવાનો પ્રકાર પુરુષના શુક્રાણુઓને મળતો આવે છે, એના પરથી એને સ્પર્મ વ્હેલ (વીર્ય વહેલ) કહેવાય છે,

પરંતુ સ્પર્મ વ્હેલ એના શરીરમાંથી નીકળતા સુગંધી પદાર્થ માટે જાણીતી બની છે, જેને ‘ઍમ્બર ગ્રીસ’ અથવા ‘અંબર’ કહેવાય છે. સ્પર્મ વ્હેલ જ્યારે કટલ ફિશને ખાય છે ત્યારે એનાં બધાં અંગોને એ પચાવી જાય છે, પણ કટલ ફિશના દાંતને પચાવી શકતી નથી. એ માટે સ્પર્મ વ્હેલના પેટમાંથી પિત્ત જેવો ચીકણો પ્રવાહી પદાર્થ ઝરવા માંડે છે. એ પદાર્થ એના મોં અને મળદ્વાર દ્વારા બહાર આવે છે અને પાણી ઉપર તરતો રહે છે. ધીમે-ધીમે એ પદાર્થ એકમેક સાથે ચોંટીને ઘટ્ટ આકાર ધારણ કરે છે,

જે કિલોગ્રામથી માંડી ટન જેટલો હોય છે. આ પદાર્થ જ ઍમ્બર ગ્રીસ છે. એ પદાર્થમાંથી એક આકર્ષક સુગંધ નીકળતી હોય છે. એ સુગંધથી આકર્ષાયેલા દરિયો ખેડતા લોકો પાણી ઉપર તરતા આ પદાર્થના ટુકડાઓ વીણી-વીણીને લઈ જવા લાગ્યા. મધ્ય યુગના ફ્રેન્ચ નાવિકોએ આ સુગંધ ફેલાવતા પદાર્થને ‘ઍમ્બર ગ્રીસ’ એટલે કે ‘ભૂરું ઍમ્બર’ એવું નામ આપ્યું હતું. ઍમ્બર ગ્રીસ કુદરતની કરામત અથવા અજાયબી પણ ગણવામાં આવે છે.

આ પદાર્થના અસ્મિભૂત પુરાવા તો પોણાબે કરોડ વર્ષ જૂનાં છે, પરંતુ એકાદ હજાર વર્ષથી મનુષ્ય આ પદાર્થના સંપર્કમાં આવ્યો અને એનો ઉપયોગ થવા લાગ્યો છે. અંબર ગ્રીસને દરિયાઈ સોનું અથવા સોનાનો તરતો ખજાનો પણ કહેવાય છે. વર્ષો સુધી એવી માન્યતા હતી કે આ સુગંધી પદાર્થ સ્પર્મ વ્હેલના નર જાતિનું વીર્ય છે અને એ ગઠ્ઠાઈને પાણીની સપાટી ઉપર તરતું રહે છે, પરંતુ હવે તો અભણ માછીમારોને પણ ખબર છે કે અંબર ગ્રીસ નામનો પદાર્થ સ્પર્મ વહેલનું વીર્ય નહીં, પણ મળદ્વાર અથવા મોંમાંથી બહાર આવતા કચરા સાથે સ્પર્મ વ્હેલના પેટમાં ઉત્પન્ન થતો એક પદાર્થ છે. આ પદાર્થ તૈલી હોવાથી એ પાણીમાં ઓગળતો નથી, પણ પાણી ઉપર તરતો રહે છે અને સમુદ્રની લહેરો સાથે તરતો-તરતો સેંકડો કિલોમીટરની સફર કરે છે. સામાન્ય રીતે સ્પર્મ વહેલ આખા વિશ્વના દરિયામાં જોવા મળે છે એટલે અંબર દરિયામાં કે દરિયાકાંઠે ક્યાંય પણ મળી શકે છે. તેમ છતા

ભારતમાં કચ્છ અને કેરલના સાગરકાંઠે અંબર પહોંચી આવવાનાં વિશેષ કારણો શું છે એ સંશોધનનો વિષય છે.જેમ હરણકુળમાં કસ્તૂરી મૃગ નામના પ્રાણીમાં એક સુગંધી પદાર્થ પેદા થાય છે. એ પદાર્થ મેળવવા વિશ્વમાં લાખોની સંખ્યામાં કસ્તૂરી મૃગની હત્યા કરવામાં આવી છે. એવી જ રીતે સ્પર્મ વ્હેલના શરીરમાંથી મળતા સુગંધી પદાર્થ મેળવવા માટે લાખો સ્પર્મ વ્હેલનો શિકાર કરી નાખવામાં આવ્યો. ૧૯૭૦માં જીવ વિજ્ઞાનીઓએ જાહેર કર્યું કે સ્પર્મ વ્હેલ નામની પ્રજાતિનું અસ્તિત્વ ભયમાં છે.

ત્યાર પછી સાત વર્ષે ૧૯૭૭માં આખાય વિશ્વમાં સ્પર્મ વહેલના શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, પરંતુ સ્પર્મ વ્હેલના શરીરમાંથી નીકળતા અંબરની ઉપયોગીતા જાણી ગયેલા લોકો માટે સ્પર્મ વ્હેલ અતિ અગત્યનું પ્રાણી બની ગયું છે. આજે પણ દરિયાકિનારે રહેતા લોકો અને દરિયાખેડૂઓને કે માછીમારોને જો અંબર ગ્રીસ મળી આવે તો પોતાને ભાગ્યશાળી માને છે. જોકે અંબરનો વેપાર ખુલ્લી બજારમાં થઈ શકતો ન હોવાથી એનો વેપાર છુપો થાય છે અથવા એના કાળાબજાર થાય છે. અંબર ગ્રીસના વેપારમાં ફ્રેન્ચ કંપનીઓ અગ્રેસર છે.

એવું કહેવાય છે કે આજે પણ અંબર ગ્રીસ મેળવવા સ્પર્મ વ્હેલનો શિકાર કરવામાં આવે છે.અંબર ગ્રીસ અથવા અંબર વિશે બહુધા લોકો અજાણ છે. એની ઉત્પતિ અને એના ઉપયોગોથી પણ અજાણ છે. અંબર ગ્રીસ ઘેરો લીલો, લીલાશ પડતો પીળો અથવા રાખોડી રંગનો હોય છે. આ પદાર્થ વિશે ભારતની બજારમાં કોઈ માહિતી આપવા તૈયાર હોતું નથી. અંબર મોટા ભાગે મોંઘા પરફ્યુમ બનાવતી કંપનીઓ ખરીદે છે. ઉપરાંત એ દવાઓની બનાવટ તેમ જ માલિશ કરવાના તેલમાં વપરાય છે.

મનુષ્યના આંતરડાની નબળાઈ દૂર કરવા, નર્વ સિસ્ટમ સ્થિર કરવામાં, ઘડપણ આવતું અટકાવવા, શરીરની નબળાઈ દૂર કરવા, ઉન્માદ જેવી માનસિક બીમારીઓમાં પણ વપરાય છે. હોમ્યોપથી દવાઓમાં ‘અંબર ૩૦’ નામની દવા પણ છે. આ પદાર્થ વિશે ભારતીય સમાજમાં કેટલીક માન્યતાઓ પ્રવર્તે છે. અંબર વિશે લોકો ત્યાં સુધી કહે છે કે એનું સેવન કરવાથી વૃદ્ધ મનુષ્યને નવી યુવાની ફૂટે છે. જોકે એ અત્યંત ગરમ હોવાનું માનવામાં આવે છે. એકસાથે ત્રણ ગ્રામથી વધુ માત્રામાં લેવાય તો શરીરમાં દાહ ઊપડે છે અને હૃદયના ધબકારા અનિયંત્રિત બની જાય છે. અંબર ‘કુંદનકલા’ તરીકે ઓળખાતા સોની કામમાં વપરાય છે.

આ કલા હવે ઓછી જોવા મળે છે, પરંતુ એ લુપ્ત થઈ ગઈ નથી. અંબર ભેળવેલા સોનાની કિંમત વધી જાય છે. અંબર ગ્રીસની હેરફેર ભારતમાં પ્રતિબંધિત હોવાથી જેની પાસે આ પદાર્થનો જથ્થો હોય છે તેઓ જાહેર કરતા નથી.પશ્ચિમ કચ્છના સાગરકાંઠાનાં કેટલાંક ગામોના અમુક લોકો અંબરને પેઢી દર પેઢીથી ઓળખે છે, પરંતુ તેમને કોઈ એ વિશે પૂછે તો માહિતી આપતા નથી. ભારતીય કાયદાઓ મુજબ ઘરમાં અંબર રાખવું અથવા એને વેચવું એ ગુનો ગણાતો હોવાથી જેને મળે છે

તેઓ કોઈને જાણ કરતા નથી. તેમની પાસેથી ખરીદનારા ચોક્કસ લોકો હોય છે. આ ખરીદ-વેચાણ એટલું ગુપ્ત હોય છે કે કોઈને જરાસરખી ગંધ આવતી નથી. કચ્છમાં અંબર ગ્રીસના ૧૦ ગ્રામના ૧૫થી ૨૦,૦૦૦ રૂપિયા મળે છે અને ખરીદનારા એને એનાથી ઊંચા ભાવે વેચે છે. કચ્છમાં અત્યાર સુધી આ બાબતો કોઈના ધ્યાને આવી નથી, કારણ કે આ કોઈ હેતુપૂર્વકની ગુનાહિત પ્રવૃતિ નથી, પરંતુ એક કુદરતી પ્રક્રિયાનો આડલાભ છે.

જે લોકો અંબરને ઓળખે છે તેઓ ખાસ કરીને ચૈત્ર અને વૈશાખ મહિનામાં વહેલી સવારે દરિયાકાંઠે જાય છે. તેઓ અંબરની ચોક્કસ વાસથી પણ પરિચિત હોય છે. એટલે અંબર કાંઠાથી દૂર હોય તો પણ ખ્યાલ આવી જાય છે કે દૂર ક્યાંક આ પદાર્થ તરે છે. કચ્છના કિનારાની નજીક માછીમારી કરતા લોકોને પણ એવી ઇચ્છા હોય છે કે ક્યારેક આ ખજાનો હાથ લાગી જાય.

amber-photo-3.jpg

Right Click Disabled!