MCX બુલડેક્સ : એક નવી શરૂઆત…

ભારતના કોમોડિટી વાયદા બજારના ઈતિહાસમાં પ્રથમવાર કીમતી ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ બુલડેક્સનો પ્રારંભ થયો છે. આ બુલડેક્સનો બજારના વિભિન્ન વર્ગના લોકો તેમની પોતાની જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી શકશે. આપણે જાણીએ જ છીએ કે બજારમાં અલગ-અલગ પ્રકારના વિવિધ સહભાગીઓ કામ કરતા હોય છે, જેમ કે સોના-ચાંદીના વેપારીઓ, બુલિયન ડિલર્સ, ટ્રેડર્સ, જોબર્સ, આર્બિટ્રેજર્સ, બ્રોકર્સ, નિફ્ટી અને બેન્ક નિફ્ટીના ટ્રેડર્સ, ટેક્નિકલ એનાલિસ્ટ/ટ્રેડર્સ, રેશિયો ટ્રેડર્સ તથા બીજા અન્ય રોકાણકારો બજારમાં ભાગ લેતા હોય છે. હવે આપણે આ નવા ઈન્ડેક્સ બુલડેક્સનો આ પ્રત્યેક સહભાગીઓ કેવી રીતે ઉપયોગ કરી શકે એ વિશે ચર્ચા કરીશું.
તો સૌપ્રથમ આપણે આ નવા બુલિયન ઈન્ડેક્સ વિશે વધુ માહિતી જાણી લઈએ. આ બુલિયન ઈન્ડેક્સનું નિર્માણ સોનું અને ચાંદી બંનેની વધઘટના આધારે કરવામાં આવ્યું છે. આ બુલિયન ઈન્ડેક્સ માટે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૫ને આધાર વર્ષ તરીકે લેવામાં આવ્યું છે અને તેના માટે આધાર મૂલ્ય ૧૦,૦૦૦નું નક્કી કરવામાં આવ્યું છે. સોના અને ચાંદીનો ભારાંક દર વર્ષે તેમના વોલ્યુમ અને બજાર કદના આધારે નક્કી કરવામાં આવશે. આ ભારાંક વર્ષ ૨૦૨૦ માટે સોનાનો ૭૦.૫૨ ટકાનો અને ચાંદીનો ૨૯.૪૮ ટકાનો નક્કી કરવામાં આવ્યો છે.
આ સૂચકાંક માટે એક્સચેન્જ દ્વારા પ્રત્યેક સહભાગીઓને ધ્યાનમાં રાખીને તેની લોટ સાઈઝ ૫૦ની રાખવામાં આવી છે અને સૌથી અગત્યની વાત એ છે કે આ ઈન્ડેક્સનું કેશમાં સેટલમેન્ટ થશે એટલે કે તેની પાકતી તારીખે સોના અને ચાંદીના વાયદાના ભાવ પ્રમાણે જ આ ઈન્ડેક્સનો પાકતી તારીખનો ભાવ નિર્ધારિત કરવામાં આવશે અને આમાં ડિલિવરી પણ આપવા કે લેવાની રહેતી નથી. આથી બજારના અનેક સહભાગીઓને લાભ મળી શકશે.
બુલિયન ઈન્ડેક્સની ઉપયોગીતા
આ નવા ઈન્ડેક્સ બુલડેક્સનો વિવિધ સહભાગીઓ કેવી રીતે ઉપયોગ કરી શકે તે જોઈએ.
બુલિયન ડિલર્સ અને જ્વેલર્સ: જો તમે હાજર બુલિયનમાં ડિલિંગ કરો છો અથવા તમે જ્વેલર્સ છો, તો આપને સોના અને ચાંદીના ભાવનું જોખમ રહેવાનું છે. ભાવની વધઘટને કારણે તમને તમારા નફાનાં માર્જિન પર વિપરીત અસર પડી શકે છે. આ ભાવના જોખમને ઓછું કરવા માટે તમે બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સનો ઉપયોગ કરી શકો છો. આ બુલડેક્સ તમને ઓછા ખર્ચે તમને બંને કીમતી ધાતુ સોના-ચાંદીમાં ભાવની વધઘટ સામે રક્ષણ અપાવી શકે છે. આ ઉપરાંત જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં ઈકોનોમિક ડેટાના સમયે વધઘટ આવે છે ત્યારે એકસાથે એક જ સમયે સોના-ચાંદીમાં અલગ-અલગ વેપાર કરવા કરતાં બુલિયન ઈન્ડેક્સ એકમાં જ બંનેનું હેજિંગ થઈ શકે છે, જે આપને ટૂંકા સમયમાં તરત ઉપયોગી બને છે.
ટ્રેડર્સ: ટ્રેડર્સ તરીકે તમે એમસીએક્સ અને કોમેક્સના સોનાના ભાવને ટ્રેક કરીને બુલડેક્સમાં વેપાર ગોઠવી શકો છો. બુલડેક્સના ભાવની વધઘટ ગોલ્ડ અને સિલ્વરના ભાવની વધઘટના આધારે આવે છે, જો તમારું ગોલ્ડ અથવા સિલ્વરમાં ધ્યાન તેજીનું હોય, તો તમે બુલડેક્સમાં બાય પોઝિશન લઈ શકો છો. અને બીજી બાજું જો તમે સોના-ચાંદીમાં મંદીનું ધ્યાન ધરાવતા હોય તો તમે બુલડેક્સ વેચીને વેપાર કરી શકો છો. સોના અને ચાંદી બંનેમાં ૧૦૦ પોઈન્ટની વધઘટ હોય તો બુલડેક્સમાં આશરે ૩૦ પોઈન્ટની વધઘટ જોવા મળી શકે છે.
જોબર્સ: જોબર્સ તરીકે તમે બુલડેક્સની અંડરલાઈંગ પ્રાઈસ, જે એમસીએક્સના ટર્મિનલ પર ઉપલબ્ધ હોય છે, એને ધ્યાનમાં રાખીને એમસીએક્સ બુલડેક્સના ફ્યુચર્સમાં સોદા કરી શકો છો. અત્યારે બુલડેક્સ ફ્યુચર્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ ઝીરો હોવાથી બ્રેક ઈવન બે ટીકમાં આવશે, એટલે કે જોબર્સ તરીકે તમે ઝડપથી વેપાર કરી શકો છો. બુલડેક્સ ફ્યુચર્સની વધઘટ બુલડેક્સ અંડરલાઈંગ આધારિત છે, એટલે ત્વરિત એન્ટ્રી અને એક્ઝિટ સહેલાઈથી મળી શકે છે.
આર્બિટ્રેજર્સ: જો આપ આર્બિટ્રેજર હોવ તો આપ ગોલ્ડ અને સિલ્વરના કોન્ટ્રેક્ટની સામે બુલડેક્સ ફ્યુચર્સમાં સામસામી પોઝિશન બનાવી શકો છો. જો તમે ગોલ્ડ-સિલ્વરના ભાવ અને બુલડેક્સના ભાવમાં પેરિટીના આધારે જે તફાવત દેખાય તો તમે ગોલ્ડ-સિલ્વર વેચીને બુલિયન ઈન્ડેક્સ ખરીદી શકો છો અથવા ગોલ્ડ-સિલ્વર ખરીદીને બુલિયન ઈન્ડેક્સ વેચી શકો છો. અત્યારના ભાવ પ્રમાણે જો તમે એક મોટું ગોલ્ડ અને એક મોટી સિલ્વરનો લોટ ખરીદો તો તમારે ૯ બુલિયન ઈન્ડેક્સના લોટ વેચવા પડે અને જો તમે એક બુલિયન ઈન્ડેક્સમાં વેપાર કરવા માગતા હોવ તો તમારે એક બુલિયન ઈન્ડેક્સની સામે એક ગોલ્ડ-મિની અને એક સિલ્વર-મિનીમાં વેપાર કરી શકો છો.
બ્રોકર્સ: જો આપ બ્રોકર અથવા તો એમસીએક્સના સભ્ય છો, તો આપને આ નવી પ્રોડક્ટ દ્વારા નવા ક્લાયન્ટ અથવા તો ગ્રાહકો મળી શકે છે. આ પ્રોડક્ટ નોન-ડિલિવરી હોવાથી, હાજર બજાર સિવાયના ગ્રાહકો પણ તમે આકર્ષી શકો છો. આમ આપનું બ્રોકરેજ રેવન્યુ વધારી શકો છો. નિફ્ટી અને બેન્ક નિફ્ટીના ટ્રેડર્સ: જો આપ નિફ્ટી કે બેન્ક નિફ્ટીમાં કામ કરો છો તો આપ નિફ્ટી અને બુલડેક્સમાં સ્પ્રેડમાં કામ કરી શકો છો, કારણ કે નિફ્ટી અને બુલડેક્સમાં સહસંબંધ ઓછો છે અથવા અમુક સમયે નકારાત્મક સહસંબંધ પણ જોવામાં આવે છે. આનો મતલબ ક્યારેક નિફ્ટી ઊપર જાય ત્યારે બુલડેક્સ નીચો આવે અને જો નિફ્ટી નીચે જાય તો બુલડેક્સ ઊપર આવી શકે છે. નિષ્ણાતોના મતે આ થવા પાછળનું એક કારણ રૂપી-ડોલરની વધઘટનું પણ હોય છે.
તદુપરાંત, સાડા ત્રણ પછી તમે નિફ્ટીનું એક્સપોઝર બુલડેક્સ મારફત ઈન્વર્સલી લઈ શકો છો, એટલે કે જો તમને નિફ્ટીની તેજી લાગતી હોય તો બુલડેક્સમાં મંદીનો વેપાર ગોઠવી શકો છો અને જો નિફ્ટીમાં મંદી લાગતી હોય તો તમે બુલડેક્સમાં તેજીનો વેપાર ગોઠવી શકો છો. આ ઉપરાંત જો તમારે નિફ્ટીનું હેજિંગ કરવું હોય તો બુલડેક્સમાં જે પોઝિશન નિફ્ટીની હોય એ જ પોઝિશન બુલડેક્સમાં લઈ શકો છો. એટલે કે તમે નિફ્ટીમાં લોંગ હોવ અને પોતાના પોર્ટફોલિયોને હેજ કરવા માગો છો, તો તમારે બુલડેક્સ પણ લોંગ કરવું જોઈએ અને જો તમે નિફ્ટીમાં શોર્ટ હોવ અને હેજ કરવું હોય તો તમારે બુલડેક્સ પણ શોર્ટ કરવું જોઈએ.
ટેક્નિકલ એનાલિસ્ટ/ટ્રેડર્સ: જો આપ ટેક્નિકલ એનાલિસીસનું જ્ઞાન ધરાવો છો અને એના આધારે બજારમાં કામ કરતા હોવ તો આપ ગોલ્ડના ચાર્ટને એનાલાઈઝ કરી શકો છો અને એના સંકેત અને ટેક્નિકલ લેવલના આધારે તમે બુલડેક્સમાં વેપાર ગોઠવી શકો છો, એટલે કે જો તમને ટેક્નિકલી સોના-ચાંદીમાં તેજી કે મંદી લાગતી હોય તો તમે બુલડેક્સમાં તેજી કે મંદી કરી શકો છો. એક વખત બુલડેક્સનો ડેટા જનરેટ થયા પછી તમે બુલડેક્સનો ચાર્ટ પણ એનાલિસીસ કરી શકશો.
રેશિયો ટ્રેડર્સ: જો આપ ગોલ્ડ અને સિલ્વરમાં રેશિયો ટ્રેડિંગ કરતા હોવ તો આપના માટે બુલડેક્સ ફ્યુચર્સ ખૂબ જ ઉપયોગી નિવડી શકે છે, જો આપને ગોલ્ડ-સિલ્વર રેશિયો વધશે એવું ધ્યાન હોય તો આપ બુલડેક્સમાં ખરીદીને વેપાર કરી શકો છો અને એનાથી ઊલ્ટું જો આપને ગોલ્ડ-સિલ્વરનો રેશિયો ઘટે એવું લાગે છે તો આપ બુલડેક્સમાં વેચાણની પોઝિશન બનાવી શકો છો. ટૂંકમાં કહીએ તો ગોલ્ડ-સિલ્વરનો રેશિયો અને બુલડેક્સનો સહસંબંધ હકારાત્મક જોવા મળી શકે છે, કેમ કે બુલડેક્સની અંદર સોનાનો ભારાંક ચાંદીના ભારાંક કરતાં વધુ છે.
અન્ય રોકાણકારો: જો આપ ફક્ત સોના-ચાંદીના બજારમાં વેપાર કરવા માગો છો અને ભાવની વધઘટનો લાભ લેવા માગો છો, તો આપ બુલડેક્સમાં ખરીદી કે વેચાણ કરી સોના-ચાંદીની તેજી-મંદીનો લાભ લઈ શકો છો. બુલડેક્સમાં ડિલિવરી લેવાની રહેશે નહીં અને ફક્ત નાણાંની લેવડ-દેવડ કરવાની રહેશે. બીજું મન્થલી એક્સપાયરી હોવાથી તમે ટૂંકાગાળાનું અને લાંબા ગાળાનું આયોજન કરી શકો છો. અને પોતાના રોકેલા નાણાનું વળતર મેળવી શકો છો.
આમ ઉપર જણાવેલ માહિતીના આધારે એટલું કહી શકાય કે ભારતનું નંબર-૧ કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ દ્વારા શરૂ કરાયેલું દેશનું પ્રથમ કીમતી ધાતુનું સૂચકાંક એમસીએક્સ બુલડેક્સ બજારના દરેક સહભાગીઓને ઉપયોગી થઈ શકે છે અને આગળ જતાં જેમ શેરબજાર માટે નિફ્ટી અને સેન્સેક્સ પ્રચલિત છે તેમ સોના-ચાંદી બજાર માટે બુલડેક્સ પ્રચલિત થઈ શકે એવી આશા રાખી શકાય.
અસ્તુ. જયહિન્દ.
