ધનવંતરી રથમાં લોકોને અપાતી દવા, લોહીની તપાસ, એન્ટીજન ટેસ્ટનું ચેકિંગ

- કલેક્ટર, કમિશનરે લોકો સાથે ચર્ચા, સાધનોની ચકાસણી
- પટેલ કોલોની, રામેશ્વરનગર સહિતના વિસ્તારમાં કાર્યવાહી
જામનગરમાં કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે ધનવંતરી રથ દ્વારા લોકોને આપવામાં આવતી દવા, લોહીની તપાસ, એન્ટીજન ટેસ્ટનું આકસ્મિક ચેકીંગ જિલ્લા કલેકટર અને કમિશનરે કર્યું હતું. સાથે સાથે લોકો સાથે સેવા અંગે ચર્ચા અને સાધનોની ચકાસણી કરી હતી. પંચવટી, પટેલ કોલોની, રામેશ્વરનગર, ઇવા પાર્ક સહિતના વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં કોરોના મહામારી વચ્ચે બુધવારે શહેરના મોદી સ્કૂલ પાસે પંચવટી વિસ્તાર, ભવન્સ સ્કૂલ પાસે, ગ્રેગોરીયસ સ્કૂલ પાસે પટેલ કોલોની વિસ્તાર, રામેશ્વરનગર પટેલ વાડી વિસ્તાર, ઇવા પાર્ક ખાતે કાર્યરત ધન્વંતરી રથ, નવાગામ ઘેડ તેમજ નિલકંઠ નગર શહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જિલ્લા કલેકટર રવિશંકર અને કમિશ્નર સતીષ પટેલ આકસ્મિક મુલાકાત લીધી હતી.
આ દરમિયાન રથ દ્વારા દર્દીને મળતી સેવાઓ જેવી કે, દર્દીને કયા પ્રકારની દવાઓ આપવામાં આવે છે, દર્દીના વિવિધ ટેસ્ટ જેવા કે બ્લડ શુગર, એન્ટીજન ટેસ્ટ, ઓક્સિજન લેવલની તપાસ વગેરે સ્થળ પર ચકાસણી કરી હતી. તદઉપરાંત લોકો સાથે મુલાકાત કરી ધન્વંતરિ રથ વિશે તેમને મળતી સેવાઓ વિશે પૂછપરછ કરી સાધનની ચકાસણી પણ કરી હતી. ધનવંતરી રથ દ્વારા લોકોને તેમના વિસ્તારમાં જ રોગપ્રતિકારક શક્તિવર્ધક દવા, આયુર્વેદિક ઉકાળા, શરદી, તાવ, ઉધરસ વગેરે દવાઓ, આવશ્યક વિટામિનની દવા, હોમિયોપેથી દવાઓ અને સંશમની વટી, વિવિધ ટેસ્ટની સુવિધાઓ આપવામાં આવે છે.
– રોહિત મેરાણી (જામનગર)
