અનાજના લઘુતમ ટેકાના ભાવ ચાલુ રહેશે : મોદી

નવી દિલ્હી : સંસદમાં પસાર કરવામાં આવેલા કૃષિ સંબંધિત બે ખરડા ‘૨૧મી સદીમાં તાતી જરૂરિયાત સમાન’ છે, એમ જણાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ખેડૂતોને ખાતરી આપી હતી કે અનાજના લઘુતમ ટેકાના ભાવ મિનિમમ સપોર્ટ પ્રાઇસ-એમએસપી અગાઉની માફક ચાલુ જ રહેશે. મોદીએ બિહારમાં કુલ ૧૪,૨૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ ધરાવતા નવ હાઇવે પ્રૉજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો તેમ જ ઑપ્ટિકલ ફાઇબર ઇન્ટરનેટ સેવાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. મોદીએ ખેત-વિષયક ખરડાઓની ફરી વાત કરતા કહ્યું હતું કે ‘મંડીઓમાં ધંધા-વેપારનું કામકાજ રાબેતામુજબ ચાલુ રહેશે. બે ખરડાની આ કામકાજ પર કોઈ વિપરીત અસર નહીં પડે. હું સ્પષ્ટતા કરવા માગું છું કે આ ફેરફાર કૃષિ મંડીઓ એપીએમસી માર્કેટોની વિરુદ્ધમાં નથી.
એનડીએ સરકાર હંમેશાં આ મંડીઓના આધુનિકીકરણની હિમાયતી રહી છે. આ ખરડા આવી જતાં હવે ખેડૂતો પોતાની પેદાશોનો ક્યાંય પણ મુક્ત વેપાર (પોતાની પસંદગીના સ્થળે અને પોતાની પસંદગીના ભાવે) કરી શકશે.’ મોદીએ આ ખરડાના ટીકાકારોને ખાસ કરીને કૉંગ્રેસને વખોડતા કહ્યું હતું કે વર્ષોથી ખેડૂતોનું શોષણ થઈ રહ્યું હતું. ખેડૂતો પોતાના જ ઉત્પાદનોના વેચાણને લગતા નિયમોની જાળમાં ફસાયેલા હતા. એમાં પરિવર્તનની ખાસ જરૂર હતી જે કામ અમારી સરકારે કર્યું. પરિવર્તન લાવવામાં આવ્યા પછી હવે કેટલાક લોકો મગજ પરનું સમતોલપણું ગુમાવીને ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવના મુદ્દે ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ એ જ લોકો છે જેઓ વર્ષો સુધી એમએસપી પરની સ્વામિનાથન કમિટીની ભલામણો પર બેઠા રહ્યા હતા.
