મેયરના મતવિસ્તારની મોંકાણ : ગાંધીનગરનું શાકમાર્કેટ ગટરની ગંદકીમાં ગરકાવ…!

મેયરના મતવિસ્તારની મોંકાણ : ગાંધીનગરનું શાકમાર્કેટ ગટરની ગંદકીમાં ગરકાવ…!
Spread the love
  • ગટરના ગંદાપાણીમાં વેપલો કરવા મજબૂર રેકડીધારકો….

  • કોર્પોરેશનના બહેરા કાનમાં આ સંભળાશે કે પછી ધૃતરાષ્ટ્રની ભૂમિકા અદા કરશે….

  • જ્યાં સુધી કોઈ એક્શન નહિ ત્યાં સુધી કોઈ રિએક્શન નહિ એવી કોર્પોરેશનની માનસિકતા બની ગઈ લાગે છે…

ગાંધીનગર : સમગ્ર રાજ્યનો વહીવટ જ્યાંથી થાય છે એવા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જ દીવાતળે અંધારુ જેવો ઘાટ ઘડાયો છે. કોઈ જાેનારું નથી, કોઈ પૂછનારું નથી… જેને મનફાવે એમ કરે, મનફાવે એમ વર્તે… કોના બાપની….! આમ તો ગાંધીનગર એટલે ઓનપેપર વ્હાઈટ કોલરની નગરી ગણાય છે પરંતુ બધાય બેનંબરી કામ અહીંથી જ પાર પડે છે એમ માનવાને જરાય અતિશયોક્તિ નથી. ગાંધીનગરમાં સચિવાલય હોય કે સ્થાનિક વહીવટી તંત્ર હોય… આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાં ઉક્તિને સાચા અર્થમાં સાબિત કરવા સત્તાધીશોમાં જાણે કે હોડ લાગી હોય…!


ગાંધીનગર મધ્યે આવેલ સેકટર-૨૧ના શાક માર્કેટમાં ગટરના ગંદા પાણી કેટલાય દિવસોથી ઉભરાઈ રહ્યાં છે તેમ છતાં સ્થાનિક કોર્પોરેટરો કે કોર્પોરેશનને દેખાતું નથી. હવે કોર્પોરેટરોની નજરમાં તો માત્ર મત મેળવવા સમયે જ બધું યાદ આવ છે બાકી જીત્યા પછી તો આમેય ક્યાં કોઈ ડોકાય છે…! અતિ આશ્ચર્યની વાત તો છે કે, આ વોર્ડના કોર્પોરેટર તો ખુદ ગાંધીનગર કોર્પોરેશનના મેયર છે. મેયરની સરકારી ગાડીઓમાંથી નીચે પગ મૂકવાની આદત નથી એટલે કદાચ તેઓની નજર સુધી આ ગંદકી નહિં પહોંચતી હોય…

પરંતુ મેયરે આ વાત ભૂલી જવાની જરાપણ જરૂર નથી કે તેમના ઘરમાં બનતી રસોઈનું શાક આ જ સ્થળે આવતું હોય છે… વેપારીઓ દ્વારા આ અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે નહિ તે તો રામ જાણે પરંતુ ગંદકીની અને ગંદી રાજનીતિની જાણે કે આદત પડી ગઈ છે… હવે આમના કાન કોણ વીંધે છે એ તો આવનારો સમય જ બતાવશે. જાેઈએ સ્વચ્છતાની ગુલબાંગો પોકારનાર મેયર આ અંગે તાત્કાલિક અસરથી કોઈ પગલાં લે છે કે પછી જનઆરોગ્ય સાથે ચેડાં થવાનો સમય આપવા માંગે છે…???

ભરતસિંહ રાઠોડ (ગાંધીનગર)

Right Click Disabled!