કોરોના સંકટ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં માનવતાના ઉત્તમ કાર્યમાં બજરંગ દળની ટીમ સેવામાં જોડાઈ

કોરોના સંકટ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં માનવતાના ઉત્તમ કાર્યમાં બજરંગ દળની ટીમ સેવામાં જોડાઈ
Spread the love
  • કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ દર્દીના પરિવારે મોકલાવેલી સામગ્રીને દર્દીઓ સુધી પહોંચાડતી બજરંગદળની ટીમ

સુરતમાં વધતાં જતાં કોરોના સંક્રમણમાં રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાને વ્યાપક બનાવવામાં આવી છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ-૧૯ હોસ્પિટલમાં બજરંગદળની ટીમ નિઃસ્વાર્થ સેવાકાર્યમાં જોડાઈ છેલ્લાં બે દિવસથી ખડેપગે રહી દર્દીઓને પરિવારે મોકલવાની સાધન સામગ્રી પહોચાડી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડી રહી છે.

હાલમાં કોરોનાની પરિસ્થિતિ ઝડપભેર વકરી રહી છે. સ્મિમેર અને સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સુરત નવી સિવિલ તંત્ર દ્વારા દર્દીઓને સહાયરૂપ થવાં માટે શહેરીજનોને કરવામાં આવેલી ‘સેવાદાન’ની અપીલને પગલે નવી સિવિલમાં માનવતાના ઉત્તમ સેવાકાર્ય માટે બજરંગદળની ૧૨ સભ્યોની ટીમ જોડાઈ છે. આ ટીમ છેલ્લાં બે દિવસથી કોરોના દર્દીઓને તેમના પરિવારજનોએ મોકલાવેલી ઘરની સામગ્રી, પરિવારનો સંદેશો પહોંચાડવાનું કાર્ય, દર્દીને પરિવાર સાથે ફોન પર તેમજ વિડીઓ કોલ મારફતે વાત કરાવવાનું કાર્ય આ ટીમ કરી રહી છે. કોવિડ હોસ્પિટલ આસપાસ ફરજ બજાવતાં ટીમના સભ્યો પોતાના જીવની પરવા કર્યા વિના આ કપરી પરીસ્થિતિમાં શક્ય તેટલી સેવા કરી કંઈક સારૂ કાર્ય કરવામાં સહભાગી બનવાનો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. આ ટીમના સહયોગથી સિવિલ આરોગ્ય તંત્રને પણ રાહત મળી છે, સાથોસાથ દર્દીઓ અને દર્દીઓના સ્વજનો પણ ખુશ છે.

બજરંગદળ ટીમના પ્રમુખ દેવીપ્રસાદ દુબેએ જણાવ્યું હતું કે, ‘સેવાદાનનો મોકો આપવા બદલ અમે સિવિલ આરોગ્ય તંત્ર અને જિલ્લા કલેક્ટરશ્રીનો આભાર માનીએ છીએ. અમોને કોવિડ-૧૯ હોસ્પિટલમાં વ્યવસ્થા જાળવવાની જવાબદારી સોંપવામાં આવી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા બજરંગદળને સેવા માટેનો પ્રસ્તાવ મળતાં અમે દર્દીઓ અને સગાવ્હાલાંઓની સેવામાં કટિબધ્ધ છીએ. અમે દર્દી માટે કપડાં, નાસ્તો, ટિફિન તેમજ અન્ય જરૂરી ચીજવસ્તુઓ દર્દીઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યાં છીએ. અમને સેવાદાનની મંજૂરી મળી એના ૨૪ કલાકમાં જ આ સેવામાં જોડાઈ ગયા છીએ.
શ્રી દુબે જણાવે છે કે, બજરંગદળ દ્વારા લોકડાઉનના કપરા સમયમાં પણ અવિરતપણે સેવાની જ્યોત જલતી રાખવામાં આવી હતી. હજુ પણ જ્યાં સુધી સિવિલમાં અમારી સેવાની જરૂરિયાત રહેશે ત્યાં સુધી સેવા બજાવતા રહીશું.

Right Click Disabled!