હવે બહેન-બેટીઓની છેડતી કરનારના પોસ્ટર્સ ચાર રસ્તે લગાવશે

લખનઉ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉત્તરપ્રદેશ સરકાર મહિલાઓ વિરુદ્ધની ગુનાખોરી ડામવા ‘ઓપરેશન દુરાચાર’ શરૂ કરશેગુનેગારોનાં નામ, તસવીર જાહેર કરવા પોલીસ-કર્મચારીઓને છૂટ આપવામાં આવીસતામણીની ઘટના બની એ વિસ્તારનો પોલીસ-સ્ટાફ પણ જવાબદાર ગણાશે. ઉત્તરપ્રદેશની યોગીસરકારે મહિલાઓ વિરુદ્ધ થતા ગુના પર કાબૂ મેળવવા અનોખી પહેલ કરી છે. મહિલાઓ સાથે છેડતી, યૌનશોષણ અને દુષ્કર્મ જેવા ગુનાની આદત ધરાવતા ગુનેગારોનાં પોસ્ટર્સ ચાર રસ્તા પર લગાવાશે.સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આવા ગુનાની તપાસ માટે પોલીસને ‘ઓપરેશન દુરાચારી’ શરૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
યોગીએ કહ્યું હતું કે આ પ્રકારના ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા મહિલા પોલીસ-કર્મીઓને છૂટ આપવી જોઈએ. આ ઉપરાંત આવા ગુનેગારોને ખુલ્લા પાડવા તેમની તસવીર અને નામ ધરાવતાં પોસ્ટર્સ ચાર રસ્તે લગાવવાં જોઈએ. લોકોને ખબર પડવી જોઈએ કે મહિલાઓ વિરુદ્ધ ગુના કરનારા કોણ છે.સરકાર મહિલા વિરુદ્ધના ગુના ઉકેલવા એન્ટી રોમિયો સ્ક્વૉડ વધુ મજબૂત બનાવશે આ અંગે માહિતી આપતાં સરકારી અધિકારીએ કહ્યું હતું કે જો મહિલાઓ વિરુદ્ધ સતત આવા ગુના થશે તો જે-તે પોલીસ મથક વિસ્તારના બીટ પ્રભારી, ચોકી પ્રભારી, પોલીસ મથક પ્રભારી અને સર્કલ અધિકારી પણ જવાબદાર ગણાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે કે એન્ટી રોમિયો સ્ક્વૉડને વધુ સક્રિય અને મજબૂત કરવી જોઈએ, જેથી મહિલાઓ વિરુદ્ધના ગુનાની તપાસમાં મદદ મળે.
