નવરાત્રીએ મા જગદંબાએ ખુશીઓના દીપ પ્રગટાવવાની તક આપી છે, ઝડપી લેજો..!!

નવરાત્રીએ મા જગદંબાએ ખુશીઓના દીપ પ્રગટાવવાની તક આપી છે, ઝડપી લેજો..!!
Spread the love

કાચી કલમનો કારીગર

આદ્યશક્તિ મા આરાસુરી જગદંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી,  ગુજરાતીઓની ઓળખ બની ચૂકેલી નવરાત્રીનું પર્વ શરૂ થઇ રહ્યું છે અને કદાચ આ વર્ષે પહેલીવાર એવી નવરાત્રી હશે જેમાં ગુજરાતીઓ ગરબે નહીં ઘૂમે. આમ તો નવરાત્રિ અને ગરબો એકબીજાનો પર્યાય બની ચૂક્યા છે એ જ રીતે ગુજરાતીઓ અને ગરબો પણ જાણે એકબીજાનું અભિન્ન અંગ એક હોય એમ ગુજરાતીઓ માત્ર નવરાત્રિમાં જ નહીં પરંતુ જ્યારે, જે પ્રસંગે અને જ્યાં પણ ગરબા રમવાની તક મળે તેને છોડતા નથી પછી તે લગ્નનો વરઘોડો હોય, ક્રિકેટની મેચમાં ભારતની ટીમ જીતી હોય કે પછી ચૂંટણીમાં મળેલી જીતનો વિજયોત્સવ હોય.અને હવે તો સગાઈમાં પણ ગરબા રમાય છે અને બાળકની બાબરીમાં પણ ગરબા રમાય છે. ઉત્તરાયણમાં સાંજે ધાબા પર ગરબા રમાય છે તો કોરોના વાયરસને ભગાડવા માટે યોજાયેલા શંખ-ઘંટનાદમાં પણ ગરબા રમાય છે.

આ વર્ષે નવરાત્રીમાં રાસ-ગરબા યોજાશે કે નહીં તે બાબતે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી અને એમાં પણ રાજ્ય સરકારે છેક છેલ્લે સુધી સસ્પેન્સ જાળવી રાખી અંતે ગરબા યોજવાની મંજૂરી નહીં આપવાનો નિર્ણય કર્યો ત્યારે કરોડો ગુજરાતી યુવાનો સહિતના ગરબા પ્રેમીઓના દિલ તૂટી જવા પામ્યાં છે. સરકારના નિર્ણય પ્રત્યે રોષ પ્રગટ કરતી અનેક દલીલો વાળી પોસ્ટની ભરમાર સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. જોકે જોવાનું એ છે કે જો નવરાત્રિમાં ગુજરાતીઓ ગરબે રમશે નહીં તો કરશે શું? માતાજીની આરતી પૂજા થઈ ગયા બાદ શું ગુજરાતીઓની ગરબા રમ્યા વિના રહેવાશે ? અનેક ગરબા વગરની નવરાત્રીમાં ગુજરાતીઓને તો એક બીજો પણ અફસોસ રહી જવાનો અને તે છે રાસ ગરબા રમ્યા પછી જે નાસ્તા-પાણીની જયાફત ઉડાવાતી હતી તે પણ હવે કેવી રીતે કરાશે? આમ તો દર નવરાત્રીમાં કેટલાક રસિકો તો માત્ર ગરબા નિહાળવા કે નાસ્તા-પાણી માટે જ ઉજાગરો કરતા હતાં તેમને પણ ગરબાપ્રેમી ખેલૈયાઓ જેટલું જ દુ:ખ પંહોચ્યું છે.

રાજ્યમાં આગામી સમયમાં આવનાર તહેવારોને અનુલક્ષીને સરકારે ગાઈડ લાઈન જાહેર કરી છે જે અનુસાર નવરાત્રીમાં માત્ર પૂજા-આરતી અને ગરબીની સ્થપના થઇ શકશે પરંતુ ગરબા નહિ થાય. ગુજરાતીઓ તો ગરબા રમી ભરપૂર આસ્થા સાથે મા જગદંબાની ભક્તિ કરતા હોય છે. આ વર્ષે વૈશ્વિક કોરોના મહામારીને કારણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની કાળજી સારી રીતે  જળવાય ના રહે માટે આપણે આ નવરાત્રી આવી રીતે ઉજવીએ તો  જેમાં  સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે પૂજા-આરતી પતાવી ઘરે પાછા આવી આપણે ઘરના સભ્યો સાથમાં જ દાંડિયાની ઓડિયો ટેપ કે ટીવી સાથે ગરબા રમીએ તો કોરોનો ફેલાતો રોકી પણ શકીએ અને મિત્રો અને ગ્રુપ સાથે જવાનું આ વર્ષે ટાળી પણ શકીએ.

આ સાથે ૯ દિવસના જે પાર્ટી પ્લોટોના મોંઘા પાસ, નાસ્તા-પાણી અને ટ્રેડિશનલ ડ્રેસના ખર્ચામાંથી પણ મુક્તિ મળી છે તો આપણે એ બચતના નાણાં હવે જે દિવાળીનો તહેવાર આવે છે તો એ સમય પર આપણે આપણી આજુબાજુમાં જોવા મળતા જરૂરીયાતમંદ વર્ગના બાળકો, આપણે ત્યાં કામ કરતા નાના કર્મચારી, ઘરકામનો વ્યવસાય કરતી બહેનો વગેરેને તેમ‍ાંથી આપણે મદદ ના કરી શકીએ? આમ તો આપણે દિવાળીમાં એમને મીઠાઈ, ભેટ કે રોકડ બોનસ આપતા હોઇએ જ છીએ પણ આ વખતે નવરાત્રીના ખર્ચામાંથી થોડ‍ા વધુ લોકોને મદદ કરવાની એક તક મળી છે એ એવું સમજીએ તો આ નવરાત્રીમાં  “મા અંબે”ની  માંડવળીના શણગારમાં જેમ દીપ પ્રગટાવીએ છીએ તેમ આપણે દિવાળીમાં વધુ જરૂરીયાતમંદોના ઘરે ખુશીનો દીપ પ્રગટાવી શકીએ. જો આપણે એવું કરી શકીએ તો તે સાથે સાથે કોરોના વૈશ્વિક મહામારી પર પણ આપણે વિજય મળી શકીશું તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

  • રાજન ત્રિવેદી

IMG-20201016-WA0040.jpg

Right Click Disabled!