સુરત ઓએનજીસીમાં આગ એકનું મોત

સુરત હજીરા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલી ઓએનજીસી કંપનીના ગેસ ટર્મિનલમાં મોડી રાત્રે અઢી વાગ્યે ઓટોમેટિક પ્લાન્ટની ચેમ્બરમાં સ્પાર્ક થયો હતો.ગેસ લીકેજને કારણે વહેલી સવારે 3 વાગ્યા ને 15 મિનિટની આસપાસ ત્રણ વિસ્ફોટ થયા હતા. આ ધડાકાથી આગ લાગી ગઈ હતી. આગને પગલે પ્લાન્ટમાં કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. આગ વખતે થયેલા ધડાકાઓથી આસપાસના ગામવાસીઓ સાથે શહેરીજનો ધ્રૂજી ગયા હતા અને ઘર બહાર નીકળી ગયા હતા. ગેસ ટર્મિનલમાંથી દૂર દૂરથી આગની જ્વાળાઓ આકાશમાં નજરે પડી હતી. ત્રણ વ્યક્તિ ગુમ થઈ હોવાનું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.જ્યારે કંપનીની બહાર ઝૂપડામાં રહેતા એકનું દાઝી જવાથી મોત થયું છે. ઉભરાટ પાસે ગેસલાઈનનો વાલ્વ બંધ કરી દેવાતાં અંદાજે ચાર-પાંચ કલાક બાદ પાઈપમાં રહેલો ગેસ ચીમની વાટે સળગાવી દઈને આગ પર કાબૂ મેળવાયો છે.
ચીમનીમાંથી ગેસ સળગાવતા આસપાસનું તાપમાન 50 ડિગ્રી જેટલું થયું હતું. સમગ્ર દુર્ઘટનામાં ઓએનજીસી દ્વારા કોઈ જાનહાનિ ન થઈ હોવાનું કહેવામાં આવ્યું છે.પાઈપમાં રહેલા ગેસના જથ્થાને સળગાવવા માટે ચીમનીનો ઉપયોગ કરવામાં આવતાં દૂર દૂર સુધી આગની જ્વાળાઓ અને ધુમાડા દેખાયાં હતા દિવાલ બહાર રહેતા એકનું મોત દિવાલ બહાર ઝૂપડામાં રહેતા ત્રણ વ્યક્તિમાંથી બે વ્યક્તિ નાસી ગયા હતાં. જ્યારે ભાટપોર વતની અને મજૂરી કરતો રમેશ રાઠોડ ઝૂપડું સળગતા દાઝ્યા બાદ મોતને ભેટ્યો હતો. જ્યારે બાજુના ઝૂપડામાં રહેતા અન્ય બે લોકો આગ લાગ્યા બાદ નાસી ગયા હતાં. આગનો તણખલો રમેશના ઝૂપડામાં પડ્યો હોવાથી તે દાઝીને મોતને ભેટ્યો હોય તેમ કહેવામાં આવે છે.
વડાપ્રધાને માહિતી મેળવી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સમગ્ર દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માહિતી મેળવી હતી. વડાપ્રધાનને જાણ થતા જ ટેલિફોનિક માધ્યમથી સમગ્ર દુર્ઘટના અંગે માહિતી મેળવી હોવાનું જણાવ્યું હતું.ચીમનીમાંથી 20 ફૂટથી વધુ આગની જ્વાળા ઉપર ઊઠી મુખ્ય ગેસલાઈનના ગેસપ્રવાહને ચીમની તરફ વાળી દેવામાં આવ્યો હતો જેથી ચીમનીમાંથી 20 ફૂટથી ઊંચી ગેસની જ્વાળાઓ ઉપર ઊઠી હતી. જેથી આસપાસનું નોર્મલ તાપમાન 20થી 25 ડિગ્રીની જગ્યાએ વધીને 50 ડિગ્રીથી વધુ થઈ ગયું હતું. સામે આવેલી ગેઇલ કંપનીના ગેટ પર પણ લોકો સામું મો રાખીને ઊભા ન રહી શકે એટલું તાપમાન વધી ગયું હતું. જેથી દુર્ઘટનાસ્થળ અને કંપનીના પ્લાન્ટમાં કેટલું તાપમાન વધ્યું હશે એ અનુમાન લગાવી શકાય છે.આગ પર કાબૂ મેળવાયા બાદ કૂલિંગની કામગીરી વખતે પણ દૂર દૂરથી ધુમાડા દેખાતા હતા.
