ખેડા જિલ્લાની મુખ્ય રેલવે પોસ્ટ ઓફિસ બંધ કરવાનો હુકમ

ખેડા જિલ્લાની મુખ્ય રેલવે પોસ્ટ ઓફિસ બંધ કરવાનો હુકમ
Spread the love

નડિયાદ, ગુજરાતના રાજકીય અને ભૌગોલિક ક્ષેત્રે ઐતિહાસિક મહત્વ ધરાવતા ખેડા જિલ્લાની મુખ્ય રેલ્વે પોસ્ટ ઓફિસ અચાનક જ બંધ કરી દેવાનો હુકમ થતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આજે મોડી સાંજે આર.એમ.એસ. પોસ્ટ ઓફિસ એક અઠવાડિયામાં બંધ કરી દેવાના ઓર્ડરની વાત વાયુવેગે ફેલાઇ જતા ટપાલ પ્રેમીઓ રેલ્વે ઓફિસે ઉમટી પડયા હતા. કારણ કે આવતા અઠવાડિયાથી ખેડા જિલ્લાના પ્રજાજનો બપોરે ચાર વાગ્યા પછી કોઇપણ ટપાલ પોસ્ટ કરી શકશે નહીં.

અત્યાર સુધી રાત્રે ૯ વાગ્યા સુધી રેલ્વે ઓફિસે ટપાલ આપતા પ્રજાજનોને હવે સાંજે ૪ વાગ્યા પછી ટપાલ આપવી હશે તો આણંદ જવાનો વારો આવ્યો છે. આથી રોષે ભરાયેલા સ્થાનિકો અને કર્મચારીઓએ મોડી સાંજે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરી છે.એકતરફ બુલેટ ટ્રેન જેવા મોટા પ્રોજેક્ટનું સ્ટેશન મધ્યગુજરાતમાં આણંદ નહીં પણ નડિયાદને આપવામાં આવ્યું છે ત્યારે ટપાલ વિભાગે નડિયાદ રેલ્વે પોસ્ટ ઓફિસ અચાનક જ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. તેનાથી જિલ્લાવાસીઓ ભારે રોષે ભરાયા છે.

આઝાદી સમયથી નડિયાદના મુખ્ય રેલ્વે સ્ટેશન ઉપર ટપાલ ખાતાની આર.એમ.એસ. ઓફિસ ચાલે છે. જ્યાં આખા જિલ્લાની હજારો ટપાલોના કોથળાઓ આવે છે અને જાય છે. જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસ નડિયાદ શહેરના અમદાવાદી બજાર વિસ્તારમાં આવેલી છે. જ્યાં સાંજે ચાર વાગ્યા પછી ટપાલ લેવાતી નથી. આખા જિલ્લાની ભેગી થયેલી ટપાલો સાંજે ચાર વાગ્યા પછી રેલ્વે સ્ટેશનની આર.એમ.એસ. ઓફિસ પર મોકલવામાં આવે છે. જ્યાંથી તે ડિસ્પેચ્ડ થાય છે. પરંતુ આજે ગુજરાત સર્કલના પોસ્ટલ ડિપાર્ટમેન્ટની ચીફ પોસ્ટ માસ્તર જનરલની ઓફિસથી બહાર પડેલા હુકમ મુજબ આગામી ૧લી ઓક્ટોબરથી નડિયાદની આર.એમ.એસ. ઓફિસ બંધ કરી દેવાની છે અને તેનું કામકાજ હવેથી આણંદના રેલ્વે સ્ટેશન ઉપર આવેલ આર.એમ.એસ. ઓફિસ દ્વારા કરવાના આદેશો જારી થયા છે.

નડિયાદ આર.એમ.એસ. ઓફિસ આઝાદી પહેલેથી કાર્યરત્ છે. અહીંથી એક સમયે સ્પીડ પોસ્ટ અને પાર્સલ પોસ્ટીંગનું કામકાજ પણ થતુ હતું. જે થોડા વર્ષો અગાઉ અગમ્ય કારણોસર બંધ કરવામાં આવ્યું હતુ. આથી ત્યારે પણ જિલ્લાવાસીઓએ રજૂઆતો કરી હતી અને ફરીથી શરુ કરવાની હૈયાધારણા આપવામાં આવી હતી. પરંતુ એ પ્રશ્ન તો હજી પેન્ડીંગ છે ત્યારે ફરીથી આખેઆખી પોસ્ટ ઓફિસ જ બંધ કરવાના હુકમો થયા છે.

જિલ્લાની ટપાલો હવે એકથી વધુ દિવસ મોડી પહોંચશે

નડિયાદ આર.એમ.એસ. ઓફિસ ઉપર પ્રજાજનો રાત્રે નવ વાગ્યા સુધી પાંચ રૂપિયાની લેટ ફી સાથે ટપાલો આપી શકે છે. જે એ જ દિવસે નીકળી જાય છે. આ ઓફિસ ઉપરથી દરરોજના દોઢસો કોથળા ભરેલી ટપાલો ડિસ્પેચ્ડ કરવામાં આવે છે. એટલે કે રાત્રે આવતા ગુજરાત મેઇલ ટ્રેઇનમાં ચઢાવવામાં આવે છે અને એ જ રીતે દોઢસોથી વધુ કોથળાઓની ટપાલો લેવામાં આવે છે. આ માટે ૩૨થી વધુ પોસ્ટલ સ્ટાફ કામે લાગે છે. પરંતુ આ કાર્ય હવે આણંદથી થવાનું હોવાથી ખેડા જિલ્લાના દોઢસો જેટલા કોથળાઓ દરરોજ આણંદ સ્ટેશને મોકલવા પડશે. આથી ખેડા જિલ્લાની ટપાલો હવે હંમેશા એકથી વધુ દિવસ લેઇટ પહોંચશે અને આવશે.

પોસ્ટ ઓફિસના કર્મીઓનું સાંસદને આવેદન

નડિયાદ આર.એમ.એસ. ઓફિસ પર કામ કરતા ૩૨થી વધુ કર્મચારીઓએ સંયુક્ત આવેદનપત્રથી જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણને જણાવ્યું છે કે આ ઓફિસ બંધ કરવાનો નિર્ણય તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે, કારણ કે કોવિડ મહામારી અને અધૂરા શૈક્ષણિક સત્ર દરમ્યાન કર્મચારીઓને બીજે બદલી કરવી યોગ્ય નથી. વળી આમ કરવાથી ખેડા જિલ્લાના પ૦૦થી વધુ ગામડાઓને ટપાલો સમયસર મળશે નહીં.

પોસ્ટ ડિપાર્ટમેન્ટના અવિચારી નિર્ણય સામે રોષ

ગુજરાત ફિલાટેલિક એસોસીએશન (ટપાલ ટીકીટ સંગ્રહ)ના પ્રેસીડન્ટ માર્કન્ડ દવેએ ટેલિફોનિક સંપર્કમાં જણાવ્યું હતું કે પોસ્ટલ ડિપાર્ટમેન્ટનો આ અવિચારી નિર્ણય છે. અત્યારે જિલ્લાવાસીઓ માત્ર પાંચ રૂપિયા લેઇટ ફી આપવાથી રાત્રે ૯ વાગ્યા સુધી પોતાની ટપાલો આપી શકે છે. જે હવે સાંજે ૪ વાગ્યા પછી આપી શકશે નહીં. અને જો આપશે તો એમની ટપાલ બીજે દિવસે જ નીકળશે. અમે પણ આ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે. જો કેન્દ્ર સરકાર ખેડા જિલ્લાના વડામથક નડિયાદને બુલેટ ટ્રેનનું સ્ટોપેજ આપવા જેટલું મહ્ત્વ સમજી શક્તી હોય તો પછી પોસ્ટ ડિપાર્ટમેન્ટ આવો અવિચારી નિર્ણય કઇ રીતે કરી શકે. એ સમજાતું નથી. ગુજરાતનું અમારું એસોસિએશન આ માટે લડત આપીને જિલ્લાની આર.એમ.એસ.ઓફિસ ચાલુ રખાવવા માટે કટિબદ્ધ છે.

ટપાલો આણંદ રેલવે સ્ટેશને મોકલવાનો ખર્ચ વધશે

નડિયાદ આર.એમ.એસ. પોસ્ટ ઓફિસમાં કામ કરતા એક નાના કર્મચારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે આ તો મહંમદ તગલખ જેવો નિર્ણય કહેવાય. ખેડા જિલ્લાની ટપાલો ગામડે ગામડેથી નડિયાદ આવે અને પછી નડિયાદથી બસ મારફતે એને સાંજે આણંદ રેલ્વે સ્ટેશને પહોંચાડવાથી ખર્ચો ડબલ થશે અને ટપાલો પણ મોડી પહોંચશે.

post.jpg

Right Click Disabled!