પોતે જીવે છે એની ખાતરી લોકોએ કરાવતાં રહેવું જોઈએ…

પોતે જીવે છે એની ખાતરી લોકોએ કરાવતાં રહેવું જોઈએ…
Spread the love

લોકશાહીની વ્યાખ્યા લોકો વડે, લોકો માટે ને લોકો દ્વારા ચાલતી “શાહી” એવી અપાઈ છે. લોકશાહીમાં લોકો સર્વોપરી ગણાયા છે. ભારત સ્વતંત્ર થયું એનું અમૃતપર્વ આવતે વર્ષે ઉજવાવાનું છે, પણ છેલ્લાં થોડાં વર્ષોથી લોકોનો સ્પષ્ટ, સત્યનિષ્ઠ, નિર્ભીક અવાજ સંભળાતો નથી. અવાજ એટલે આંદોલન એવી વ્યાખ્યા અહીં કરવાની નથી. દેશમાં આંદોલનો થતાં રહે કે હિંસા થતી રહે તો જ લોકોનો જીવ અનુભવાય એવું કહેવાનું નથી. મોંઘવારી વધતી જતી હોય ને લોકો ચૂપ હોય એવું અગાઉ ખાસ બન્યું નથી, એક જણ બોલ્યા જ કરતું હોય ને લોકોને તે અંગે કોઈ પ્રતિક્રિયા જ ન હોય એવું પણ ભાગ્યે જ બન્યું છે, પણ હવે એવું બને છે.

દેશમાં બધું ઉત્તમ જ થતું હોય ને લોકો આનંદથી મરી રહેતાં હોય તો ગમે, પણ એવું હકીકતે નથી.એમ લાગે છે કે લોકોના પ્રકારો પડી ગયા છે. એક પ્રકાર એવો છે જેને દેશમાં કૈં ખોટું થયાનું લાગતું જ નથી. એ સરકારની આરતી ઉતારીને રામધૂનમાં વ્યસ્ત છે. એક વર્ગ એવો છે જેને બધી વાતે અસંતોષ છે. આ અસંતોષને કોઈ ચોક્કસ કારણ નથી, કારણ હોય કે ન હોય, વિરોધ કરવો છે ને ખૂણે પડીને એક વર્ગ બબડ્યા કરે છે. એવા વાંઝિયા વિરોધથી કૈં થતું નથી. એક વર્ગ એવો છે જે તટસ્થ અને સ્વસ્થ છે, તેનામાં સચ્ચાઈ અને પ્રમાણિક્તા છે, તે સ્પષ્ટ મત ધરાવે છે, તેનો પણ કોઈ અવાજ જાહેરમાં ઊઠતો નથી. એનું કારણ છે. એ અવાજ બહાર ન પહોંચે એવી તંત્રો અને માધ્યમોની વ્યવસ્થાઓ છે.

જે ફક્ત સત્તાનું સંકીર્તન કરે છે અને સત્ય પ્રગટ ન થઈ જાય એટલે ઘોંઘાટથી તેને ઢાંક્યા કરે છે.એમ પણ લાગે છે કે સત્તાઓ, વિરોધને રોકી ના શકે એટલો અવાજ ઊઠે તો તેને આંદોલનજીવી કે આતંકી કહીને ઉતારી પડાય છે ને મૂળ કારણને જ રફેદફે કરી નખાય છે. એ પણ ખરું કે રાજકીય પીઠબળ વગર હવે વિરોધ શક્ય નથી. કોઈ પણ વિરોધ હવે રાજકીય હવામાનમાં ન ઊઠે તો તે અવાજ કે ઘોંઘાટનું મૂલ્ય ધરાવી શકતો નથી. એ જ કારણ છે કે વિરોધ સાચો હોય તો પણ લોકો અંગત અવાજને જાહેર બનાવી શકતા નથી, કારણ વિરોધને જાહેર અવાજ બનાવનાર પરિબળો તો સત્તાશ્રયી છે, એટલે પણ લોક અવાજ દબાયેલો, ટૂંપાયેલો લાગે છે.બાકી, લોકોને બધું ગમે જ છે એવું નથી.સુરતનો જ એક દાખલો જોઈએ.

નાનપરા ટી એન્ડ ટીવી તરફથી અઠવાગેટ પુલ નીચેથી સ્કૂટર પર, સામે, વનિતા વિશ્રામના મુખ્યગેટ પર જવું હોય તો કેટલું અંતર કાપવું પડે? જવાબ છે ત્રણ કિલોમીટર. માનવામાં નથી આવતુંને? ટી એન્ડ ટીવીથી, પુલ તરફ, નીચે, સીધું સામે જવાતું નથી. એમ જવું હોય તો ડાબી તરફથી સીધા મજૂરા ગેટ જવું પડે અને ત્યાંથી યુ ટર્ન લઈને અઠવાગેટ ફરી આવવું પડે ને પછી ડાબી તરફ ટર્ન લઈ વનિતા વિશ્રામ કે ચોપાટી તરફ જઈ શકાય. આ ત્રણ કિલોમીટરનો ચકારાવો અનેક વાહન ચાલકો લે છે. કોઈને એનો કોઈ જ વાંધો નથી. એ ચકરાવો કેમ લેવાનો તે પણ ઘણાને ખબર નથી. બસ ચકરાવો લેવાનો છે ને લોકો તે લે છે.

આમ તો અઠવાગેટથી કૃષિમંગલ પહેલાં, જમણી તરફ ટર્ન લઈને અઠવાગેટ થઈ વનિતા વિશ્રામ જઈ શકાતું હતું, પણ એ ટ્રાફિક પોઈન્ટ બંધ કરાયો એટલે મજૂરાગેટ સુધી ઘણાએ લાંબા થવું પડે છે. લાંબા કેમ થવાનું તેનો કોઈ ખુલાસો સત્તાવાળાઓ કરવા રાજી નથી. એક તરફ પેટ્રોલ સેન્ચુરી મારવા પર છે, તંત્રો પેટ્રોલ બચાવવા લોકોને અપીલ કરે છે ને એ જ તંત્રો 3 કિલોમીટરનો ચકરાવો, હજારો લોકોને, તેમના કોઈ વાંક વગર મરાવે છે. સુરતમાં ટ્રાફિક નિયમન કરનારાઓ છે, પોલીસ કમિશનર છે, અન્ય સત્તાધીશો છે, પણ એ બધાને, લોકોને કારણ વગરનો ચકરાવો મરાવવાનો બાદશાહી શોખ છે. બીજી તરફ લોક હિતની આટલી સંસ્થાઓ છે, એને પણ આનો કોઈ વાંધો નથી ને એ પણ આરામથી પેટ્રોલનો ધુમાડો થવા દે છે ને પ્રદૂષણમાં વધારો કરવાનું ગૌરવ લે છે.

કોઈ માઈનો લાલ તંત્રને પૂછતો નથી કે સાહેબ, આ ત્રણ કિલોમીટરનો ધુમાડો કેમ?તો, આ સ્થિતિ છે. લોકો જીવે છે તેની ખાતરી કરવી પડે એવા દિવસો ચાલે છે.આ તો સુરતની વાત થઈ, પણ આખા દેશમાં પેટ્રોલ, ડીઝલ અસહ્ય રીતે મોંઘું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશનાં કેટલાંક શહેરોમાં તો લિટર પેટ્રોલના સોથી એકસો એક રૂપિયા ઉપર ભાવ લેવાય છે, પણ લોકો ચૂપ છે. આટલો સન્નાટો કેમ? છેલ્લાં એક વર્ષમાં ક્રૂડમાં 8.5 અને પેટ્રોલમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા 10 મહિનામાં પેટ્રોલ વીસેક રૂપિયા અને ડીઝલ અઢારેક રૂપિયા મોંઘું થયું છે. એ સાચું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ વધે તો બધે જ ભાવ વધે, પણ તેલની આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમત ખૂબ ઘટી હોય છતાં ભારતમાં પૂરી બેશરમીથી પેટ્રોલ- ડીઝલની કિંમત વધી છે.

કોરોના સરકારને નડ્યો હોય તો પણ, લોકોને તેણે ઓછો ત્રાસ આપ્યો નથી ને એવામાં તેલની કિંમતોમાં સરકારે ભારે નિર્દયતાથી ભાવ વધારીને રીતસર લૂંટયા છે ને હોજરી ફાટફાટ થયા પછી હવે સરકાર ડહાપણ વઘારે છે કે રાજ્ય અને કેન્દ્રએ સાથે મળીને આ મામલો ઉકેલવો જોઈએ. કેન્દ્રના તેલમંત્રી તો બેશરમ થઈને કહે છે કે સરકારનો અત્યારે ડ્યૂટીમાં ઘટાડો કરવાનો કોઈ ઇરાદો નથી. તો, સરકારશ્રીને પૂછાય કે ડ્યૂટીમાં ઘટાડો કેટલા લોકો ગુજરી જાય પછી કરવાના છો?સરકાર અત્યારે તો શિયાળવી વૃત્તિથી તેલના ભાવ વધારા માટે બે કારણો આપે છે. એક, આ ભાવ વધારો પેટ્રોલિયમ કંપનીઓ કરે છે ને એમાં સરકારની કોઈ ભૂમિકા નથી. આમ કહીને સરકારે લોકોને કંપનીઓની જીવદયા પર છોડી દીધા છે.

કંપનીઓ કૈં પણ કરે તો તેને સરકાર રોકી શકતી નથી. એનો અર્થ એવો પણ થાય કે દેશનો વહીવટ સરકારના હાથમાં નહીં, પણ કંપનીઓના હાથમાં છે ને જોવાની ખૂબી એ છે કે આ કંપનીઓ સરકારની છે. સીધીસટ વાત તો એ છે કે સરકારે પેટ્રોલ ડીઝલને મામલે હાથ ઊંચા કરી દીધા છે. બીજું સહેલું કારણ, પેટ્રોલના ભાવ વધારાનું એ અપાય છે કે એને માટે આગલી સરકાર જવાબદાર છે. આમાં પણ સરકાર છટકવા માંગે છે. સારું પોતે કરે છે ને જે ખરાબ થાય છે. તે આગલી સરકારને કારણે થાય છે એમ કહીને સરકાર છૂટી પડે છે.

આ બરાબર નથી. એવું તો આગલી સરકાર પણ કહી શકે કે એણે જે કર્યું તેને માટે એની અગાઉની અંગ્રેજ સરકાર જવાબદાર છે.આગલી સરકાર જવાબદાર છે તો આગલી સરકારના વખતમાં ક્રૂડનો ભાવ 108 ડોલર હતો ત્યારે પેટ્રોલ 71 રૂપિયે મળતું હતું, આજે ક્રૂડનો ભાવ 63 ડોલર છે તો પેટ્રોલનો ભાવ કેટલો હોવો જોઈએ તે હાલની સરકારને પૂછી શકાય? 71થી પણ અડધા ભાવે પેટ્રોલ વેચી શકાય એમ છે તેને બદલે ભાવ 101 રૂપિયા કેમ છે તેનો જવાબ સરકાર પાસે છે? 70 વર્ષના કારભારમાં આગલી સરકારે 7 વર્ષમાં 13 વખત એક્સાઈઝ નથી વધારી જે હાલની સરકારે વધારી છે, તો એને માટે પણ આગલી સરકાર જવાબદાર છે?

સાદી વાત એટલી છે કે ભાવ વધારો સરકારની લાચારી નથી જ ! લોકોને ખંખેરી લેવાની પાશવી વૃત્તિ એમાં કામ કરી રહી છે. કૃષિ સેસ લાગુ કરવામાં આવ્યો ત્યારે એવી જાહેરાત નાણામંત્રીએ બજેટમાં કરી હતી કે તેનો બોજ સામાન્ય લોકો પર નહીં પડે, પણ છેલ્લા થોડા દિવસોમાં પેટ્રોલ- ડીઝલમાં થયેલા બેફામ ભાવ વધારાનો બોજ તો લોકો પર જ પડી રહ્યો છે એ સરકારને દેખાય છે? સરકારને દેખાતું નથી કે તેણે જોવું નથી એ નથી સમજાતું.આટલું ઓછું હતું તેમાં ગેસનો બાટલો સીધો પચાસ રૂપિયા વધી ગયો. એ કઈ ખુશીમાં થયું તે જવા દઈએ તો પણ જે મધ્યમ વર્ગે વડાપ્રધાનના એક બોલ પર સ્વેચ્છાએ ગેસની સબસિડી જતી કરી એ મધ્યમ વર્ગને 50 રૂપિયાનો ફટકો મારીને સરકારે કેવી વફાદારી બતાવી છે તે કહેવાની જરૂર નથી.

ટૂંકમાં, આ વફાદારી નથી, કેવળ ને કેવળ નફાદારી છે. પણ, આમાં વાંક સરકારનો નથી. ગધેડો પણ બોજ વધારે મૂકાય તો ભૂંકે છે, જ્યારે આપણે તો માણસો છીએ. આટલા બોજ પછી પણ પ્રજા ચૂપ રહે તો એનો અર્થ એવો થાય કે એની પાસે હરામની કમાણી ઘણી છે ને સરકાર 1,000 રૂપિયે લિટર પેટ્રોલ કરે તો પણ તેનું રૂંવાડું ફરકે એમ નથી.

bd419a5d-e336-4390-a14b-d9ad41216760.jpg

Right Click Disabled!