પરિવર્તન સાથે પ્રગતિ : બજાજ ઓટો લિમિટેડ

પરિવર્તન સાથે પ્રગતિ : બજાજ ઓટો લિમિટેડ
Spread the love

ભાગ 33-મેનેજમેન્ટ મેજિક

ઇટાલિયન કંપની પીયાજીઓના આયાતકાર તરીકે ૧૯૪૫માં શરૂ થનારી બજાજ ઓટો લિમિટેડે પોતાની આટલા વર્ષોની યાત્રામાં અનેક ઉત્તર ચડાવ જોયા. બાહ્ય વાતાવરણમાં અઢળક પરિવર્તનો જોયા પરંતુ બધા પરિવર્તનો સાથે તાલ મિલાવીને ચાલવાથી એમને ઘણો ફાયદો થયો અને કદાચ એ જ એમની સફળતાનું રહસ્ય રહ્યું છે. ૧૯૬૦ પછી બજાજે પોતાના દ્વિ અને ત્રણ ચક્રીય વાહનોના વિવિધ ભાગોના સ્વદેશીકારણ કરવા પર અને ભારતભરમાં પોતાના ડીલરો વધારવાનું શરૂ કર્યું. ૧૯૬૬માં બજાજ ઓટો ભારતની સૌથી મોટી દ્વિચક્રીય કંપની બની ગઈ અને તેને સ્કુટરની માંગ પુરવઠા કરતા ઘણી વધી ગઈ.

૧૯૭૧માં પીયાજીઓ સાથેનો તેમનો સાથ પૂરો થયા પછી ૧૯૭૨માં બજાજે તેમનું પહેલું સ્કુટર ચેતક બજારમાં મૂક્યું જે ભારતીય ઑટોમોબાઇલ ઉદ્યોગ માટે એક ક્રાંતિકારી પગલું હતું. ૭૦ અને ૮૦ના સમગ્ર દાયકા દરમ્યાન ચેતકે ભારતીય બજાર પર જબરજસ્ત પ્રભુત્વ જમાવી રાખ્યું હતું. વાર્ષિક ૨૦૦૦૦ સ્કુટર બનાવાની ક્ષમતા સામે ખુબજ વધારે માંગ હતી જેને પહોંચવાનું લગભગ અશકય હતું. સ્કુટરનું બુકીંગ કર્યા પછી ૧૦-૧૦ વર્ષ રાહ જોવી પડી હોય એવા તો અનેક કિસ્સાઓ છે. સ્કૂટરની ડિલિવરી મળતાં જ લોકો મીઠાઈ વહેંચવાનું શરૂ કરી દેતા અને બાળક આવવાની ખુશીની સમકક્ષ એ ખુશી ગણાતી.

બજાજે પરિસ્તિથીનો તાગ મેળવીને પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવાનું શરૂ કરી દીધું હતું. ૧૯૮૦માં ૧૭૨૦૦૦, ૧૯૮૮માં ૫૧૦૦૦૦ અને ૧૯૯૦માં ૮૦૦૦૦૦ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સુધી તે પહોંચી ગયું. આ સમગ્ર વર્ષો દરમ્યાન બાહ્ય વાતાવરણે અનુરૂપ થઈને બજાજે પોતાનો ખર્ચ અને કિંમત નીચી રાખી, એક જ પ્રકારના બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ઉત્પાદન ક્ષમતા વધારવા પર કામ કર્યું. ચેતક મોડલ બંધ થયું ત્યાં સુધીમાં બજાજે લગભગ ૧ કરોડ ચેતક સ્કુટર બજારમાં વેચી નાખ્યા હતા.તે સમય દરમ્યાન બજાજનું બજારમાં લગભગ એકાધિકારવાદી શાસન હતું એટલે માર્કેટિંગ, નવીનતા, ડિઝાઇન, રિસર્ચ અને સર્વિસ પર એણે બહુ ધ્યાન નહીં આપ્યું.

પરંતુ ૧૯૮૪માં ભારત સરકારે વિદેશી કંપનીઓને ભારતમાં કોલોંબોરેસન થકી પ્રવેશવાની છૂટ આપતા જ ઑટોમોબાઇલના મોટા વૈશ્વિક ખેલાડીઓ જેવા કે હોન્ડા, સુઝુકી, યામાહા વગેરે પોતાની ઉચ્ચ કોટિની ટેક્નોલોજી સાથે ભારતમાં પ્રવેશ્યા અને લોકોની પ્રાથમિકતાઓ બદલાવા માંડી. તેમની સામે બજાજની ટેક્નોલોજી ખુબ જ પાછળ હતી. ફરી એકવાર બજાજ માટે બાહ્ય વાતાવરણ સાથે પરિવર્તિત થવાનો પડકાર હતો. બજાજે પરિસ્તિથી સંભાળવા જાપાનીસ કંપની કાવાસાકી સાથે ટેક્નોલોજી માટે હાથ મિલાવ્યા. બદલાવની સાથે ગળાકાપ સ્પર્ધામતક વાતાવરણને કારણે ખર્ચ અને ભાવ નીચે રાખવાનું પણ દબાણ એટલું જ હતું તેથી બજાજે જેટલી બને એટલી જૂની મશીનરી અને સાધનો વાપરવાનું ચાલુ રાખ્યું,

સપ્લાયરો ઘટાડ્યા, જથ્થાબંધ રીતે કાચા માલ ખરીદવાનું ચાલુ રાખ્યું, આયાત કરવાનું બંધ કર્યું, આઉટસોર્સીંગ વધાર્યું, ઉત્પાદકતા વધારી અને જસ્ટ ઈન ટાઈમ ડિલિવરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું.૧૯૯૧થી શરુ થયેલા ઉદારીકરણ, વૈશ્વિકરણ અને ખાનગીકારણના દૌરને કારણે બાહ્ય વાતાવરણમાં ફરી ઘણા બદલાવ આવ્યા અને ગ્રાહકો માટે પસંદગીના ખુબ જ વિકલ્પો ખુલી ગયા. બજારમાં લોકો સ્કુટરથી મોટરસાઇકલ તરફ વળ્યાં અને ઈંધણક્ષમતા અને ડિઝાઇન તેમની પ્રાથમિકતા બનતી ગઈ. કાવાસાકી સાથે હાથ મિલાવીને બજાજે મોટરસાઇકલ અને ગિયર વગરના મોપેડના બજારમાં પણ ઝંપલાવ્યું. કંપનીએ ૨ અને ૪ સ્ટ્રોક મોટરસાઇકલ બનવાનું શરૂ કર્યું. આ સાથે બજાજે ઉત્પાદન ખર્ચ નીચો રાખીને ટેક્નોલોજીમાં આગળ વધવાનું શરુ કરી દીધું.

બદલાતા જતા ગ્રાહકો પ્રમાણે બજાજે પણ પોતાના ઉત્પાદનો અને છબીમાં પરિવર્તન કરવાનું શરુ કર્યું. “હમારા બજાજ” ની પારિવારિક છબીમાંથી પલ્સર લોન્ચ કરીને યુવાન ગ્રાહકોને “ડેફિનેટલી મેલ” સ્લોગનથી આકર્ષવાના શરુ કર્યા. ૧૯૯૮-૯૯માં હીરો હોન્ડા સ્પ્લેન્ડર ખુબ જ સફળ બાઈક હતું અને એમાં પણ ૬-૧૨ મહિનાનું વેઇટિંગ હતું એ સમયે બજાજે કેલિબર લોન્ચ કરીને સ્પ્લેન્ડરનું માર્કેટ ઘણું તોડ્યું હતું અને તે હાજર સ્ટોકમાં મળતું થઇ ગયું હતું.

સ્પર્ધા વધતાની સાથે જ બજાજે માર્કેટિંગ, નવીનતા, ડિઝાઇન, રિસર્ચ અને સર્વિસ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું. સમયની સાથે સાથે બજાજે એક પછી એક ઈંધણક્ષમતાવળી મોટરસાઇકથી માંડીને આકર્ષક ડિઝાઇનવાળા સ્પોર્ટ્સ અને ક્રુઝ બાઈક્સ બનવાનું ચાલુ રાખ્યું. બજાજે ઘણા સફળ મોડેલ્સ લોન્ચ કર્યા અને ઘણામાં નિષ્ફળતા પણ જોઈ.૨૦૧૬માં ભારતીય નૌસેનામાંથી સેવાનિવૃત થયેલ આઈએનએસ વિક્રાંત જહાજની ધાતુને પીગળાવીને એનો ઉપયોગ કરીને બજાજે વિષેશ “વી” મોડેલ લોન્ચ કરીને દેશભક્તિ પણ ઉજાગર કરી હતી.

પુનાના બજાજ ડૉમિનરના ઉત્પાદન યુનિટમાં ૧૦૦% સ્ત્રી કર્મચારીને રાખીને બજાજે સ્ત્રીશક્તિને વધુ મજબૂત બનવાનું પણ પગલું લીધું હતું અને “ડેફિનેટલી ફિમેલ”ને પણ સાર્થક કરીને બતાવ્યું. ૨૦૧૯માં બજાજે ઇલેક્ટ્રિક સ્કુટર તરીકે ચેતકને ફરીથી લોન્ચ કર્યું. આમ કોડાક, નોકિયા, યાહૂ, પોલારોઈડ, બ્લેકબેરી કે ઝેરોક્સની જેમ બજાજે પોતનો ભવ્ય ઇતિહાસ પકડી રાખીને વધુ પડતા આત્મવિશ્વાસમા નહીં આવી જઈને બાહ્ય વાતાવરણને સમજીને એની સાથે કદમ મિલાવીને ચાલવાનું પસંદ કર્યું અને સફળતાની સીડી ચડતા ગયા.

345ec874-2a6d-43eb-b31b-6cd062c1cb9e.jpg

Right Click Disabled!