રાજકીય હવસની નિર્લજ્જતા સામે ‘બળાત્કાર’ શબ્દ ‘બિચારો’

રાજકીય હવસની નિર્લજ્જતા સામે ‘બળાત્કાર’ શબ્દ ‘બિચારો’
Spread the love

થોડા હટકે – પ્રસન્ન ભટ્ટ

બળાત્કાર જો દલિત સાથે થાય તો વિરોધની તીવ્રતા જુદી, આરોપી સર્વણ હોય તો સમીકરણો બદલાય, કોઈ ઘટનામાં આરોપી મુસ્લિમ હોય તો તેનો જુદો હોબાળો, બળાત્કારે બળાત્કારે સામાજિક સંવાદિતતા પર થતો રાજકીય બળાત્કાર..

આ દેશના ભવિષ્યની સાચે જ ખૂબ ચિંતા થાય છે..બળાત્કાર જેવી ઘટનામાં પીડિતા કે આરોપીઓને દલિત, મુસ્લિમ, સવર્ણમાં વર્ગીકૃત કરવાની ચેષ્ટા માત્ર આપણા દેશના વિકૃત રાજકીય માનસની કાર્યપદ્ધતિનું પ્રતિબિંબ છે..હાથરસમાં યુવતી પર થયેલા સામૂહિક બળાત્કારની ઘટના ઉ.પ્રદેશની યોગી સરકાર માટે ગળાનું હાડકું બની ગઈ છે. પીપલી લાઈવના કિરદારો માટે જીવંત પ્રસારણનું કેન્દ્ર બનેલું હાથરસ હવે રાજનીતિનું મોકાપુર બની રહ્યું હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.

માતૃશક્તિ પર પાશવી પૌરુષત્વનો ક્રૂર પ્રહાર જ્યારે સરકાર માટે ચામડી બચાવવાનો અને વિપક્ષ માટે મોકો ખાટી જવાનો અવસર બને ત્યારે લોકશાહી રાજકીય હવસખોરીના સામૂહિક બળાત્કારનો ભોગ બને છે. ગત સપ્તાહે અહીં લાચાર, પરવશ અને હેવાનિયતનો ભોગ બની તરફડતા માતૃત્વ માટે નિર્ભયા શબ્દ અપ્રસ્તૃત ઠેરવવાની કવાયત કરી હતી. એ વાત આગળ વધારીને રાજકીય સ્તરે જનસામાન્ય સાથેના છળકપટ સુધી લઈ જવી છે. પ્રત્યેક વિષય પર પરંપરાગત વૈચારિક આક્રમણોથી બચીને સત્યના સત્વ સુધી વાચકોને લઈ જવા એ જ મુખ્ય ઉદ્દેશ સાથેનો આ પ્રયાસ છે.

સામાજિક પ્રચાર માધ્યમ પર હાથરસનો બળાત્કાર લઈ વિપક્ષ ઉત્તરપ્રદેશની યોગી સરકાર પર એકધારા હુમલામાં લાગેલું છે. આ હુમલાઓ વચ્ચે વોટ્સએપ પર એક મેસેજ આવ્યો જેમાં બલરામપુરમાં દલિત યુવતી પર થયેલા બળાત્કારનો ઉલ્લેખ હતો. આ સંદેશાની પૂરક વિષય વસ્તુ જ્ઞાતિવાદથી ખરડાયેલા બળાત્કારને કોમવાદી બનાવનારી હતી. જનસામાન્યની મનોવૃત્તિના અભ્યાસુઓ દ્વારા આ મેસેજમાં વિપક્ષ પર સીધો આક્ષેપ હતો કે, હાથરસ અને બલરામપુર, બળાત્કારની બંને ઘટનામાં ભોગ બનનાર યુવતીઓ દલિત છે.

વિપક્ષને ફક્ત હાથરસ દેખાય છે, કારણ આ ઘટનામાં આરોપીઓ હિન્દુ છે. બલરામપુરની ઘટનામાં કોંગ્રેસ, સપા, બસપાને રસ એટલે નથી કે તેના બંને આરોપી મુસ્લિમ છે. આ એક નમૂનો માત્ર છે. આવા અનેક સંદેશાઓ પ્રશાસનિક નિષ્ફળતા પર ઢાંકપીછોડો કરવા માટે નિરંતર વહી રહ્યા છે. બીજી તરફ વાણી સ્વાતંત્ર્ય અધિકારના વ્યાભિચારનો પરવાનો હોય તેમ રાજકીય નેતાઓ પણ પોતાના હેતુ સિદ્ધ કરવા મરણિયા બન્યા છે.

હાથરસની ઘટનામાં મુખ્ય આરોપી કહેવાતા સંદીપના પિતાની ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના દિગ્ગજો સાથેની કથિત તસવીરો વિપક્ષે વિષાણુજન્ય ચેપની જેમ ફેલાવી દીધી છે. નસીબથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ધક્કો વાગતા પડી જવાનો વીડિયો વાયરલ થતાં જ રાહુલ ગાંધી વીડિયો ઉતારવાનો ઈશારો કરી પોતે જાતે પડી જતાં હોવાનું નાટક કરતા હોવાનું દર્શાવતો વળતો પ્રહાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

હાથરસ અને બલરામપુરમાં બળાત્કારનો ભોગ બનેલી પીડિતા સાથે નરાધમોએ કરેલી બર્બરતાનું શબ્દાલેખન કરવાની મારી પાસે હિંમત નથી. અતિ કરુણ અને દર્દનાક એવી આ ઘટનામાં રાજકીય નેતાઓએ શરૂ કરેલી નિવેદનબાજી અક્ષરઃસ લખીએ તો અખબાર આખું ઓછું પડે. જે પણ નેતા જે કંઈ પણ બોલ્યા તે બધું જ કઠયું પણ અહીં જે સૌથી વધુ ખૂંચ્યું તે જાહેર કરું છું.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગરીબ લોકોના મૃતદેહ પર રાજનીતિ કરનારાઓના નકાબ ચીરાયા હોવાનું જણાવી સરકારે તે દરેકને ઓળખી કાઢયાની જાહેરાત કરી તેમની સામે કડક કાર્યવાહી કરવાનું એલાન કર્યું છે. તેમણે આ ઘટનામાં જાતિ, ધર્મ અને ધાર્મિકતાના આધારે સમાજનું વિભાજન કરનારા હજી કાર્યરત હોવાનું જણાવી લોકોના મોત પર રાજનીતિ કરનારાઓને ઓળખી કાઢવા પ્રજાને અપીલ કરી છે. પોલીસ અને ઈડી જેવા સરકારી વિભાગોએ વ્યક્ત કરેલી આંતરરાષ્ટ્રીય કાવતરા અને વિદેશી ફંડની આશંકાને મુખ્યમંત્રી તરીકે યોગીજીએ સત્તાવાર સમર્થન આપી દીધું છે.

કોંગ્રેસના રાહુલ ગાંધી માટે હાથરસની ઘટના એક મોટી દુર્ઘટના છે. તેઓ ત્રાસનો શિકાર બનેલા પરિવારને તેઓ એકલા નથી તેટલી અનુભૂતિ કરાવવા મળવા ગયા હતા. તેમના મતે આ કથિત ગેંગરેપ અને હત્યાની દુર્ઘટના ગણાવવાની શિષ્ટતા યોગી આદિત્યનાથમાં હોવી જોઈએ. તેઓ કહે છે કે, યોગી તેમના મંતવ્યના હકદાર છે.

તે શું ઈચ્છે છે તેની કલ્પના તેઓ કરી શકે છે, પરંતુ રાહુલે જે જોયું તે એક સુંદર છોકરી હતી, તેની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી અને તેમના પરિવારને ધમકી આપી પરાજિત કરવામાં આવ્યા હતા. ભાજપી નેતા રણજીત બહાદુર શ્રાીવાસ્તવના મતે આ ઘટનામાં પકડાયેલા તમામ ચાર આરોપી નિર્દોષ છે અને જો તેમને સમયસર છોડવામાં ન આવે તો તેઓ માનસિક હેરાનગતિનો ભોગ બનશે તેવી દહેશત છે.

કેન્દ્રીય મહિલા બાળવિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની માને છે કે, ન્યાયિક તપાસ કરવામાં આવશે અને ન્યાય મળશે. મુખ્યમંત્રીએ આપેલી ખાતરી અને સીબીઆઈને સોંપાયેલી તપાસથી તેઓ સંતુષ્ટ છે. બીએસપી ચીફ માયાવતી પીડિતાના પરિવારને ન્યાય અપાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી સલાહ આપવાની તક ચૂક્યા નથી. સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ પણ આ સ્પર્ધામાં બિલકુલ હાંફતા દેખાયા નથી.

બધા જ પક્ષના અન્ય નાના-મોટા નેતાઓએ પણ જે મનમાં આવ્યું તે બોલવામાં કોઈ કસર રાખી નથી. મરનાર પીડિતાને આરોપી સાથે પ્રેમસંબંધ હોવાથી લઈ તેની હત્યા તેના સગાં ભાઈએ જ કરી હોવાની વિગતો એ રીતે જાહેર કરવામાં આવી રહી છે, જાણે બોલનારા સાથે મરનારનો આત્મા પ્રત્યક્ષ વાત કરી રહ્યો હોય. દેશમાં રોજ સરેરાશ ૮૮ બળાત્કારના ગુના નોંધાય છે. જેમાં રાજસ્થાનના ફક્ત ૮ જિલ્લા રોજના ૬ કેસ સાથે મોખરે છે.

આ ઉપરાંત મુંબઈ અને કેરળનું ત્રિવેન્દ્રમ પણ મહિલાઓ માટે ખતરનાક કહેવાય છે. બળાત્કાર જેવી ઘટનામાં પીડિતા કે આરોપીઓને દલિત, મુસ્લિમ, સર્વણમાં વર્ગીકૃત કરવાની ચેષ્ટા માત્ર આપણા દેશના વિકૃત રાજકીય માનસની કાર્યપદ્ધતિનું પ્રતિબિંબ છે. મુસ્લિમ રાષ્ટ્રોની વાત કરીએ તો ત્યાં બળાત્કાર જેવી ઘટનામાં થતી સજા બળાત્કારથી અનેકગણી વધુ ક્રૂર છે. ઈથિયોપિયા જેવા ગરીબ દેશથી લઈ અમેરિકા સુધી વિશ્વના અન્ય કોઈ દેશમાં બળાત્કાર જેવી શરમજનક ઘટનાનું રાજકીયકરણ થતું હોય તેવું મારા ધ્યાનમાં નથી.

બળાત્કાર જો દલિત સાથે થાય તો વિરોધની તીવ્રતા જુદી, આરોપી સર્વણ હોય તો સમીકરણો બદલાય, કોઈ ઘટનામાં આરોપી મુસ્લિમ હોય તો તેનો જુદો હોબાળો, બળાત્કારે બળાત્કારે સામાજિક સંવાદિતતા પર થતો રાજકીય બળાત્કાર.. આ દેશના ભવિષ્યની સાચે જ ખૂબ ચિંતા થાય છે. જનસામાન્યના માનસપટ પર પોતાની પકડ હોય તો મજબૂત કરવા અને ન હોય તો ઊભી કરવા માટે બળાત્કાર જેવા શરમજનક કૃત્યને હથિયાર બનાવાય ત્યારે મહાભારતના યુદ્ધમાં પ્રચંડ ભીષ્મની સામે ઊભેલો શીખંડી ખૂબ જ વીર લાગે છે.

અને છેલ્લે… ઘટના ગમે ત્યાંની હોય બળાત્કારનો ભોગ બનનાર માતૃશક્તિની લોહીલુહાણ થઈ જતી શારીરિક સંરચના અને ક્ષતવિક્ષત થઈ જતી માનસિક્તા જ્ઞાતિ કે કોમ પ્રમાણે બદલાતી નથી. ૨૦૧૨માં દિલ્હીમાં થયેલો નિર્ભયાકાંડ બળાત્કાર હતો. હાલ હાથરસમાં થયો તે યુપીમાં રમખાણો ફેલાવવાનું આંતરરાષ્ટ્રીય કાવતરું છે. બાકી તો બધા બધું જ સમજે છે.

[email protected]

92946580_2670778569872719_8711960041718022144_n.jpg

Right Click Disabled!