જામનગરની યુવતી પર સાસરીયાએ ત્રાસ ગુજાર્યો

- અમદાવાદ પતિ, સાસુ-સસરા અને દિયર સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધાયો
જામનગરમાં સતાવાર વિસ્તારમાં હાલ રહેતી યુવતિએ લગ્નજીવન દરમિયાન અમદાવાદ સ્થિત સાસરીયાઓએ મેણા ટોણા મારી ઝઘડા કરી ત્રાસ ગુજારી મારકુટ કર્યાનો બનાવ પોલીસ દફતરે પહોચ્યો છે. પોલીસે ભોગગ્રસ્ત ફરીયાદ પરથી પતિ, સાસુ-સસરા અને દિયર સામે ગુનો નોંધ્યો છે. જામનગરમાં સતાવાડમાં રહેતી ટીનાબેન પ્રમોદભાઇ પારેખ નામની યુવતિના લગ્ન અમદાવાદ નવરંગપુરા ખાતે રહેતા વિનય શૈલેષભાઇ પંડ્યા સાથે થયા હતા.
જે લગ્નજીવન દરમિયાન સાસરીયા પક્ષના પતિ, સાસુ-સસરા અને દિયરે અવાર નવાર નાની નાની વાતોમાં વાંક કાઢી ઝઘડો કરીને શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હોવાની કેફિયત ભોગગ્રસ્ત મહિલા પોલીસને આપી હતી. આ ઉપરાંત ઢીકાપાટુનો માર માર્યો હોવાનું પણ જાહેર થયું છે. આ બનાવની ભોગગ્રસ્ત ટીનાબેન પારેખની ફરિયાદ પરથી મહિલા પોલીસે પતિ વિનય શૈલેષભાઇ પંડ્યા, સાસુ શોભનાબેન શૈલેષભાઇ પંડ્યા, સસરા શૈલેષભાઈ પંડ્યા અને દિયર ઋષિ શૈલેષભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રોહિત મેરાણી (જામનગર)
