માતાના ઠપકાથી યુવતિનો આપઘાત

- જામનગર દિગ્વિજય પ્લોટ ઘટના | કામ બાબતે અપાયેલા ઠપકો સહન ન થયો
- ઘરે અગ્નિસ્નાન કરી લેતા ગંભીર રીતે દાઝેલી ભોગગ્રસ્ત સારવારમાં દમ તોડ્યો
જામનગરમાં દિગ્વિજય પ્લોટ-૪૯ વિસ્તારમાં સુભાષપર ખાતે રહેતી એક પરિણીત યુવતીએ પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી લેતા શરીરે ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજયુ હતું. મૃતકે માતા કામ બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવતા આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરમાં દિગ્વિજય પ્લોટ-૪૯ વિસ્તારમાં સુભાષપરા ખાતે રહેતા જયશ્રીબા સુભાષસિંહ ચૌહાણ (ઉં.વ.૩૪) ગામની પરિણીતાએ સોમવારે સવારે પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતા આખા શરીરે ગંભીર રીતે દાઝી જવાથી તુરંત જ તેણીને ૧૦૮ મારફતે સારવાર અર્થે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે તેનું મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવની મૃતકના પરીજન સુમિત્રાબા બકુલસિંહ રાઠોડએ જાણ કરતા સિટી સી પોલીસની ટીમ દોડી ગઇ હતી અને નિવેદન નોંધ્યું હતું. મૃતકને તેમની માતાએ કામ બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવતા આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. સીટી સી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રોહિત મેરાણી (જામનગર)
