સોમાની ચૂંટણીમાં આશ્ચર્યજનક પરિણામ, સમીર શાહનો પરાજય

રાજકોટ : સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસિયેશન અર્થાત સોમાની ચૂંટણી યોજાયા બાદ તેની મતગણતરી થતાં આશ્ચર્યજનક પરિણામ આવ્યું હતું. વર્ષોથી ઓઇલ મીલ સાથે જોડાયેલા અને આ વિષયના તજજ્ઞ તથા ચેમ્બર ઓફ કોમર્સમાં પણ પ્રમુખ તરીકે રહી ચૂકેલા સમીર શાહનો પરાજય થયો હતો. જ્યારે નવોદિત તથા ખાસકરીને આ વિષયમાં નવોદિત ગણાતા કિશોર વિરડીયા વિજેતા થયા હતા.
ઉલ્લેખનીય છે કે સોમાની સ્થાપના 1948માં થઈ હતી અને એક સમયે તેનું મોટું મહત્વ હતું. પરંતુ હાલ સૌરાષ્ટ્રની 600થી વધારે ઓઇલ મિલો પૈકી માત્ર 130 ઓઇલ મિલો તેની સભ્ય છે અને તે મતદારો છે. આ પૈકી વર્ષોથી તેમાં સક્રિય સમીર શાહને માત્ર 22 મત મળતા પરાજય થયો હતો. જે અંગે તેમણે ચૂંટણીની પ્રક્રિયા તથા પરિણામ અંગે ગરબડની શંકા વ્યક્ત કરી.
