સત્યમ આવાસમાં ફ્લેટ ભાડે અપાઈ ગયા હતા

જામનગર મહાનગરપાલિકા દ્વારા જે સત્યમ કોલોની રોડ પર સરદાર આવાસ યોજનાનું નિર્માણ કરેલ છે, જે આવાસ યોજનામાં લાભાર્થીઓને બદલે ભાડૂતો રહેતા હોવાની ફરિયાદ ઉઠી હતી, જેને લઇ ભૂતકાળમાં પણ મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ કરવામાં આવેલ હતું, પરંતુ આમ છતાં સાત જેટલા લાભાર્થીએ પોતે ફ્લેટમાં રહેવાને બદલે ભાડું મેળવવા માટે ભાડે આપી દીધો હોય ચેકીંગમાં હાઉસીંગ શાખા અને એસ્ટેટ શાખા પહોંચી હતી જેમાં લાભાર્થીઓને બદલે ભાડૂતો રહેતા હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. તેને લઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અધિકારીઓએ આ ફ્લેટના લાભાર્થી દ્વારા ભાડે આપવાને લઇ રોજકામ સામે કાર્યવાહી કરી હતી.
ભાડે આપેલ ફ્લેટ ખાલી કરીને લીઝ મારવી સહિતની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ત્યાં દોડી આવ્યા હતાં અને દરમ્યાનગીરી કરતાં અમુક મકાનોમાં માતાજીનું નવરાત્રિનું સ્થાપન હોય અને અમુક લોકો બીમાર હોય તેમને તા.૨૯ સુધીનો સમય મનપા દ્વારા અપાય છે. આ ઝુંબેશને લઇ ભાડે આપનાર ફ્લેટ ધારકોમાં અને ભાડે રહેનારોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જો કે લાભાર્થીઓને બદલે જો ફ્લેટ ભાડે આપવામાં આવ્યો હોય તો ફ્લેટ ફાળવણી રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. હજુ પણ જામનગર શહેરના અન્ય આવાસમાં લોકો ભાડે રહે છે તેનું પણ ચેકિંગ કરીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવે છે.
– રોહિત મેરાણી (જામનગર)
