જૂનાગઢ સિવીલના મેડિકલ ઓફિસરે પ્રથમ કોરોનાની વેક્સીન લીધી

જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા અને સિવીલમાં જ કેન્સરની કિમોથેરાપીની સારવાર આપનાર ડો.અજય પરમારે આજે સિવીલમાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ જવાહરભાઇ ચાવડા, મેયર ધીરૂભાઇ ગોહિલની ઉપસ્થિતિમાં પ્રથમ કોરોનાની વેક્સીન લીધી હતી. ડો.અજય પરમારે જણાવ્યું હતું કે, કોરોનાની વેક્સીનથી ગભરાવવાની જરૂર નથી. વેક્સીન લીધા બાદ કોઇ પણ પ્રકારની તકલીફ થતી નથી. લોકોને કોરોનાની વેક્સીનથી ડરવું જોઇએ નહીં અને વેક્સીન લેવી જરૂરી છે.
કોવિશિલ્ડ વેક્સીનેશનનો ટ્રાયલ થઇ ચૂક્યો છે, સુરક્ષિત છે
જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં આસીસટન્ટ મેડીકલ સુપ્રીટેન્ડટ ડો. કનવી વાણીયા એ વેકસીનનો ડોઝ લીધા બાદ જણાવ્યું હતું કે જગતના ઇતિહાસમાં આ મોટો દિવસ છે.કોરોના મહામારી સામે લડ્યા બાદ ૧૦ મહિના બાદ નવું આશાનું કિરણ સામે આવ્યું છે. આશા કરીએ કે રસીકરણ સફળ જાય. આ રસીકરણ જેનેટીક એન્જીનીયરીંગ લેબમાં બનાવવામાં આવી છે તે સુરક્ષિત છે.
કોવિશિલ્ડ જીનેટીક એન્જીનીયરીંગથી બનાવેલ છે, સંપૂર્ણ સલામત છે
જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં ગાયનેક્લોજીસ્ટ તરીકે ફરજ બજાવતા ડો.પ્રિયંકા જોગિયાએ જણાવ્યું હતું કે નવી રસી છે, એટલે લોકોમાં થોડો ડર છે. લોકોમાં વિશ્વાસ આવે એટલે અમે ડોક્ટર્સ પણ રસી લઇ રહ્યા છીએ. આ સરીની આડઅસર નથી. તેમણે વધુંમા જણાવ્યું હતુ કે કોવિશિલ્ડ જીનેટીક એન્જીનીયરીંગથી બનાવેલ છે સંપૂર્ણ સલામત છે. તેના અભ્યાસ થયા છે.
કોરોના કે તેની વેક્સીનેશનથી ડરવાની જરૂર નથી
જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા ઉષાબેન નાગાણીએ જણાવ્યું હતું કે કોરોના કે તેના રસીકરણથી ડરવાની જરૂર નથી. વેક્સીન લેવાથી રક્ષણ મળશે, ઇમ્યુનીટી ડેવલ્પ થશે.
વેક્સીનેશનની કામગીરીમાં નિમણૂંક થતા ખૂબજ ગર્વ અનુભવું છું
છેલ્લા ૫ વર્ષથી ગણેશનગર અર્બન હેલ્થ સેન્ટરમાં એ.એન.એમ તરીકે ફરજ બજાવતા હિમાનીબેન ભાખરની નિમણૂંક કોરોના વેક્સીનેશનની કામગીરી માટે થયેલ છે. તેમણે જણાવ્યું હતું કે આ કામગીરી માટે મારી નિમણૂંક થતા ખૂબજ ગર્વ અનુભવું છું. મને વિશ્વાસ છે કે વેક્સીનેશનથી લોકો રક્ષિત થશે.
કોવિડ-૧૯ રસીકરણ વિશે જાણવા જેવું
સીરમ ઇસ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા, પુણેની રસી કોવિશિલ્ડ ગુજરાતને હાલ ફાળવવામાં આવી છે. રસીકરણના કુલ ૨ ડોઝ ૨૮ દિવસના અંતરે લેવાના હોય છે. બીજો ડોઝ લીધાના ૧૪ દિવસ બાદ રોગ સામે રક્ષણ મળે છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ
