મહિલાને સંતાન ન થતા ભુવાએ સાંકળથી માર માર્યો

મહિલાને સંતાન ન થતા ભુવાએ સાંકળથી માર માર્યો
Spread the love

ભુજ : સંતાન ન થવાના કારણે આજે પણ અનેક મહિલાઓને સાસરીયા પક્ષના મેણા ટોણા સહન કરીને યાતનાઓ વેઠવી પડે છે. ત્યારે, રાપર તાલુકાના એક ગામમાં રહેતી પરિણિતાના લગ્ન થયાના આઠ વર્ષ સુધી સંતાન ન થતા અનેક દુઃખોનો સામનો કરવો પડયો હતો. પતિ સહિતના સાસરીયા પક્ષના સભ્યો મેણા ટોણા મારીને શારીરીક માનસિક ત્રાસ ગુજારતા હતા. જેથી, મહિલાએ પતિનો ઘર છોડીને પિયર આવી ગઈ હતી. જો કે, પિયરમાં આવ્યા બાદ તેના જ કુટુંબના સભ્યો સંતાન થાય તે માટે ભુવા ભરાડાઓનો આશરો લેતા મહિલાએ કંટાળીને ૧૮૧ ટીમની મદદ માંગી હતી.

૧૮ તારીખે ૧૮૧ ટીમને રાપર તાલુકાના એક ગામમાંથી મહિલાનો કોલ આવ્યો હતો અને મદદ માંગી હતી. જેના પગલે ૧૮૧ના કાઉન્સીલર નિરૂપા બારડ અને એ.એસ.આઈ.પ્રેમીલાબેન દોડી ગયા હતા. મહિલાએ કાઉન્સલર સમક્ષ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યુ હતુ કે, તેના લગ્ન આઠેક વર્ષ પહેલા રાપર તાલુકાના જ એક ગામમાં થયા છે. પરંતુ, લગ્નગાળાના લાંબા અરસા દરમિયાન તેને સંતાન ન થતા પતિ સહિત સાસરીયા પક્ષના અન્ય સભ્યો નારાજ થઈને મેણા ટોણા મારતા અને શારીરીક માનસિક ત્રાસ ગુજારતા હતા.

જેથી, તેણીએ કંટાળીને પતિનો ઘર છોડી દીધો હતો. અને પિયરમાં રહેવા આવી ગઈ હતી. જો કે, છેલ્લા એક વર્ષથી પોતાના પિયરમાં આવ્યા બાદ પિયરના લોકો પણ પોતાને સંતાન થાય તે માટે ભુવાઓ પાસે લઈ જાય છે અને તાંત્રિક વિધિનો સહારો લે છે. થોડાક દિવસો પહેલા એક ભુવાએ સાંકળથી માર પણ માર્યો હતો. જેથી, હવે આ અમાનુષિ ત્રાસ સહન થાય તેમ નથી. સતત માનસિક તણાવના કારણે બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. તે હવે પિયરમાં પણ રહેવા માંગતી નથી.

મહિલાની આપવિતી સાંભળી કાઉન્સલરે તેને માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે, સંતાન હોવુ, ન હોવુ એ કુદરતની દેણ છે અને તે માટે કોઈ ત્રાસ ગુજારી શકે નહિં, અને મરી જવાથી પણ તેનો ઉકેલ આવશે નહિં. તેમજ સંતાન માટે તાંત્રિક વિધિનો ઉપયોગ કરવો તે પણ કાયદાની વિરૂધ્ધમાં છે એટલે પિયરના સભ્યોને પણ આવુ ન કરવાની સમજણ આપી હતી. મહિલાના પતિ સાથે પણ ટેલીફોનીક વાતચીત કરીને પોતાની પત્નીને સારા ડોકટર પાસે લઈ જવા અને પોતાની સાથે રાખવા જણાવેલ પરંતુ પતિએ ના પાડતા તેમજ મહિલાએ પણ હવે પિયરમાં રહેવુ નથી તેમ કહેતા તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો અપાવ્યો હતો.

baba.jpg

Right Click Disabled!