જામનગર મનપાના 120 આવાસનું કોઈ લેવાલ નથી, બીજીવાર અરજી મંગાવાઇ

- આવાસ તૈયાર હોવા છતાં અરજદારો ફોર્મ લઇ ગયા બાદ જમા ન કરાવતા આશ્ચર્ય
- ખાલી રહેવા પાછળ રૂ. ૩થી ૭.૫૦ લાખની કિંમત કે કડક જોગવાઇ કારણભૂત છે સવાલ
જામનગર મહાપાલિકાના ૧૨૦ આવાસનું કોઇ લેવાલ ન હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. કારણ કે, આવાસ તૈયાર હોવા છતાં અરજદારો ફોર્મ લઇ ગયા બાદ જમા ન કરાવતા મનપા દ્વારા બીજી વખત અરજી મંગાવવામાં આવી છે. આવાસ ખાલી રહેવા પાછળ રૂ. ૩ થી ૭.૫૦ લાખ સુધીની કિંમત, કડક જોગવાઇ કે પછી સ્થળ કારણભૂત છે તે એક સવાલ છે. જામનગર મહાપાલિકા શહેરમાં જુદા-જુદા સ્થળે મુખ્યમંત્રી ગૃહ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવેલ આવાસ પૈકીના ૧૨૦ તૈયાર ખાલી આવાસ માટે બીજી વખત અરજદાર પાસે અરજી મંગાવી છે. જેમાં વામ્બે આવાસની બાજુમાં મયુરનગરમાં ૩૦, એમ.પી.શાહ ઉધોગનગર પાછળ ૪૦, હાપા વિસ્તારમાં ૨૦ અને ૩૦ આવાસના સમાવેશ થાય છે.
અત્રે નોંધનીય છે કે, થોડા સમય પહેલા આ આવાસ માટે અરજી મંગાવવામાં આવી હતી. ત્યારે મનપા દ્વારા બીજી વખત અરજી મંગાવવામાં આવતા આવાસનું કોઈ લેવાલ નથી કે શું તે સવાલ ઉઠયો છે. તૈયાર આવાસ હોવા છતાં ફોર્મ લઇ ગયા બાદ અરજદારો જમા ન કરાવતા મંદીના સમયમાં આવાસની રૂ.૩થી ૭.૫૦ લાખ સુધીની કિંમત, પસંદગીનું સ્થળ ન હોવું કે પછી કડક જોગવાઇ કારણભૂત છે તે એક સવાલ છે. મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં જુદી-જુદી યોજના હેઠળ આવાસોનું નિર્માણ કર્યું છે, જોકે ખાસ સમય વિત્યા બાદ પણ હજી ૧૨૦ જેટલા તૈયાર આવાસો ખાલી રહેતા ફરીથી અરજીની પ્રક્રિયા શરૂ કરાઇ છે.
– રોહિત મેરાણી (જામનગર)
