જૂનાગઢમાં રસીકરણનો આરંભ કરાવતા પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા

- પ્રથમ દિવસે ફ્રન્ટલાઇનનુ કોરોના વોરીયર્સને રસી અપાઇ
- જૂનાગઢ જિલ્લાના ૩ સ્થળોએ રસીકરણની શરૂઆત કરાઇ
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં સીવીલ હોસ્પિટલ ખાતેથી પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં કોરોના રસીકરણનો આરંભ કરાયો હતો. વડાપ્રધાન દ્રરા સમગ્ર દેશમાં કોરોના રસીકરણના પ્રારંભ બાદ જૂનાગઢ ખાતે મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ વિરૂદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાઅભિયાનની શરૂઆત થઇ ગઇ છે. આજે જૂનાગઢ સીવીલ હોસ્પિટલ ખાતે પ્રથમ દિવસે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ રસીકરણના આ મહાઅભિયાનમાં સહભાગી બનવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા વધું જોખમ ધરાવતાં જૂથોને પ્રાથમિકતાના આધારે રસીકરણ માટે પસંદ કર્યા છે.
આ પ્રથમ જૂથમાં આરોગ્ય કર્મચારીઓ અને હેલ્થ વર્કર સામેલ છે. બીજા જૂથમાં ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ અને ત્રીજા તબકકામા ૫૦ વર્ષથી વધારે વયના લોકો તથા પહેલેથી બિમાર હોય તેવા લોકો સામેલ છે. ત્યાર પછી બાકીના બધા જરૂરિયાતમંદોને વેક્સીન આપવામાં આવશે. આજે જૂનાગઢ સીવીલ હોસ્પિટલ ખાતે યોજાયેલ કોવિડ રસીકરણના પ્રસંગે મેયર ધીરૂભાઇ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડયા, સ્ટેન્ડીગ કમીટીના ચેરમેન રાકેશ ધુલેશીયા, કોર્પોરેશન આરોગ્ય સમિતિના ચેરમેન આરતીબેન જોષી, પુનીત શર્મા, કલેકટર ડો. સૌરભ પારધી, ડીડીઓ પ્રવીણ ચૌધરી, કમીશનર તુષાર સુમેરા, સીવીલ સર્જન ડો. માલવીયા, મેડીકલ કોલેજના ડીન ડો. શશાંક સીંદે, સહીતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ જિલ્લામાં તબક્કાવાર આરોગ્ય કર્મીઓને કોરોનાની કોવિશીલ્ડ રસી આપવામાં આવશે. રસી આપવાની કામગીરી માટે જૂનાગઢ જિલ્લાના કુલ ૩ સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. જૂનાગઢ શહેરમાં સિવીલ હોસ્પિટલ જયારે જિલ્લામાં કેશોદ એસડીએચ અને સીએચસી ચોરવાડ જેમાં અંદાજીત ૩૦૦ ફ્ર્રન્ટલાઇન હેલ્થ વર્કરને રસી અપાઈ હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ
