ઊડતા સુરત : ડ્રગ્સના સૌથી મોટા નેટવર્ક પર પોલીસે તરાપ મારી

સુરત શહેરમાં પોલીસે ડ્રગ્સના સૌથી મોટા નેટવર્ક પર તરાપ મારી છે. સુરત શહેરમાંથી નશાના સોદાગરો ઝડપાઈ ગયા છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેરની જુદી-જુદી ૪ ઘટનામાં એક કરોડથી વધુનું એમ.ડી. ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે સુરતમાં એમ.ડી. ડ્રગ્સ સાથે પાંચ લોકોની પણ અટકાયત કરી છે. સુરતના ડુમસ, સરથાણા, વરાછામાં એમ.ડી. ડ્રગ્સ સાથે પાંચ લોકોને પોલીસે ઝડપ્યા છે.
પોલીસે સલમાન, વિનય પટેલ, સંકેત અલલાલિયા સહિતના લોકોને ઝડપ્યા છે. સલમાન પાસેથી ૧૦૧૧.૮૨ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ, વિનય પટેલ પાસેથી ૧૭.૫ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું છે. ડુમસથી સલમાન ઝવેરી ઝડપાયો છે. વરાછામાંથી વિનય ઉર્ફે બંટી પટેલ, સરથાણાથી સંકેત અલલાલિયા અને આદિલ નામના શખ્સની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.
સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં નો ડ્રગ્સ અભિયાન ચલાવાશે. શહેરમાં ડ્રગ્સનું વેચાણ ચલાવી નહીં લેવાય. પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવમાં સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે સવારે ૮ વાગ્યે ડુમસ ઍરપોર્ટ પાસે ડુમસ ગામ તરફ જવાના રોડ પર એક કારમાં એમ.ડી. ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા સલમાન ઉર્ફે અમન મહંમદ હનીફ ઝવેરીને દબોચી લીધો છે.
