ઊંઝા યાર્ડનું સેસ કૌભાંડ સહકારી સંસ્થા રાજકીય અખાડો બની

ઊંઝા યાર્ડનું સેસ કૌભાંડ સહકારી સંસ્થા રાજકીય અખાડો બની
Spread the love

ઊંઝા એપીએમસીના સેસ વિભાગમાં ફરજ બજાવતા એક કારકુને પોતાની ઓફિસમાં ગુપ્ત સીસીટીવી કેમેરા લગાવીને 15 કરોડના કથિત સેસ કૌભાંડને ખુલ્લું પાડતાં સહકારી ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક રાજકારણમાં ચાલી રહેલા દાવપેચ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. બીજી તરફ સેસ કૌભાંડ સંદર્ભે ભુતકાળમાં પણ અનેક વખત ગંભીર આક્ષેપો થયા છે. પરંતુ હજુ સુધી આ મામલે નક્કર તપાસ કરવામાં આવી ન હોવાનું કહેવાય છે. એશિયાના મોટામાં મોટા ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં વર્ષો સુધી ભાજપના અગ્રણી નારણ પટેલનું એકહથ્થું શાસન રહ્યું હતું.

વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી વખતે ઊંઝા બેઠક પર ભાજપના ઉમેદવાર નારણ પટલે અને કોંગ્રેસના ઉમેદવાર ડો. આશા પટેલ વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી જંગ જામ્યો હતો. જેમાં પાટીદાર સમાજના સ્થાનિક આગેવાન ધમા મિલને કોંગ્રેસને સમર્થન આપતાં ભાજપનો પરાજય થયો હતો. જોકે ત્યારબાદ ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને આ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં નારણ પટેલનું પત્તુ કાપી ભાજપના ઉમેદવાર બન્યા હતા. ચૂંટણીમાં જીત મેળવી ફરીથી ધારાસભ્ય બનતાં તેમણે ધમા મિલનનો સહયોગ મેળવી ઊંઝા માર્કેટયાર્ડમાંથી નારણ પટેલને હટાવવા મથામણ કરી હતી.

માર્કેટની ચૂંટણી અગાઉ પરિવર્તનનો માહોલ ઉભો કરાયો હતો. એપીએમસીની ચૂંટણીના પરિણામો જાહેર થતાં ડો. આશા પટેલ સમર્થિત પેનલનો વિજય થતાં ચેરમેન તરીકે દિનેશ પટેલે હોદ્દો સંભાળ્યો હતો અને 10 વર્ષ સુધી એકચક્રી શાસન ચલાવી રહેલા નારણ પટેલના વહિવટનો સૂર્યાસ્ત થયો હતો. જોકે એક સપ્તાહ પહેલા ઊંઝા માર્કેટયાર્ડના જ કારકુન સૌમિલ પટેલ દ્વારા સેસ ફીની ઓફિસમાં ગુપ્ત કેમેરા લગાવી ઉઘરાવવામાં આવતી સેસની રકમ સગેવગે કરવાની પ્રવૃત્તિને કેદ કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. માર્કેટયાર્ડના ચેરમેન દિનેશ પટેલ જોકે તમામ આક્ષેપો ફગાવી સૌમિલ પટેલ સામે જ ભ્રષ્ટાચારના અનેક સવાલો ઉભા કર્યા છે. હાલ તો ઊંઝા યાર્ડમાં સેસ કૌભાંડનો મુદ્દો સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલનું પણ અકળ મૌન

ઊંઝા માર્કેટયાર્ડમાં 10 વર્ષ સુધી એકહથ્થુ શાસન ચલાવનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલે પણ સામે આવેલા કથિત સેસ કૌભાંડના મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપવાને બદલે મૌન રહેવાનું મુનાસીબ માન્યું છે. નોંધપાત્ર છે કે તેમના કાર્યકાળમાં પણ અનેકવાર સેસ ફીમાં ચાલતી ગેરરીતિ અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

સેસ કૌભાંડના મામલે કોંગ્રેસની ચુપકીદી

ઊંઝા માર્કેટયાર્ડમાં બહાર આવેલા 15 કરોડના કરોડના સેસ ફી ના કથિત કૌભાંડના મામલે કોંગ્રેસની ચુપકીદીએ અનેક સવાલો સર્જ્યા છે. કોંગ્રેસને રામરામ કરીને ભાજપનો ખેસ ધારણ કરનાર ડો. આશા પટેલ સમર્થિત પેનલના ડીરેક્ટરોનું હાલ ઊંઝા માર્કેટયાર્ડનું શાસન અસ્તિત્વમાં છે. તેવામાં ભાજપના નાના મુદ્દામાં પણ વિરોધ દર્શાવવા રોડ પર આવી જતા સ્થાનિક અને પ્રદેશ કક્ષાના કોંગી આગેવાનો આ પ્રકરણમાં ચુપ રહ્યા છે. જેના લીધે રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક સાંભળવામાં મળી રહ્યા છે.

રજિસ્ટ્રારની તપાસ સામે આશંકા, સીબીઆઈ તપાની માંગ

ઊંઝાના નિકાસકારો તથા વેપારી વર્તુળો તરફથી અને વેપારી અને ભાજપના પૂર્વ જિલ્લા સંગઠન મંત્રી દિલીપ પટેલે સરકારે જિલ્લા રજીસ્ટ્રારની તપાસને સરકારી ગણાવી તેમાં સાચી હકીકત બહાર આવે નહિ તેવી આશંકા વ્યક્ત કરી જિલા રજીસ્ટ્રાર લેવલની તપાસને બદલે સી.બી.આઈ. કે વિજિલન્સ કક્ષાની તપાસ કરાવવા માટે માંગ કરી છે. જો સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપવામાં નહિ આવે તો માર્કેટયાર્ડમાં પ્રતિક ઉપવાસ આંદોલનની ચીમકી આપતા સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. નિકાસકાર દિક્ષીત પટેલે માર્કેટમાં 15 કરોડના કૌભાંડમાં વેપારીઓને ખોટી રીતે દંડીને ભયનો માહોલ ઉભો કર્યો હોવાના આક્ષેપો કર્યા છે.

content_image_d274e0f0-0a29-4b9d-a732-484ae58cc39d.jpg

Right Click Disabled!