ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ… અબ જી લો અપની જીંદગી..!

ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ… અબ જી લો અપની જીંદગી..!
Spread the love

કાચી કલમનો કારીગર
– રાજન ત્રિવેદી

“હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર?”

ખૂબ જ જાણીતા શાયર ઉમર ખય્યામે લખેલી પંક્તિઓનો અદભૂત ગુજરાતી અનુવાદ ‘શૂન્ય’પાલનપુરીએ કર્યો છે જેમાં આળસને ત્યજી હાથમાંથી સતત સરકતા જતા સમયનો સદુપયોગ કરી લેવાથી સફળતા પ્રાપ્ત થાય છે તે વાત બહુ જ સટીક રીતે સમજાવી છે. સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચને કહેલી વાત “ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રૈન કહાં જો સોવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ, જો જાગત હૈ વો પાવત હૈ” ને અમિતાભે પોતાના જીવનમાં એવી તો ઉતારી કે તેનું પરિણામ સૌની સામે છે. પોતાની પ્રથમ સળંગ સાત ફિલ્મો ફ્લોપ થઇ જવા છતાં અમિતાભે પછી તો એવી સફળતા હાંસલ કરી કે આજે તેની પચાસ વર્ષની કારકિર્દી એ સુવર્ણ કારકિર્દી બની ગઈ છે અને કદાચ સમગ્ર વિશ્વમાં આટલી લાંબી સફળ કારકિર્દી અન્ય કોઇ અભિનેતાની નથી જેના કારણે જ તેને “સુપરસ્ટાર ઓફ ધ મિલેનિયમ” નો ખિતાબ પ્રાપ્ત થયો છે.

મિત્રો કોઈ પણ સફળ વ્યક્તિની પાછળ તેના સપના અને તેની મહેનત જવાબદાર હોય છે, ધીરુભાઈ અંબાણી કહેતા કે “હંમેશા સપના મોટા જુઓ” અને તેમણે પણ એક પેટ્રોલ પંપ પર એટેન્ડન્ટ તરીકે કામ કરતા હોવા છતાં પેટ્રોલિયમ કંપનીના માલિક બનવાનું સ્વપ્નું જોયું અને એને સાકાર પણ કરી દેખાડ્યું. જો તેમણે તેવું મોટું સપનું જોયું ના હોય તો તેમણે કદાચ આટલી મહેનત ના કરી હોત. તમે સ્વપ્ન જોશો તો તેને પુરા કરવા મહેનત કરશો અને મહેનત કરશો તો સફળતા તો તેની “બાય પ્રોડક્ટ” છે.

જગદગરુ ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતામાં કહ્યું છે ને કે “તું કર્મ કરીશ તો અચૂક ફળ મળશે”. અને હા એટલું યાદ રાખજો કે તમે કોઈના સપનાં પૂરા ન કરી શકો તો કંઈ વાંધો નહીં પણ ક્યારેય કોઈના સપનાં તોડશો નહિ. કોઇની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પરંતુ દરેકને મંઝિલ તો પોતાની મહેનતથી જ મળે છે તે યાદ રાખશો. સપનાં જો ઉગી નીકળે તો જે તેને સપનાં વાવ્યા કહેવાય નહિતર તે માત્ર જમીનમાં દફનાવ્યા કહેવાય. જો સપનાઓને હકીકતમાં જીવવાની ચાહત છે તો ગમે તેટલી મુસીબતોથી કોઈ ફરક પડશે નહીં અને જ્યારે તમે સપનાઓ પાછળ દોડતા હોવ ત્યારે ખાસ કરીને એવા બે વ્યક્તિથી દૂર રહેજો.

જેઓ તમારી પાસે જે નથી એના વખાણ કરે અને તમે જે મેળવવાના છો એની માટે ઘસાતું બોલે… કોઈએ બહુ સરસ કહ્યું છે પોતાના સપના પુરા કરવા માટે મહેનત કરવાનો શ્રેષ્ઠ સમય આવતી કાલ નહીં પરંતુ “આજ” છે માટે આજથી જ તેના માટે દોડવા માંડો.. નહિંતર અત્યારે જમાનો “આઉટસોર્સિંગ”નો છે એટલે કે લોકો પોતાના સપના પુરા કરાવવા તમને ભાડે રાખી લેશે. હા, કોઇકવાર તમારું ગણિત ખોટું પણ પડે, જિંદગી એવી રમત છે કે તેમાં ક્યારેક પાસા અવળા પણ પડે પરંતુ તમારે હાર નહીં માનવાની.. એક વાત યાદ રાખજો મિત્રો જ્યારે કોઈ તમારી સામે પડે ત્યારે સમજી લેવું કે તમે તમારી મંઝિલથી નજીક છો અથવા એ વ્યક્તિથી આગળ છો.. બસ જી લો અપની જીંદગી.. ઓલ ધ બેસ્ટ..!

Right Click Disabled!