વડોદરાના કૉરોના પોઝિટિવ વ્યક્તિની એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર ચાલુ

Spread the love
  • જિલ્લા કલેકટરની લોકોને ભયગ્રસ્ત થયા વગર જરૂરી સાવચેતીનું  પાલન કરવા વૃધ્ધો અને બાળકોને ઘર બહાર નહિ જવા દેવા અને અતિ જરૂરી હોય તો જ બહાર નીકળવા ખાસ અપીલ….
  • સોશીયલ મીડિયા કે અન્ય કોઈ માધ્યમો દ્વારા કે અન્ય કોઈપણ રીતે અફવા કે ગેર માહિતી ફેલાવનાર સામે કાયદેસરના પગલાઓ લેવાશે….
  • વડોદરામાં કોરોનાના ૧૪ શંકાસ્પદોના સેમ્પલ લેવામાં આવ્યા જે પૈકી એક પોઝિટિવ અને તેર નેગેટિવ જણાયા છે..

વડોદરા
જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે વડોદરાના મકરપુરા વિસ્તારના નિવાસી અને તાજેતરમાં સ્પેનનો પ્રવાસ કરીને આવેલા એક વ્યક્તિ, તેમના સેમ્પલની ચકાસણી દરમિયાન કોરોના પોઝીટીવ જણાતા, આરોગ્ય વિભાગના નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે એમની સઘન સારવાર એસ.એસ.જી.હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. વડોદરામાં કોરોના શંકાસ્પદ જણાતી ૧૪ વ્યક્તિઓના સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવ્યા એ પૈકી ૧૩ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
વડોદરાને રાજય આરોગ્યતંત્ર પાસેથી વિદેશ પ્રવાસનો તાજો ઇતિહાસ ધરાવતા કુલ ૨૬૩ વ્યક્તિઓની યાદી મળી હતી જે પૈકી ૧૦૦ વ્યક્તિઓનું ઓબઝર્વેશન/કવોરેંટાઈન પૂર્ણ થઈ ગયું છે જ્યારે હાલમાં ૧૬૩ વ્યક્તિઓ નિર્ધારિત માપદંડો પ્રમાણેના આરોગ્ય નિરીક્ષણ હેઠળ છે. જે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે એ એસ.એસ.જી.હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ જ હતા.

જિલ્લા કલેકટરે જણાવ્યું કે, કોરોના અટકાવવાની તકેદારી રૂપે વડોદરા જિલ્લામાં ૧૪૪ની કલમનો વ્યાપક અમલ લાગુ કરતુ જાહેરનામુ બહાર પાડી લોકોના ટોળા ભેગા થવા, સભા અને સરઘસો, મેળા, મેળાવડા યોજવા સહિતની બાબતોની સખત મનાઈ ફરમાવવામાં આવી છે. તેનું ઉલ્લંઘન કાયદેસરની કાર્યવાહીને પાત્ર રહેશે. મોલ, મલ્ટીપ્લેક્સ, જીમ, સિનેમા હોલ, કલબ, નાટયગૃહો, ડાન્સ ક્લાસીસ, ટ્યુશન ક્લાસિસ, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ જેવી જગ્યાઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર દ્વારા વડોદરા શહેરી વિસ્તારમાં આ પ્રકારના નિયમનો લાગુ કરવામાં આવી રહ્યા છે.

લોકોના ભેગા થવા અને ભીડ એકત્ર થવાની શક્યતા ટાળવા સરકારના જનસેવા કેન્દ્રો બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે એના વિકલ્પે તાકીદના સંજોગોમાં ઓનલાઇન સેવાઓનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે.જે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે એના સંપર્કોનો યાદી બનાવીને, આ કોન્ટેક્ટ લિસ્ટીંગની મદદથી એ લોકોને આઇસોલેશનમાં મૂકવાના પગલાં લેવામાં આવી રહ્યા છે.

તકેદારીના કદમના રૂપમાં મહારાષ્ટ્રથી વડોદરા તરફ આવતી બસ અને રેલ સેવાઓ અટકાવવામાં આવી છે. રેલ અને એસ.ટી. સત્તાવાળાઓને તકેદારીના તમામ ઉચિત પગલાઓ લેવા સાવચેત કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ વ્યક્તિના નિવાસ સ્થાનની આસપાસના વિસ્તારમાં મહાનગરપાલિકાએ ટીમો બનાવીને સાફ-સફાઈ અને સેનિટાઇઝેશનની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા કલેકટરે સોશીયલ મિડીયા, અન્ય માધ્યમો કે અન્ય કોઈપણ પ્રકારે કોરોના વિષયક અફવા કે ગેર માહિતીનો પ્રચાર કરનાર સામે, કોવીદ-૧૯નો એપીડેમિક એકટમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાથી, નિયમાનુસાર કાયદેસરના સખત પગલાં લેવાની ચેતવણી આપી છે. લોકોને પણ અફવાઓથી ગેરમાર્ગેના દોરાવા અને ભયગ્રસ્ત બન્યા વગર સાવચેતીઓનું પાલન કરવા, ઘર બહાર જવાનું ટાળવા, વારંવાર સાબુથી હાથ ધોવા ખાસ અનુરોધ કર્યો છે. તેમણે કોઈપણ વિસ્તારમાં ટ્યુશન ક્લાસ ચાલુ જણાય તો તંત્રને જાણ કરવા જણાવ્યું છે. લોકોનેતાવ, શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં મુશ્કેલી જણાય તો તાત્કાલિક સરકારી કે ખાનગી દવાખાનાઓમાં સારવાર લેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે હોટેલ અને મીઠાઈ, ફરસાણની દુકાનોને હેલ્થ એડવાઈઝરી ચુસ્તપણે પાળવા જણાવવામાં આવ્યું છે. જિલ્લા કલેકટરે લોકોને ઘરમાં જ રહેવા, ખાસ કરીને ૬૦થી વધુ ઉંમરના લોકો અને બાળકોને ઘરમાં જ રાખવા, વારંવાર સાબુથી હાથ ધોવા સહિતની તમામ સૂચિત તકેદારી પાળવા ખાસ અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે હોટેલ અને મીઠાઈ, ફરસાણની દુકાનોને હેલ્થ એડવાઈઝરી ચુસ્તપણે પાળવા જણાવવામાં આવ્યું છે.

Right Click Disabled!