હળવદ-માળીયા હાઇવે ઉપર એસટી બસ-ટ્રક વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાની અંદર આવેલા હળવદ માળીયા હાઈવે ઉપર આજે વહેલી સવારે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રકના ચાલકે એસટીની બસને હડફેટે લેતાં એક મહિલાનું મોત નિપજયું હોવાનું હાલ જાણવા મળેલ છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં હળવદ-માળિયા રોડ મોરબી ચોકડી નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે ગંભીર વાહન અકસ્માત થયો હતો.
જેમાં માજમબેન નાનજીભાઈ ડિંડોર (ઉંમર ૪૦) રહે.સંતરામપુર (હિરાપુર) નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ફસાયેલા બે ઇજાગ્રસ્ત મુસાફરોને એકાદ કલાકની જેહમત બાદ બહાર કાઢીને ૧૦૮ દ્રારા હળવદ સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોના નામ મનુભાઈ રમેશભાઈ ડામોર (ઉમર ૨૬) રહે. એમપી અને નાનજીભાઈ ધનાભાઇ ડિંડોર (ઉમર ૪૫) રહે. સંતરામપુર (હિરાપુર) ના વતની હોવાનું જાણવા મળેલ છે. બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગળની તપાસ હાથ ધરી છે.
