માતાના આઠમા શક્તિ સ્વરૂપ મહાગૌરી માતાની આરાધના

અરવલ્લી : આજે નવરાત્રી નો આઠમો દિવસ છે. આજે માતાના આઠમા શક્તિ સ્વરૂપ મહાગૌરી માતા ની આરાધનાનો દિવસ… નવરાત્રીમાં આઠમની પુજાનું વિશેષ મહત્વ હોય છે. પતિના રૂપમાં ભગવાન શિવજીને પામવા માતા મહાગૌરી એ કઠોર તપ કર્યું હતું જેના કારણે માતાનું શરીર કાળુ પડીગયું હતું. ભગવાન શિવજીએ પ્રસન્ન થઇને માતાના શરીરને ગંગાના પવિત્ર જળથી તેજસ્વી બનાવી દીધું,જેના કારણે માતાનું રૂપ ગૌરવર્ણ થઇ ગયું.
જેથી માતાને “મહાગૌરી” તરીકે ઓળખવામાં આવે છે. માતાની સવારી વૃષભ છે માટે માતાને “વૃષારૂઢા”તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાના આભુષણો અને વસ્ત્રો શ્વેત હોવાના કારણે માતા “શ્વેતાંબર ધરા” તરીકે પણ ઓળખાય છે. માતાને ચાર ભુજાઓ છે. માતાના જમણી બાજુના નીચેના હાથમાં ત્રિશૂળ ધારણ કરેલું છે,જ્યારે ઉપરનો હાથ અભય મુદ્રામાં છે.
માતાના ડાબી બાજુના ઉપરના હાથમાં ડમરુ ધારણ કરેલું છે,જ્યારે નીચેનો હાથ આશીર્વાદ મુદ્રામાં છે.માતાની મુદ્રા સંપૂર્ણ શાંત છે. માતા મનવાંછિત ફળ આપનારી અને કલ્યાણકારી છે, માતાની આરાધના કરવાથી પૂર્વ જન્મના તેમજ આ જન્મમાં કરેલા પાપ માંથી મુક્તિ મળે છે અને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે… જાપ મંત્ર- “ॐ देवी महागौर्यै नमः॥”
રિપોર્ટ : યોગેશ પટેલ
લોકાર્પણ ન્યૂઝ – અરવલ્લી
