ખાંભા ખાતે ખાતરના ગેરકાયદેસર વેચાણ મામલે ખેતીવાડી વિભાગે રેડ પાડી : ૩ લાખનો જથ્થો સીઝ

ખાંભા ખાતે ખાતરના ગેરકાયદેસર વેચાણ મામલે ખેતીવાડી વિભાગે રેડ પાડી : ૩ લાખનો જથ્થો સીઝ
Spread the love
  • લાઇસન્સ વિના ખેડૂતોને ખાતરના સીધા વેચાણ બદલ વેપારી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ખેડૂતમિત્રોએ વેચાણ સમયે પાક્કા બીલનો આગ્રહ રાખવા જિલ્લા કલેકટરશ્રીએ અપીલ કરી

અમરેલી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અમરેલી કચેરીની ટીમ દ્વારા તારીખ ૨૮ના રોજ બાતમીના આધારે રાસાયણિક ખાતરના લાયસન્સ વગર ગામડે ખેડૂતોને સીધા સપ્લાય કરતા ઓર્ગેનિક મેન્યુઅલ ખાતરનો જથ્થો ગુણવત્તા નિયંત્રણની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બાબતે કલેકટરશ્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગઈકાલે ખેતીવાડી વિભાગ દ્વારા ખાંભા ખાતે રાસાયણિક ખાતરના ગેરકાયદેસર વેચાણ મામલે રેડ પાડવામાં આવી. મદદનીશ ખેતી નિયામક(ગુ.ની.), ખેતી અધિકારી ખાંભા, ખેતી અધિકારી અમરેલી અને બે ખેતી મદદનીશ એમ કુલ પાંચ લોકોની ટીમ બનાવી ખાંભા એસટી બસ સ્ટેશનની બાજુમાં કડિયા કુંભારની વાડીના શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનમાં ઓર્ગેનિક મેન્યુઅર નો જથ્થો ટ્રકમાંથી ઉતરતો હતો.

બરાબર તે જ સમયે ટીમ દ્વારા રેડ પાડી કુલ ૪૧૦ બેગ – ૫૦ કિ.ગ્રા અંદાજે રૂપિયા ત્રણ લાખનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે. આ જથ્થોમાંથી ગુણવત્તાની ચકાસણી અર્થે નિયમોનુસાર નમુના ખેતી અધિકારી ખાંભા દ્વારા લેવામાં આવ્યા હતા. અને એ નમૂના રાસાયણિક ખાતર ચકાસણી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા હતા. આ ખાતરના જથ્થાનો નાશ ન કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. તથા જે વાહનમાં ખાતરનો જથ્થો લાવવામાં આવ્યો હતો તે ટ્રક અને પીકઅપ વાહનની અટકાયત કરી તેને ખાંભા પોલીસને સોંપી દેવાયા છે.

ખાતરનું વેચાણ કરતાં હાજર રહેલા ૩ વ્યક્તિને ઓર્ગેનિક ખાતરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે બાબતે પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, તળાજા તાલુકામાં મહાકાળી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામનું રાસાયણિક ખાતરનું લાયસન્સ ધરાવનાર રાજેન્દ્ર પરમાર દ્વારા આ ખાતરનું વેચાણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સદર ઓર્ગેનિક મેન્યુઅર રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ ૧૯૮૫ અંતર્ગત આવતું હોવાથી અત્યારે આ ખાતર નું વેચાણ કરતા ત્રણ વ્યક્તિઓ તથા ખાંભા તાલુકામાં રાસાયણિક ખાતરનું લાયસન્સ વગર વેચાણ કરતા તળાજા તાલુકાના મૂળ કેરાળા ગામના રાજેન્દ્ર પરમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમયે કલેકટરશ્રીએ જિલ્લાના દરેક ખેડૂત ભાઈઓને અપીલ કરતા જણાવ્યું હતું કે તેઓ ગેરકાયદેસર રીતે રાસાયણિક ખાતરનું વેચાણ ન કરે અને જ્યારે પણ ખાતરનું વેચાણ કરે ત્યારે પાક્કા બીલનો આગ્રહ અવશ્યપણે રાખે. વધુમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી તમામને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
જિલ્લા માહિતી કચેરી – અમરેલી

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200529-WA0027.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!