રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા મોડી રાત્રિ સુધી કોરોના વેક્સિનેશન અભિયાન

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા મોડી રાત્રિ સુધી કોરોના વેક્સિનેશન અભિયાન
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા મોડી રાત્રિ સુધી કોરોના વેક્સિનેશન અભિયાન, કુલ-૧૮૨૮૪ લોકોને રસી અપાઈ.

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે તા.૧૦-૧૦-૨૦૨૧ ના રોજ હાથ ધરવામાં આવેલા કોરોના વેક્સિનેશન અભિયાનમાં મોડી રાત્રિ સુધી કામગીરી કરી કુલ-૧૮૨૮૪ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં ૬૯૨૩ લોકોને પ્રથમ ડોઝ અને ૧૧૩૬૧ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં તા.૧૬-૧-૨૦૨૧ ના રોજ શરૂ થયેલા વેક્સિનેશનમાં અત્યાર સુધીમાં પ્રથમ અને બીજો ડોઝ એમ બંને મળીને કુલ-૧૭,૩૫,૨૨૮ ડોઝ અપાયેલ છે. જેમાં ૧૧,૨૦,૧૫૬ લોકોને પ્રથમ ડોઝ અને ૬,૧૫,૦૭૨ લોકોને (જે લોકોને પ્રથમ ડોઝ લઈ લીધો હોય તેના ૮૪ દિવસ પુરા થઇ ગયા હોય તે એલીજીબલ લોકોને) બીજો ડોઝ આપવામાં આવેલ છે. આમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ ડોઝની ૯૮.૫ ટકા કામગીરી અને બીજા ડોઝની આશરે ૮૫ ટકા કામગીરી પુરી કરવામાં આવેલ છે. આ કોરોના વેક્સિનેશન મહાભિયાન દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વહેલી સવારથી મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા સહિત અધિકારીઓ કર્મચારીઓ સતત ફિલ્ડમાં રહ્યા હતા. જેમાં મહાનગરપાલિકાની નક્કી કરાયેલી મુખ્ય વોર્ડ ઓફિસો અને શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતેની સાઈટ તેમજ ૯૦ મોબાઈલ વાનની ટીમમાં આરોગ્યના કુલ-૬૬૨ પેરામેડીકલ અને તબીબી સ્ટાફ વેક્સિનેશનની કામગીરીમાં કાર્યરત રહેલ. દિવસ દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ શહેરમાં એસ.ટી. બસ સ્ટેન્ડ બીગબજાર, BRTS બસ સ્ટેન્ડ, લલુડી વોંકળી, લોહાણાનગર તેમજ અમિન માર્ગ ખાતેના સીટી સિવિક સેન્ટર ખાતેના વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લઈ કામગીરી નિહાળી હતી. આ વેક્સિનેશન અભિયાન અનુસંધાને નાગરિકોને ફોન કોલ કરી વેક્સિન લેવા માટે જાણ કરવામાં આવી હતી. આ માટે રાજકોટ મહાનગરપાલિકાનાં ૧૮૦ કર્મચારીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના ૫૦૦ જેટલા શિક્ષકોએ સવારના ૭.૩૦ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી ફરજ બજાવી હતી. મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ વેક્સિનેશન અભિયાનનાં આયોજન અનુંસધાને આગલા દિવસે તા.૯-૧૦-૨૦૨૧ નાં રોજ શનિવારે એક બેઠક યોજી હતી. જેમાં તમામ સિનિયર અધિકારીઓને અલગઅલગ જવાબદારીઓ સુપરત કરવામાં આવી હતી. જેમાં વિવિધ સોસાયટીઓ, બાંધકામ સાઈટ્સ, સ્લમ્સ એરિયા, વિવિધ મોલ, એસ.ટી. બસ સ્ટેન્ડ, આવાસ યોજનાઓ, હોકર્સ ઝોન, ગાર્ડન, પ્રદ્યુમનપાર્ક ઝૂ, ધાર્મિક સંસ્થાઓ, શાક માર્કેટ્સ, તેમજ રાત્રિનાં સમયે વિવિધ વિસ્તારોની ગરબીનાં આયોજનનાં સ્થળોએ પણ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી હતી. વિશેષમાં બિગબજાર ખાતેના વેક્સિનેશન કેન્દ્રમાં મોલના ગ્રાહકોને રસી આપવામાં આવી હતી. જેમાં બિગબજાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આ ઝુંબેશને સહકાર આપવાના ભાગરૂપે વેક્સિન લેનાર ગ્રાહકો માટે લક્કી ડ્રો રાખવામાં આવ્યો હતો. જેમાં સાંજે લક્કી ડ્રો કરાયા બાદ ત્રણ વિજેતા ગ્રાહકોને સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવી હતી. દરમ્યાન આરોગ્ય શાખાની ટીમો દ્વારા BRTS રૂટ પર દોડતી બસોમાં પણ પેસેન્જરોને વેક્સિન આપવામાં આવી હતી.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Advertisement
Right Click Disabled!