ભરૂચમાં 5 વિધાનસભા પરથી પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસોનો લોકાર્પણ

ભરૂચમાં 5 વિધાનસભા પરથી પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસોનો લોકાર્પણ
Spread the love
  • પાંચેય ધારાસભ્યોના અધ્યક્ષ સ્થાને પાંચ વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ, લોકાર્પણ અને ખાતમુર્હૂત
  • પાંચ સ્થળોએ સમાંતર આયોજિત કાર્યક્રમમાં 20 હજારથી વધુની મેદની, લાભાર્થી, જિલ્લા વહીવટી તંત્ર, પદાધિકારીઓ, અધિકારીઓ, હોદેદારો રહ્યા હાજર

સમગ્ર રાજયની સાથે ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં પણ આવાસ યોજનાના મકાનોનો લોકાર્પણ અને ખાતમુર્હૂત કાર્યક્રમ આજે શનિવારે જે તે મતવિસ્તારના ધારાસભ્યો રમેશભાઈ મિસ્ત્રી, ઇશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી, રીતેશ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. દેશના યશસ્વી અને દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર આયોજિત કાર્યક્રમમાં 2263 લાભાર્થીઓના આવાસનું લોકાર્પણ કરાયું હતું. જેમાં પ્રધાનમંત્રી, પંડિત દિનદયાળ અને આંબેડકર આવાસ યોજનાના મકાનનો સમાવેશ થાય છે.

દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ ૩ લાભાર્થીઓએ પ્રતિભાવ રજૂ કરી વડાપ્રધાન, મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે 5 લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી. પાંચેય વિધાનસભા મત વિસ્તારોમાં એક સાથે આયોજિત આવાસ લોકાર્પણ અને કલ્યાણકારી યોજનાઓના કાર્યકમમાં જિલ્લા વહીવટી તંત્ર, અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો સહિત કુલ 20 હજારની જનમેદની જોડાઈ હતી.

ભરૂચ વિધાનસભા મત વિસ્તારનો કાર્યકમ ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં પ્રભારી, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, કૌશિક પટેલ, દુષ્યંત પટેલ, વિભૂતિબેન યાદવ, પ્રકાશ પટેલ, હેમેન્દ્ર પ્રજાપતિ, એન.આર.ધાંધલ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સમગ્ર ગુજરાતમાં 2993 કરોડના ખર્ચે 1,31,454 પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ -ખાતમુહૂર્તનો કાર્યકમ 182 વિધાનસભા બેઠકો પર યોજાયો હોય જેને અભૂતપૂર્વ ક્ષણ ગણાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 10 લાખથી વધુ લોકોએ વર્ચ્યુઅલ સાંભળી ભારત સરકારની 17 જેટલી યોજનાનો લાભ પ્રત્યક્ષ પરિવારો સુધી પોહચડવાની ઘડીને ગૌરવપૂર્ણ ગણાવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ પાંચેય વિધાનસભાની ટીમને આ અભૂતપૂર્વ કલ્યાણકારી કાર્યકમની સફળતા બદલ અભિનંદન આપ્યા હતા.

અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારનો 351 આવાસ લોકાર્પણ કાર્યકમ ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં સજોદ ગામે વિશાળ મેદની વચ્ચે સંપન્ન થયો હતો. ધારાસભ્યએ મોદી સરકારના શાસનમાં આજે ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું હોવાનું કહી 62 ટકા મકાનો ગુજરાતમાં મહિલાઓના નામે હોય જેને આનંદની વાત ગણાવી હતી. કાર્યક્રમમાં મામલતદાર, અન્ય અધિકારીઓ, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, વિનોદ પટેલ સહિત 5000 થી વધુની મેદની જોડાઈ હતી.

વાગરા વિધાનસભા મત વિસ્તારનો આવાસ લોકાર્પણ કાર્યકમ ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ધારાસભ્ય અરૂણસિંહ રણાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરા, નૈતિકા પટેલ, ફતેસંગ ગોહિલ, અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો સહિત વિરાટ મેદની હાજર રહી હતી. વાગરા ધારાસભ્યે તેમના મત વિસ્તારમાં આજે 216 પરિવારોને આવાસ અર્પણ થઈ રહ્યા હોય વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો આનંદ સાથે આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ અરૂણસિંહ રણાએ વિકસિત ભારતના સંકલ્પને વડાપ્રધાન સાકાર કરવા આગળ વધી રહ્યા હોવાનું ગૌરવ પણ વ્યક્ત કર્યું હતું.

ઝઘડિયા વિધાનસભા નો આવાસ કાર્યકમ જેસપોર ગામે ધારાસભ્ય રીતેશ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં પણ 1517 થી વધુ પરિવારોને આવાસો અર્પણ કરાયા હતા. જેમાં ધારાસભ્યે આદિવાસી મત વિસ્તારમાં વડાપ્રધાને આપેલી અનેક કલ્યાણકારી અને વિકાસની યોજનાઓ બદલ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

જંબુસર વિધાનસભા નો કાર્યકમ સ્વામિનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય ડી.કે.સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ સાથે અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનોએ જોડાઈ 114 લાભાર્થીઓને પ્રતીકાત્મક ઘરના ઘરની ચાવી અર્પણ કરી હતી. ધારાસભ્ય ડી.કે.સ્વામીએ વિકાસપુરુષ દેશના વડાપ્રધાન જન જન માટે આજે પુરુષાર્થ કરી તેઓને વિકાસકૂચમાં સહભાગી બનાવી રહ્યા હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો.

ભાવેશ મુલાણી (બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત)

Admin

Admin

9909969099
Right Click Disabled!