રાજકોટ કર્મયોગા એકેડેમીમાં વિજ્ઞાન જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ સંપન્ન

રાજકોટ કર્મયોગા એકેડેમીમાં વિજ્ઞાન જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ સંપન્ન
Spread the love

રાજકોટ કર્મયોગા એકેડેમીમાં વિજ્ઞાન જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ સંપન્ન
વિજ્ઞાન યુગમાં હોળીની જાળ ઉપર વરતારા કરવા મુર્ખામીનું પ્રદર્શન… વિજ્ઞાન જાથા

વિજ્ઞાન માનવ જાત માટે ઉપકારક… શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ.

ઋતુચક્રમાં ધરખમ ફેરફારના કારણે વરતારા અપ્રસ્તુત.

અવૈજ્ઞાનિક વર્ષા પરિસંવાદો બંધ કરો… જાથા.

ભડલી-ફડલી, હોળી જાળ, ટીટોડીના ઈડા વરતારા દરિદ્ર માનસિકતા.

કર્મયોગા એકેડેમીમાં છાત્ર-છાત્રાઓને જ્ઞાન-વિજ્ઞાનનું સ્નાન કરાવ્યું.

અમદાવાદ : રાજકોટ કાલાવડ રોડના કર્મયોગા એકેડેમીમાં કોલેજ કક્ષાના છાત્ર-છાત્રાઓમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. વિજ્ઞાન યુગમાં અવૈજ્ઞાનિક વર્ષા પરિસંવાદો બંધ થવા જોઈએ. ઋતુચક્રમાં ધરખમ ફેરફારોના કારણે હોળીની જાળ, ભડલી-ફડલી વરતારા કરવા મુર્ખામીનું પ્રદર્શન છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે કરી વિજ્ઞાનથી માનવ જાત સુખી-સંપન્ન થયો છે તે સ્વીકારવું પડશે. અંધશ્રદ્ધાથી માનવીને પાયમાલી બરબાદી મળે છે તેથી તિલાંજલિ આપવી જોઈએ.

એકેડેમીના રૂચા ભગદેવે પ્રારંભમાં કાર્યક્રમનો પરિચય સાથે સાવરકુંડલામાં બે દાયકા પહેલા થયેલા કાર્યક્રમથી પ્રભાવિત થઈ રાજકોટમાં આયોજન કરેલ છે. જાથાની પ્રવૃતિ સમાજ ઉપયોગી છે.

આ પ્રસંગે એકેડેમીના બૌધ્ધિક પારેખ, ડૉ. નિરવ ગણાત્રાએ વિજ્ઞાન ટેકનોલોજીની હરણફાળ પ્રગતિની વાત કરી જુના રદી વિચારોને તિલાંજલિ આપવી જોઈએ.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ૨૧ મી સદી જ્ઞાન-વિજ્ઞાનની છે તેને અનુરૂપ માનવીનું વર્તન-કાર્યો હોવા જોઈએ. આ સમયમાં હોળીની જાળ જોઈ ફળકથનો કરવા મુર્ખામીનું પ્રદર્શન છે. ભારતમાં વરસાદની જાણકારી માટે અદ્યતન ઉપકરણો, વૈધશાળાઓ, ઉપગ્રહો મારફત નિરીક્ષણ, વિજ્ઞાનના સાધનો, પરિક્ષણ, ક્રિયા-કારણનો સંબંધ, વર્ષોની આંકડાકીય માહિતી, પવનની ગતિ, દરિયાઈ સંબંધી લો-પ્રેસર, કારણો ધ્યાનમાં રાખી વરસાદ, વાવાઝોડા, સંબંધી આગાહી કરી જાણકારી આપવામાં આવે છે. તેમાં પણ ખોટા પડે તો પ્રયોગસિદ્ધ કારણો નજરોનજર ટી.વી. માધ્યમ દ્વારા બતાવી કે જોઈ શકાય તેવા પુરતા કારણો જનસમાજને જણાવે છે. વરતારા કરનારા મોસમ વિભાગ ખોટું પડે છે તેવું કારણ આપી બચાવ કરે છે. પ્રાચીનકાળમાં ઋતુચક્રમાં પર્યાવરણ, પ્રદુષણ અને કુદરતી–પ્રાકૃતિક નિયમોનું માનવી પાલન કરતો હતો ત્યારે ઉપકરણો ન હોવાના કારણે તે સમયે અનુભવી વરતારા સ્તુત્ય હતાં. આજે મુર્ખામીનું પ્રદર્શન છે. વિજ્ઞાન કેન્દ્રોના અભિપ્રાય સ્પષ્ટ, ચોક્કસ તારણો, વિશ્વસનીયતાના પાયા ઉપર હોય છે. આગાહીકારો પોકળ જાહેરાત સાથે ગુમરાહ કરનારા કથનો કરતાં હોય છે. વિજ્ઞાનનો ડગલેને પગલે ઉપભોગ કરનારા જયારે વરતારાને મદદ કરવા તત્પર થાય તે દરિદ્ર માનસિકતાની નિશાની છે.

જાથાના પંડયાએ જણાવ્યું કે ૨૧ મી સદીમાં પૃથ્વી, વિષુવવૃતના પટ્ટા ઉપર ઋતુચક્ર, વાતાવરણમાં ધરખમ ફેરફારો થઈ ગયા છે. ગરમીનું પ્રમાણ વધી ગયું છે. પૃથ્વી રાત્રિના ઠંડી થવી જોઈએ તેમાં ફેરફારો નોંધાયા છે. કાર્બન ડાયોકસાઈડ નાઈટ્રોજનને સપ્રમાણ રાખવા વૈજ્ઞાનિકો મથી રહ્યા છે. પૃથ્વી ઉપર વરસાદ પડવા સંબંધી અસાધારણ ફેરફારો વિશ્વના લોકો નજરે જોવે છે. થોડા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્ર-કચ્છના લોકો દુકાળ શબ્દ ભુલી ગયાં છે. ત્યારે વરતારા કરવા તે નર્યું ગાંડપણ છે. ‘જો અને તો’, ગર્ભ અનિયમિત, ચૈત્ર મૈલો, ચંદ્ર આસપાસ પડછાયો, ૧૫ દિવસમાં બે ગ્રહણો વિગેરે બકવાસભર્યા કથનો હરખપદુડા થઈ લોકોના માથા ઉપર મુકવામાં આવે છે. વાસ્તવમાં આગાહીકારોની નકારાત્મક ભૂમિકા સ્પષ્ટ થાય છે. લોકોને પછાત રાખવાનું ષડયંત્ર છે.

જાથાના જયંત પંડયાએ પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે પ્રતિ વર્ષ વર્ષા પરિસંવાદમાં વરસાદના વરતારાઓનો કરૂણ રકાસ થાય છે તેના કારણમાં વરતારા કરનારા પાસે વિજ્ઞાનની કસોટીમાં પાસ થાય તેવા એકપણ ઉપકરણ નથી. વર્ષા પરિસંવાદો વર્તમાન સમયમાં અપ્રસ્તુત, અતાર્કિક હોય કાયમી બંધ કરવા જોઈએ. વરતારા કરનારાઓમાં એકસૂત્રતા કદી જોવા મળતી નથી. વરતારાને વિજ્ઞાનનો કોઈ આધાર નથી સાથે પ્રયોગસિદ્ધ પણ નથી. તેથી દર વર્ષે ખોટા પડે છે. પરિસંવાદના આયોજકો, આગાહીકારો પોતાનું જુનું પુરાણું વળગણ, છિન્ન મનોવૃત્તિ સાથે પછાતપણું, ખોટી પરંપરાને તિલાંજલિ આપી નવાંગતુક સર્જન કરવું જોઈએ. દર વર્ષે આગાહીકારો કેમ ખોટા પડે છે તેનું મનોમંથન કરવામાં આવતું નથી. વરતારા કરનારા ઉપર કોઈપણ પ્રકારનું નિયંત્રણ ન હોય માથાધડ વગરની આગાહીઓ કરે છે. લોકોમાં હાંસીને પાત્ર થાય છે. વરતારા અને પરિસંવાદમાં કરવામાં આવતી સામુહિક આગાહીઓનું વર્ગીકરણ કરી એક જ વરતારો કરવો જોઈએ જેને પ્રયોગસિદ્ધ, ચકાસી શકાય. તેવું કરવામાં આવતું નથી. કારણ માત્ર વરતારાનો પાયો જ અસત્ય ઉપર હોય છે. વરતારાની હાસ્યાસ્પદ બાબતોમાં કયો વિસ્તાર, કઈ તારીખ, સ્થળ, ભારતમાં કે પૃથ્વી ઉપર ગમે ત્યાં સચોટતા નથી. માત્ર ને માત્ર ગપગોળા, વરતારાનો આધાર જ અવૈજ્ઞાનિક છે.

જાથાના પંડયાએ વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારો ઉપર વિશદ્દ માહિતી આપી ભૂત-પ્રેત, ડાકણ–ચુડેલ, જીન્નાત, મામો, ખવીશ, અગોચર, અલૌકિક, અદ્રશ્ય શક્તિનું અસ્તિત્વ જ નથી તેને ઠોસ દાખલા આપવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ–ભસ્મ, લોહી નીકળવું, રૂપિયાનો વરસાદ, જીભની આરપાર ત્રિશુલ નાખવું, ઉકળતા તેલમાંથી હાથેથી પુરી તળવી, સંમોહન, ધૂણવું-સવારી આવવી, ભુવાની સાંકળ મારવાની ડીંડકલીલા વિગેરે નિદર્શન કરી શીખડાવી દેવામાં આવેલ. પ્રયોગ નિદર્શનમાં જાથાના અંકલેશ ગોહિલ, વિનોદ વામજા, ભાનુબેન ગોહિલ, નિર્ભય જોશીએ ભાગ લીધો હતો.

રાજયમાં લોકજાગૃતિ કાર્યક્રમ કરવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

ફોટો તસ્વીર : રાજકોટ કર્મયોગા એકેડેમીમાં અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું ઉદ્દઘાટન શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ કરે છે. બાજુમાં જાથાના જયંત પંડયા, શૈક્ષિણિક સ્ટાફ દ્રષ્ટિપાત થાય છે. પ્રયોગ નિદર્શનની તસ્વીરો.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!