રેલવે પેસેન્જરોની સુરક્ષા અને સલામતી માટેની App લૉન્ચ : અનેક ફીચર્સ થકી લોકોને અનેક લાભ

રેલવે પેસેન્જરોની સુરક્ષા અને સલામતી માટેની App લૉન્ચ : અનેક ફીચર્સ થકી લોકોને અનેક લાભ
Spread the love
  • શંકાસ્પદ હરકતો, ચાલું ટ્રેનમાં ચિલઝડપ, દારૂ-જુગાર સુધીની અનેક બાબતે ફરિયાદ થઈ શકશે : મહિલા સુરક્ષા પર ખાસ ભાર
  • નવા યુગ સાથે કદમ મિલાવવા ગુજરાત રેલવે પોલીસ સજ્જ : DGP આશિષ ભાટિયા અને DIG ગૌતમ પરમારે અંગત રસ લઈ એપ તૈયાર કરાવી : CM રૂપાણીએ પણ બિરદાવી

હવે રેલવે મુસાફરી દરમિયાન મુસાફરોની સુવિધા, સુરક્ષા અને સંરક્ષા માટે રેલવે પોલીસ દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. ગુજરાત રેલવે પોલીસ દ્વારા “સુરક્ષિત સફર” નામની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જે ગુગલ પ્લે સ્ટોર ઉપરથી મફત ડાઉનલોડ કરી શકાય છે. ચાલુ ટ્રેનમાં મુસાફરોનો સામાન કે કિંમતી ચીજવસ્તુની ચોરી કે લૂંટફાટ થાય તો મદદ માટે ગુજરાત રેલવે પોલીસે સુરક્ષિત સફર નામની એપ્લિકેશન બનાવી છે.

ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓને ઘણીવાર ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જેમાં ક્યારેક મહિલાઓને રોમીયો પરેશાન કરતા હોય છે તો ક્યારેક લૂંટના બનાવો બનતા હોય છે. વૃધ્ધ અને બિમાર પ્રવાસીઓ પણ પરેશાન થતા હોય છે. મુસાફરોની આવી અનેક તકલીફો દૂર કરવા માટે રેલવે પોલીસ દ્વારા એક એપ તૈયાર કરવામાં આવી છે. મોબાઈલમાં આ એપ સ્ટોર કરી પ્રવાસીઓ રેલ મુસાફરી દરમિયાન ગમે ત્યાં, ગમે ત્યારે તાત્કાલિક પોલીસની મદદ મેળવી શકશે. ગુજરાત રેલવે પોલીસના DGP આશિષ ભાટિયા અને DIG ગૌતમ પરમારે અંગત રસ લઈ ને આ એપ તૈયાર કરાવી છે. CM વિજયભાઈ રૂપાણીએ પણ એપને ખૂબ વખાણી હતી.

રેલવેમાં મુસાફરી કરતાં મુસાફરોને ચાલુ ટ્રેનમાં લૂંટ, ધાડ, ચોરી, છેતરપિંડી, અપહરણ કે અકસ્માત જેવી ઘટના વખતે કોને જાણ કરવી ? ફરિયાદ ક્યાં આપવી ? મીસીંગ બાળક મળી આવતા શું કરવું? શંકાસ્પદ વસ્તુ, ડ્રગ્સ, પ્રોહી હેરાફેરી જેવી પ્રવૃત્તિ થતી હોય તો કોને જાણ કરવી ? શારીરિક દુર્વ્યવહાર, છેડતી કે રોમીયોગીરીનાં બનાવ વખતે મદદ મેળવવા ઝડપથી કોનો સંપર્ક કરવો? અનઅધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ રિઝર્વ કે વુમન કમ્પાર્ટમેન્ટમાં થાય તો કોને ફરિયાદ કરવી? રેલવેમાં મુસાફરી દરમિયાન અચાનક મદદની જરૂર પડે તો શું કરવું ?

ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખી રેલ સુરક્ષિત જી.આર.પી. મોબાઈલ એપ્લીકેશન ગુજરાત રાજકીય રેલ્વે પોલીસ તરફથી તૈયાર કરવામાં આવેલ છે. ટ્રેનમાં અસામાજિક તત્વો દ્વારા મુસાફરોને હેરાનગતિ કરવાના અનેક મામલાઓ સામે આવે છે. ત્યારે આવી ઘટનાઓ પર કાબૂ મેળવવા માટે રેલવે પોલીસે એક એપ લોન્ચ કરી છે. આ એપથી ટ્રેનમાં લૂંટ,ચોરી, અપહરણ, છેડતી સહિતની ઘટનામાં મદદરૂપ થશે. Surakshit safar નામની આ મોબાઈલ એપ્લિકેશનમાં મુસાફરોની સુવિધા, સુરક્ષા માટે જુદા જુદા ફંકશન આપવામાં આવ્યાં છે.

સુરક્ષિત સફર એપ્લિકેશન બે પ્રકારમાં ઉપલબ્ધ છે. ૧. પબ્લિક એપ અને ૨. પોલીસ એપ. રેલવે પ્રવાસીઓ, સામાન્ય નાગરિક પબ્લિક એપ ડાઉનલોડ કરીને કરી શકે છે જ્યારે પોલીસ એપનો ઉપયોગ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવશે.

  • પબ્લિક એપ : આ એપ્લીકેશનમાં રેલ્વે મુસાફરો ફરિયાદ, વુમન ડેસ્ક, સજેશન, શંકાસ્પદ વ્યક્તિ, કોલ, કોન્ટેકટ કોપ, કોન્ફીડન્સીયલ, ટ્રેક માય રૂટ, ફીડબેક, ટચ ટુ પેનીક ફંક્શનનો ઉપયોગ કરી શકશે.
  • પોલીસ એપ : આ એપ્લીકશેનની મદદથી પોલીસ કમર્ચારીઓની ટ્રેન પ્રેટ્રોલીંગની ફરજો અસરકારક બનશે. પોલીસ ઓફીસયલ કૂલીઝ, હોકર્સ, કોચ એટેન્ડન્ટ્સ તથા અન્ય કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારીઓનું રજિસ્ટ્રેશન કરશે અને તેની માહિતી પોલીસ અધિકારી/કર્મચારી ત્વરીત મેળવી શકશે. જેનાથી કોચમાં અનઅધિકૃત વ્યકિતના પ્રવેશ પર અંકુશ લાવી શકાશે. રેલવેમાં ગુનાઓ આચરતા ગુનેગારોની ફોટો સાથેની માહિતી રેલવે મુસાફરોની સલામતીમાં તહેનાત પોલીસ અધિકારી/કર્મચારી ત્વરીત મેળવી શકશે.

સુરક્ષિત સફર પબ્લિક એપની વિસ્તૃત માહિતી

  1. ફરિયાદ : આ ફંક્શન દ્વારા રેલવેને ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાય છે. આ ફંક્શનમાં ફરિયાદનાં પ્રકાર પણ આપવામાં આવ્યાં છે જેવા કે, ડ્રગ્સને લગતી, ચોરીને લગતી, બાળકને લગતી, શારિરીક અડપલાં/ઉત્પિડનને લગતી, એટેન્ડન્ટને લગતી, છેતરપિંડીને લગતી, અપહરણને લગતી, દિવ્યાંગ અંગેની, સિનિયર સિટીઝનને લગતી તથા યાદીમાં સામેલ ન હોય એવી ફરિયાદ હોય તો અન્ય ફરિયાદનો ઓપ્શન આપવામાં આવ્યો છે.
  2. મહિલા વિભાગ : આ ફંક્શન ખાસ મહિલાઓ માટે આપવામાં આવ્યું છે. આ ફંક્શનમાં મહિલાઓ છેડછાડ, બળાત્કાર, શારિરીક અડપલાં, મહિલા કોચ, અપહરણને લગતી ફરિયાદ પોતાની ઓળખ છુપાવીને પણ કરી શકે છે.
  3. સૂચન : સુરક્ષિત સફર એપ્લિકેશનમાં મુસાફરો પોતાનાં સૂચનો આપી શકે છે. જો કે અહીં પણ સૂચનોની તૈયાર યાદી આપવામાં આવી છે. દિવ્યાંગનાં સૂચનો, મહિલા અને સિનિયર સિટીઝનનાં સૂચનો કરી શકાય છે.
  4. શંકાસ્પદ : આ ફંક્શન દ્વારા ટ્રેનમાં કે પ્લેટફોર્મ પર કંઈપણ વસ્તુ, વ્યક્તિ, હિલચાલ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક સીધાં જ રેલવે પોલીસને જાણકારી આપી શકાય છે. આ ફંક્શનમાં ફોટો પાડીને અપલોડ કરી શકાય છે. માહિતી મળતાં જ પોલીસ કાર્યવાહી કરશે તથા માહિતી આપનારની ઓળખ છુપી રાખવામાં આવશે.
  5. ફોન કૉલ : આ ઑપ્શન ઉપર ક્લિક કરતાં જ સીધો જ આપનાં મોબાઈલ પરથી રેલવેનાં કંટ્રોલ રૂમ પર કોલ લાગશે આ ઓપ્શન દ્વારા પ્રવાસી પોતાની ફરિયાદ કે સૂચન સીધા જ રેલવે કંટ્રોલ રૂમ પર પહોંચાડી શકશે.
  6. અમને જાણો : આ ઑપ્શનમાં જવાથી સુરક્ષિત સફર એપ્લિકેશન વિશે જાણકારી ઉપલબ્ધ થશે.
  7. ગોપનીય ફરિયાદ : અહીંથી પ્રવાસી પોતાની ઓળખ ગુપ્ત રાખીને ફરિયાદ નોંધાવી શકે છે. આ ફરિયાદ જેવી કે જુગાર, માનવ તસ્કરી, ડ્રગ્સ સંબંધિત તથા અન્ય ફરિયાદ પોતાની ઓળખ છુપાવીને કરવા માટે આ ઑપ્શનનો ઉપયોગ કરી શકાય છે.
  8. ટ્રેક માય રૂટ : ટ્રેનમાં મુસાફરી કરતા સિનિયર સિટીઝન, એકલી મહિલા તથા અન્ય પોતે ક્યાંથી બેઠા અને ક્યાં જઈ રહ્યા છે એ માહિતી આપી શકે છે જેથી ઈમરજન્સી જેવી પરિસ્થિતિમાં પોલીસ પ્રવાસીને મદદરૂપ થઈ શકે. જો ટ્રેન પોતાના સમય કરતા મોડી હશે તો પણ સંબંઘિત સમય પણ તમે આ એપથી જાણી શકશો.

આ ઉપરાંત ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવી સુવિધા ટચ ટુ પેનિકની છે. સુરક્ષિત સફર મોબાઈલ એપ્લિકેશનમાં મોબાઈલ ફોનમાં સૌથી નીચે આ ઓપ્શન આપવામાં આવ્યો છે. આ ઓપ્શન ઉપર ક્લિક કરીને ઈમરજન્સી જેવી પરિસ્થિતિમાં મુસાફર પોલીસની મદદ માંગી અને મેળવી શકશે. ગુજરાતમાંથી પસાર થતાં દરેક રેલવે પ્રવાસી માટે આ એપ્લિકેશન અતિ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!