શક્તિપ્રદર્શન : પાડાના વાંકે પખાલીને ડામ તો નહીં મળે ને…?

શક્તિપ્રદર્શન : પાડાના વાંકે પખાલીને ડામ તો નહીં મળે ને…?
Spread the love
  • અજ્ઞાતવાસમાંથી બહાર આવેલા શિવસેનાના વનપ્રધાન સંજય રાઠોડે શક્તિપ્રદર્શન કરવા સેંકડો લોકોને ભેગા કરતાં વેપારીઓને ચિંતા સતાવી રહી છે કે હવે કોરોનાના કેસમાં ઉછાળો આવશે તો સરકાર લૉકડાઉન તો નહીં કરે ને…?

સંજય રાઠોડે કરેલા શક્તિપ્રદર્શન વખતે પહોરાદેવી મંદિરે ભેગો થયેલો મહેરામણ. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સાંજે રાજ્યની જનતાને સંબોધન કરતાં કહ્યું હતું કે સામાજિક, ધાર્મિક અને રાજકીય મેળાવડા પર હમણાં થોડા દિવસ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આનું ઉલ્લંઘન કરનારાઓ સામે પ્રશાસનને કડક હાથે કામ લેવાની તાકીદ તેમણે કરી હતી. જોકે ગઈ કાલે બપોરે રાજ્યના વાસિમ જિલ્લામાં આવેલા બંજારા સમાજના ધાર્મિક સ્થળ પહોરાદેવી મંદિરે શક્તિપ્રદર્શન કરવા ગયેલા શિવસેનાના જ વનપ્રધાન સંજય રાઠોડની હાજરીમાં હજારોની સંખ્યામાં તેમના સમર્થકો કોરોનાના નિયમોની ઐસી કી તૈસી કરીને ત્યાં હાજર રહ્યા હતા.

રાજ્યની દિગ્રાસ બેઠકના વિધાનસભ્ય સંજય રાઠોડનું ટિકટૉક સ્ટાર પૂજા ચવાણના અપમૃત્યુ કેસમાં નામ બહાર આવ્યા બાદ તેઓ અજ્ઞાતવાસમાં જતા રહ્યા હતા અને ગઈ કાલે પહેલી વાર ૧૫ દિવસ બાદ તેમના સમાજની પવિત્ર જગ્યા પહોરાદેવીના મંદિરે જાહેરમાં આવ્યા હતા. આમ તો કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પણ સંજય રાઠોડ જે સમયે પહોરાદેવી પહોંચ્યા ત્યારે હાજર હજારો લોકોએ ન તો માસ્ક પહેર્યા હતા અને ન તો કોઈ સોશ્યલ ડિ‌સ્ટન્સિંગ હતું.કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને મુંબઈમાં લોકોએ પોતાનાં લગ્ન કે બીજા કોઈ સમારંભો રદ કે મુલતવી રાખ્યાં છે ત્યારે મુખ્ય પ્રધાનના કહ્યા બાદ પણ રાજ્યના પ્રધાન કઈ રીતે આવું શક્તિપ્રદર્શન કરી શકે એ ચર્ચાએ જોર પકડ્યું છે.

કોરોનાના મારને લીધે માંડ બેઠા થવાની કોશિશ કરી રહેલા વેપારીઓ ફરી પાછું લૉકડાઉન ન થાય અને તેમની આર્થિક હાલત કફોડી ન થાય એ માટે થોડો સમય ધંધો ઓછો કરીને પણ કોવિડના નિયમોનું પાલન કરી રહ્યા છે અને આ જ કારણસર તેમનું કહેવું છે કે અમારે લૉકડાઉન નથી જોઈતું, પણ જો રાજ્યના જ કોઈ પ્રધાનને લીધે કોરોનાની સંખ્યા વધવાની હોય અને પરિણામે લૉકડાઉન જેવી પરિ‌સ્થિતિ સર્જાવાની હોય તો મુખ્ય પ્રધાને આમાં મધ્યસ્થી કરીને આવા પ્રધાનની સામે ઍક્શન લેવી જોઈએ. મહામારીના સમયમાં પોતાની રાજકીય ભાખરી શેકવી યોગ્ય ન કહેવાય એવું લોકોનું કહેવું છે.

આ મુદ્દા પર રીટેલ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતા ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાયદો બધા માટે સરખો હોવા જોઈએ. પછી એ સીએમ હોય, મિનિસ્ટર હોય કે આમઆદમી. આ ઘટનાની નોંધ લઈને મુખ્ય પ્રધાને મધ્યસ્થી કરીને ઍક્શન લેવી જોઈએ. જે રીતે ચેમ્બુરના એક જિમખાનામાં ૫૦થી વધારે વ્યક્તિ લગ્નમાં હોવાથી ફરિયાદ નોંધવામાં આવી હતી એ જ રીતે આ કેસમાં જે વ્યક્તિને લીધે હજારોની સંખ્યામાં લોકો આવ્યા તેની ખિલાફ ફરિયાદ નોંધાવી જ જોઈએ.

વીરેનભાઈની જેમ જ ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશનના પ્રેસિડન્ટ તથા ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (કૅમિટ)ના સેક્રેટરી મિતેશ મોદીનું પણ કહેવું છે કે ‘સરકારે પોતાના મિનિસ્ટરની સામે ઍકશન લેવી જ જોઈએ. આપણે નાની ભૂલ કરીએ તો પણ આપણા પર કાર્યવાહી કરવામાં આવે છે તો પછી રાજકારણીઓ સામે શું કામ નહીં? શક્ય છે કે આ લોકોની બેદરકારીને લીધે રાજ્યમાં કોરોનાના આંકડા વધે અને સરકાર લૉકડાઉનનો નિર્ણય લે.

જો એવું થશે તો વગર વાંકે આપણે તો ધંધો ગુમાવીને ઘરે બેસવાનો વારો આવશે. આમ પણ બીજાં રાજ્યોની પરિસ્થિતિ આપણા કરતાં સારી છે અને જો કોઈ પ્રતિબંધ આવ્યા તો આપણે તેમની સાથેની સ્પર્ધામાં ધંધો ચૂકી જઈશું. જવાબદાર વ્યક્તિએ તો પોતાના દરેક કદમ વિચારીને ઉઠાવવું જોઈએ આ બાબતે શિવસેનાનાં પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીનો સંપર્ક કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મારે આ બાબતે કંઈ જ નથી કહેવું.

પૂજા ચવાણ કેસમાં મારા પરના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી : સંજય રાઠોડ

બીડની ટિકટૉક સ્ટાર પૂજા ચવાણના અપમૃત્યુના કેસમાં નામ બહાર આવતાં જ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયેલા રાજ્યના વનપ્રધાન સંજય રાઠોડ આખરે ૧૬ દિવસ બાદ ગઈ કાલે તેમના બંજારા સમાજના પહોરાદેવી મંદિરમાં હાજર થયા હતા. યવતમાળથી બાય રોડ વાસિમના પોહરાદેવી મંદિરમાં સંજય રાઠોડ પરિવાર સાથે પહોંચ્યા હતા. ત્યારે તેમના હજારો સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા. તેમની પત્નીએ તેમને ગિરદીમાંથી આગળ જવા માર્ગ કરી આપ્યો હતો. સંજય રાઠોડે દર્શન કર્યાં હતાં અને મીડિયા સાથે બહુ ઓછી વાત કરી હતી. તેમણે તેમના પરના આક્ષેપો ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે તેમની વિરુદ્ધ ગંદું રાજકારણ રમાઈ રહ્યું છે. તેમણે પૂજા ચવાણના મૃત્યુને કમનસીબ ઘટના ગણાવી હતી.

તેમણે કહ્યું હતું કે હાલ કેસની તપાસ ચાલી રહી છે અને જે તથ્ય હશે એ સામે આવશે. તેમણે કહ્યું હતું કે પૂજા ચવાણના મૃત્યુને કારણે અમારા બંજારા સમાજમાં ગમગીની ફેલાઈ ગઈ છે. તેમણે પૂજાના પરિવારને સાંત્વન પાઠવ્યું હતું. પૂજા ચવાણ અપમૃત્યુ કેસમાં ભાજપ દ્વારા તેમના રાજીનામાની માગણી કરાઈ છે અને તેમની સામે ઝીણવટભરી તપાસ કરાય એ માટે રજૂઆત કરવામાં આવી છે.સંજય રાઠોડના પ્રકરણથી શરદ પવાર નારાજસંજય રાઠોડના પ્રકરણથી રાજ્યની મહાવિકાસ આઘાડીની સરકારની પ્રતિમા ખરડાઈ છે એટલે જ્યાં સુધી તપાસ ચાલુ છે ત્યાં સુધી તેમને પ્રધાનપદથી દૂર રાખવાનું રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના ચીફ શરદ પવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને જણાવ્યું છે.

sanjay-rathod_d.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!