ટેક્સ ઓફીસરની ઇરાદાપુર્વકની બેદરકારીથી જામ્યુકોને જંગી નુકસાન

ટેક્સ ઓફીસરની ઇરાદાપુર્વકની બેદરકારીથી જામ્યુકોને જંગી નુકસાન
Spread the love

જામનગર મનપાના ટેક્સ ઓફીસર જી.જે.નંદાણીયા દ્વારા આચરવામાં આવેલ કથિત ગેરરીતિઓનો મામલો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, ત્યારે નંદાણીયા વિરુદ્ધ તેના જ ઉચ્ચ અધિકારીએ કરેલ રીપોર્ટનો અભ્યાસ ચાલુ છે તેના પરથી કેટલીક ચોકાવનારી બાબતો દિવસે ને દિવસે સામે આવતી જાય છે આ રિપોર્ટનો વધુ અભ્યાસ કરતા કેટલાક વધુ તથ્યો સામે આવ્યા જેમાં ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ઇમ્પેકટ અન્વયે રેગ્યુલરાઈઝ કરેલ બાંધકામો અને વર્ષ દરમ્યાન આપવામાં આવેલ કમ્પ્લીશન સર્ટીફીકેટોના આધારે બાંધકામો હાઉસ ટેકસમાં અપડેશન કરવા અનેક સૂચનાઓ બાદ પણ તમામ બાંધકામો અપડેટ કરવામાં આવેલ નથી જેના હિસાબે જે તે વર્ષમાં મહાનગરપાલિકાને ટેકસની આવક પ્રાપ્ત થઈ શકેલ નથી અને પાછળથી અપડેટ થતાં મહાનગરપાલિકાએ મિલ્કતવેરા વ્યાજની આવક ગુમાવવી પડેલ છે. તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, મિલ્કતવેરા શાખા દ્વારા વાર્ષિક બીલોની બજવણી થયાની તારીખો સોફ્ટવેરમાં અપડેટ કરાવવાની રહે છે.

મિલ્કતવેરાના નિયમાનુસાર બીલ બજવ્યાના 15 દિવસ બાદ ધોરણસર રકમ ભરપાઈ ન થયે વ્યાજ વસુલવાનું રહે છે પરંતુ બીલ બજવણીની તારીખો સોફટવેરમાં સમયસર અપડેટ ન થવાના કારણે જામનગર મહાનગરપાલિકાને વ્યાજની આવકની નુકશાની થયેલ છે.બાકીદારોની વેરા વસૂલાત અન્વયે બાકીદારોને વોરંટ અને અનુસૂચિની બજવણી થઈ ગયા બાદ તેની નોંધ પણ સોફટવેરમાં કરવાની રહે છે જે બાબતની પણ સૂચનાઓ આપ્યા બાદ પણ તમામની નોંધો સોફટવેરમાં અપડેટ કરવામાં આવેલ નથી. જેના હિસાબે કઈ મિલ્કતોનું સીલીંગ હાથ ધરવુ તેની ચોકકસ માહિતી ઉપલબ્ધ થતી નથી. જપ્તીમાં લીધેલ મિલ્કતોની પણ નોંધ સોફટવેરમાં કરવાની રહે છે અને આ મિલ્કતોમાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન થાય તેની તકેદારી રાખવાની રહે છે પરંતુ આ બાબતે પણ સૂચનાઓ આપ્યા બાદ પણ કાર્યવાહી થયેલ નથી.

જપ્તીમાં લીધેલ મિલ્કતોમાં સીલ જે તે આસામીઓ દ્વારા ખોલી નાખી પુનઃ વપરાશ શરૂ કરેલ હોય આવા કિસ્સાઓમાં પુનઃ સીલીંગ કરવા અને આસામી સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરવા સૂચના આપવા છતાં પણ આ બાબતે અમલવારી ના કરી ટેક્સ ઓફીસર દ્વારા ગંભીર બેદરકારી દાખવી હોવાનો ઉલ્લેખ પણ આ ખાનગી રીપોર્ટમાં થયો છે, તો 2006 પહેલાનાં રેન્ટ બેઈઝ પધ્ધતિમાં મિલ્કતવેરા એપ્રુવલના પાવર્સ આસી. કમિશ્નર (ટેકસ) પાસે હોવા છતાં પણ 115થી પણ વધુ કિસ્સાઓમાં આ સતા ટેકસ ઓફિસર દ્વારા વાપરવામાં આવેલ છે જેનું લીસ્ટ ફાઈલ આંક 158 થી 159 પર સામેલ છે. જે શંકાનું ઉદ્દભવ સ્થાન જણાઇ આવે છે.

જે તે સમયે પણ અનેક ગેરરીતિઓ અને કામગીરીમાં બેદરકારી સબબ તેઓને ટેકસના ચાર્જમાંથી મુકત કરવામાં આવેલ પુનઃટેકસ ઓફિસર દ્વારા ટેકસ શાખામાં કથિત ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે અને કામગીરી બાબતે ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે અને ઉચ્ચ અધિકારીઓનો સૂચનાઓનું સતત ઉલ્લંઘન તેઓ દ્વારા કરવામાં આવી રહયુ છે. આસી.કમિશ્નર ટેક્સ દ્વારા આપવામાં આવતી સૂચનાએ જામનગર મહાનગરપાલિકાના આર્થિક હિત માટે હોય જે પ્રત્યે બેદરકારી દાખવી પોતાની મનમાની ચલાવી મહાનગરપાલિકાની રેવન્યુ આવકને ખૂબજ મોટુ નુકશાન પહોંચાડેલ છે. આ અન્વયે આ કર્મચારી સામે ધોરણસરના પગલા લેવા અને તાત્કાલીક અસરથી આ જગ્યા ઉપરથી જી.જે.નંદાણીયાને ટ્રાન્સફર કરવાનો ઉલ્લેખ આ ખાનગી અહેવાલમાં કરાયો છે.

કોઈ પણ બાબતો ચકાસ્યા વિના જ હરરાજી કરાવવામાં રોલ ભજવ્યો..?
જપ્તીમાં લીધેલ મિલ્કતોની હરરાજી કરતા પહેલા તમામ વિગતો ચેક કર્યા બાદ જ આખરી હરરાજી કરવાની રહે છે તેમ છતાં પણ છેલ્લી હરરાજી દરમિયાન કોઈપણ બાબતો ચકાસ્યા વિના જ હરરાજી કરવામાં આવેલ અને આ હરરાજી અન્વયે જામનગર મહાનગરપાલિકાએ હરરાજી રદ કરી રકમ પરત કરવી પડેલ અને અન્ય કિસ્સાઓમાં કોર્ટ કેસ થતાં કામગીરી ખોરંભે પડેલ છે.

– રોહિત મેરાણી (જામનગર)

JMC-Building.jpg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!