અંબાજી ખાતે દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને ભાદરવી મેળાના આયોજનની સમીક્ષા બેઠક

અંબાજી ખાતે દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને ભાદરવી મેળાના આયોજનની સમીક્ષા બેઠક
Spread the love

પાલનપુર
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે તા. ૮ થી ૧૪ સપ્ટેામ્બર દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. અંબાજી ખાતે શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ યાત્રાધામ વિકાસ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને મેળાની વ્યવસ્થાના આયોજનની સમીક્ષા બેઠક અધિકારીઓ સાથે યોજાઇ હતી. જેમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માઇભક્તો માટે કરવામાં આવેલ વ્યવસ્થાની સમીક્ષા કરતાં મંત્રીશ્રીએ કહ્યુ કે, અંબાજી ભાદરવી મહામેળા પ્રસંગે દુરદુરથી લાખોની સંખ્યામાં માઇભક્તો ચાલતા આવે છે ત્યારે તેઓને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી અને પુરતા પ્રમાણમાં મળે તથા યાત્રિકો માતાજીના સારી રીતે દર્શન કરી સુખરૂપ યાત્રા સંપન્ન કરી પોતાના ઘેર પહોંચે તે માટે સેવાભાવનાથી કામગીરી કરીએ.

બેઠકમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી સંદીપ સાગલે અને વહીવટદારશ્રી એસ.જે.ચાવડાએ મેળાની વ્યવસ્થા અંગે માહિતી આપતાં જણાવ્યું કે, યાત્રિકોને સરળતાથી દર્શન થાય, પીવાનું સ્વચ્છ પાણી, આરોગ્યની વ્યાપક સુવિધા, લાઇટીંગની સોલાર તથા જનરેટર સાથે સુવિધા, સ્વચ્છતા, પરિવહન અને પાર્કિગ સુવિધા, વિસામા કેન્દ્રો, સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા સુદ્રઢ સુરક્ષા વ્યવસ્થા સહિત તમામ વ્યવસ્થાઓ વ્યાપક રીતે ગોઠવવામાં આવી છે. મેળા પ્રસંગે મંદિર રાત્રિના ૧.૩૦ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. સિનિયર સિટીઝન, દિવ્યાંગો તેમજ સંઘમાં આવતા યાત્રિકો માટે અલાયદી રેલીંગ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોને પીવાનું પાણી, સુરક્ષા, આરોગ્ય, વીજ સુવિધા, પાર્કિગ વ્યવસ્થા તથા દૂધ અને જમવાની વ્યવસ્થા સરળતાથી મળે તે માટે સંગીન આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ અને સુરક્ષા દળના જવાનો પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી માઇભક્તોને મદદરૂપ બનશે. એસ.ટી. નિગમ દ્વારા મેળા માટે ૧,૧૦૦ જેટલી બસો મુકવામાં આવશે. જે યાત્રિકોને રાત દિવસ મુસાફરીની સુવિધા મળશે. તેમણે જણાવ્યું કે, પ્લાોસ્ટીકના વપરાશ પર પ્રતિબંધ અને સ્વચ્છતા માટે વિશેષ કાળજી રાખવા અધિકારીઓને જણાવાયું છે. મેળા દરમ્યાન સફાઇ ટીમો સતત સફાઇ કામગીરી કરશે. સંખ્યાબંધ સ્થળોએ પુરતા શૌચાલયોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કલેકટરશ્રીએ જણાવ્યું કે, યાત્રિકો માટે ઠેર ઠેર વિસામા કેન્દ્રો, ટ્રાફિક નિયમન, રખડતા ઢોરોનું નિયંત્રણ, ફાયર ફાઇટર, ખાધ પદાર્થોની ચકાસણી, હોટલ અને ગેસ્ટહાઉસ ધર્મશાળા તપાસણી, અંબાજી મુકામે વિવિધ સ્થળોએ ૧૨૧ સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. જેથી મેળાની તમામ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી નિયંત્રણ રાખી શકાય. વીજપુરવઠો સતત જાળવવા તથા લાઇટ જવાના કિસ્સામાં ઇન્વર્ટર સીસ્ટમ, જનરેટર તથા સોલાર લાઇટની વ્યવસ્થા યુજીવીસીએલ દ્વારા ગોઠવવામાં આવી છે. અંબાજી ખાતે મહત્વના સ્થળોએ ૧૨ મોટા એલ.ઇ.ડી. ગોઠવીને મેળાની તમામ વ્યવસ્થા પર નજર રાખવામાં આવશે.

મંત્રીશ્રીને માહિતી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. સંજય શાહે જણાવ્યું કે, યાત્રિકોનું આરોગ્ય જળવાઇ રહે અને જરૂર પડે તરત જ મેડીકલ સુવિધા મળે તે માટે અંબાજી જતા રસ્તાઓ ઉપર અને અંબાજી ખાતે નિષ્ણાંરત ર્ડાકટરોની ટીમ દવાઓ, તબીબી સ્ટાફ અને મોબાઇલ વાન સાથે ઉપલબ્ધ રહેશે. મોબાઇલ ટીમ દ્વારા યાત્રિકોને સ્થળ પર તાત્કાલીક સારવાર મળે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્રિશુળીયા ઘાટ પાસે ૧૦૮ એમ્બ્યુલન્સ વાન સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવશે. અંબાજી જતા રસ્તાઓ ઉપરના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા રેફરલ હોસ્પિટલ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે. ડુંગરાળ વિસ્તારના વિવિધ સ્થળોએ મેડીકલ કેમ્પો આવતીકાલથી શરૂ કરાશે. અંબાજી, હડાદ અને દાંતાની હોસ્પિટલો ચોવીસ કલાક ચાલુ રહેશે. મેળા પ્રસંગે આરોગ્ય કચેરી દ્વારા રસ્તા્ઓ ઉપર ઠેરઠેર આરોગ્યડ કેમ્પો આવતીકાલથી કાર્યરત કરી દેવામાં આવશે.

બેઠકમાં કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, પોલીસ અધિક્ષકશ્રી અજીત રાજ્યાન, નાયબ વન સંરક્ષકશ્રી ર્ડા.અંશુમાન, મંત્રીશ્રીના સચિવશ્રી આર.કે.પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી એલ.બી.બાંભણીયા, વહીવટદારશ્રી એસ.જે.ચાવડા સહિત વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!