વડોદરા કલેક્ટરે રાજ્ય સરકારની વ્યાપાર -ઉદ્યોગ વિષયક નવી નીતિના ઘડતર માટે મેળવ્યા સૂચનો…

વડોદરા  કલેક્ટરે  રાજ્ય સરકારની વ્યાપાર -ઉદ્યોગ વિષયક નવી નીતિના ઘડતર માટે મેળવ્યા સૂચનો…
Spread the love

zડોદરા,
રાજ્ય સરકાર દ્વારા નવી વ્યાપક અને સર્વ સમાવેશક વ્યાપાર ઉદ્યોગ નીતિના ઘડતરની કવાયત હાથ ધરવામાં આવી છે. તેના સંદર્ભમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે આજે એક બેઠક યોજીને ૩૦ થી વધુ વ્યાપાર,ઉદ્યોગ અને સેવા દાતાઓના સંગઠનો સાથે વ્યાપક અને સઘન વિચાર વિમર્શ કર્યો હતો અને તેમની વાજબી મુશ્કેલીઓ અને અપેક્ષાઓ જાણવાની સાથે તેમના સૂચનો મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યના તમામ જિલ્લા પ્રશાશનો પૈકી વડોદરા કલેકટરશ્રી એ આ પ્રકારની વિચાર મંથન બેઠક યોજવાની પહેલ કરી છે. બેઠકમાં ઉપસ્થિત મંડળોના પદાધિકારીઓએ ડ્રિંકિંગ વોટર પ્રોજેકટ માટે સ્કોચ એવોર્ડના સન્માન માટે જિલ્લા કલેક્ટરશ્રીને અભિનંદન આપ્યા હતા. તેમણે નાના મોટા વેપારીઓ, સેવાદાતાઓ અને લઘુ-મધ્યમ સહિતના ઉદ્યોગોને આવરી લેતી વ્યાપક અને સર્વ સમાવેશક નીતિ બનાવવાની રાજ્ય સરકારની પહેલને આવકારી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રીનો નલ સે જલ પ્રોજેકટ આવ્યો એ પહેલાં થી જ વડોદરા જિલ્લા એ દિશામાં ખૂબ સારી કામગીરી પુરી કરી લીધી છે. હાલમાં જિલ્લાના ૯૫ ટકા જેટલા ઘરોમાં નળ કનેક્શન દ્વારા પાણી ઉપલબ્ધ કરાવી દેવાયું છે. વડોદરા ૧૦૦ ટકા ઘરોમાં નળ જોડાણ અને નળ દ્વારા પાણી પુરવઠો પૂરો પાડતો દેશનો પ્રથમ જિલ્લો બને એવી ઉજળી શક્યતાઓ છે.

તેમણે કહ્યું કે તેની સાથે જ જિલ્લાના ભૂગર્ભ સ્રોતો દ્વારા પીવાનું પાણી મેળવતા ગામોને સરફેસ વોટર પૂરું પાડીને ભૂગર્ભ જળનું સંરક્ષણ કરવા માટે નર્મદા, મહી અને નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા વ્યવસ્થાઓનું વ્યાપક સ્તરે આયોજન કર્યું છે. તેના માટે ખૂબ મોટું માળખાકીય નેટવર્ક વિવિધ યોજનાઓ હેઠળ બનાવવામાં આવી રહ્યું છે. ઘટતું જતું ભૂગર્ભ જળ ભવિષ્યમાં પીવાના પાણીની મુશ્કેલીઓ ના સર્જે એ માટેનું આ અગ્રીમ આયોજન છે. આ કામગીરી ધ્યાને લઈને જિલ્લાને સ્કોચ એવોર્ડ આપવામાં આવ્યો છે જેનું શ્રેય ટીમ વડોદરાની જાહેમતને જાય છે.

વીસીસીઆઈ, એફજીઆઈ અને મધ્ય ગુજરાત વેપારી મહામંડળના સંકલન થી યોજવામાં આવેલી આ બેઠકમાં ખાસ કરીને નાના ટ્રેડર્સ અને સેવા દાતાઓની જીએસટી સહિતની વિવિધ મુશ્કેલીઓ, એમ.એસ.એમ.ઇની વર્તમાન વ્યાખ્યાને વ્યાપક બનાવીને ટ્રેડર્સ અને સર્વિસ પ્રોવાઈડર્સ ને તેમાં સમાવી લેવાની આવશ્યકતા, ખેડૂતોની જેમ નાના વેપારીઓ માટે વીમા સુરક્ષા કવચની જરૂર, સ્મોલ ટ્રેડર્સના સ્ટોકને વીમા સુરક્ષા કવચની જરૂર, વેલ્યુ એડિશનને લગતા વ્યાપારોનો એમ.એસ.એમ.ઈમાં સમાવેશ કરવો,અસંગઠિત ટ્રેડ્સ અને સર્વિસ પ્રોવાઇડર્સને યોગ્ય પ્રોત્સાહન જેવી બાબતોમાં મંડળોના પદાધિકારીઓએ અભ્યાસપૂર્ણ સૂચનો આપ્યા હતા.

જિલ્લા કલેક્ટરશ્રીએ આ તમામ બાબતોની સ્થાનિક સ્તરના પ્રશ્નો, રાજ્ય સરકારને લગતી બાબતો, કેન્દ્ર સરકારને લગતી બાબતો અને નીતિ વિષયક બાબતો એ રીતે વિગતવાર નોંધ લીધી હતી. સ્થાનિક સ્તરની બાબતોમાં નિરાકરણ માટે સંબંધિત ખાતાઓના અધિકારીઓ સાથે અલાયદી બેઠક યોજવાનો સંકેત આપ્યો હતો. તેમણે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પણ વ્યાપાર ઉદ્યોગ જગત દ્વારા વ્યાપક રીતે હાથ ધરાય એવો અનુરોધ કરતાં જણાવ્યું કે માનવ સંપદાની તંદુરસ્તી આખરે તો એકમોને જ લાભદાયક બની રહે છે. તેમણે પીવાના પાણીની ટાંકીઓનો સૂર્ય વીજલિકરણ માટે ઉપયોગ કરવાના અને જિલ્લાની શાળાઓમાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવાના પહેલરૂપ પ્રકલ્પોમાં વ્યાપાર ઉદ્યોગ જગતને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. વીસીસીઆઈના અધ્યક્ષશ્રી હેમંત વડાળીયા, સચિવ શ્રી હિમાંશુ પટેલ, મધ્ય ગુજરાત વેપારી મહામંડળના અધ્યક્ષશ્રી ભરત ગુપ્તા, એફજીઆઈના માનદ સચિવ નીતેશ પટેલ સહિત ૩૦ થી વધુ મંડળોના પદાધિકારીઓ એ વિચાર વિમર્ષમાં ભાગ લઈને ઉપયોગી સૂચનો કર્યા હતા અને જિલ્લા કલેકટરશ્રી તેમજ રાજ્ય સરકારના આ સકારાત્મક અભિગમને આવકાર્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!