સુરત ખાતે જી.જે.ઈ.પી.સી. અને ડાયમંડ એસોસિયેશન દ્વારા નાયબ મુખ્યમંત્રીનું જાહેર અભિવાદન

સુરત ખાતે જી.જે.ઈ.પી.સી. અને ડાયમંડ એસોસિયેશન દ્વારા નાયબ મુખ્યમંત્રીનું જાહેર અભિવાદન
Spread the love

સુરત,
હીરાના જોબવર્ક પર લાગતા જીએસટીના દરોમાં ઘટાડો કરવામાં સિંહફાળો આપવા બદલ સુરત ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલનું જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ તથા સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા જાહેર અભિવાદન કરાયું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરમાં સુરત મોખરનું સ્થાન ધરાવે છે. રાજ્યની આવકમાં સુરતના ઉદ્યોગોની મહત્વની ભૂમિકા રહી છે. સુરતનો હીરા, ટેક્ષટાઈલ, કન્સ્ટ્રકશન, તેમજ હજીરા પટ્ટીની મેગા ઇન્ડસ્ટ્રીઝના કારણે સુરતએ રાજયનું આર્થિક પાટનગર રહ્યું છે. સુરતના ડાયમંડ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝના જીએસટીને લગતા મોટા ભાગના પ્રશ્નોનો સુખદ નિરાકરણ થયું હોવાનું જણાવી નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર હીરા ઉદ્યોગ પ્રત્યે હંમેશા સકારત્મક રહી છે. જે સંદર્ભે તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૦૧માં પણ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તરીકેના પ્રથમ કાર્યકાળમાં વેટ, ઈએસઆઈસીના પ્રશ્નો, લેબર એક્ટના પ્રશ્નોનું સમયાંતરે સૂરતના હિતમાં નિરાકરણ કરવામાં આવ્યું હતું.

શ્રી નિતીનભાઇએ કહ્યું કે, જીએસટીનું અમલીકરણ એ ખૂબ લાંબી અને જટિલ અને સમય માંગી લેનારી પ્રક્રિયા છે, પરંતુ કેન્દ્ર સરકારે પ્રારંભથી જ હીરા, ટેક્ષટાઈલ સહિતના ઉદ્યોગોની રજૂઆતો, સમસ્યાઓ પ્રત્યે મૈત્રીપૂર્ણ વ્યવહાર દાખવ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ સરકારે જીએસટીના અમલીકરણમાં રાજ્યની સલામતી અને આર્થિક રક્ષણ, રાજ્યનો સમતોલ વિકાસ જળવાઈ રહે તેવી કાયદાકીય દાયરામાં રહીને સમયાતરે સુધારા વધારા કરવામાં આવ્યા છે.

જીએસટીના અમલમાં પ્રારંભથી જ રાજ્યના તમામ વ્યાપારી એસોસિએશનની રજૂઆતોને પ્રામાણિકપણે ન્યાય આપવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવી નાયબ મુખ્યમંત્રીશ્રીએ આજ સુધીમાં જીએસટી કાઉન્સિલની ૩૮ મીટીંગો થઇ ચૂકી છે, ત્યારે તેમાં ઈ-વે બિલ, ટેક્સટાઇલ, જરી તેમજ હીરાના જોબ વર્કમાં જીએસટી ઘટાડવામાં પણ મળેલી સફળતા તેમજ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો, નવી ઇન્ડસ્ટ્રીઝ- સ્ટાર્ટ અપ માટે માત્ર ૧૫ ટકા ટેક્સ જેવી પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. ઉદ્યોગો વૈશ્વિક હરિફાઈમાં ટકી રહે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરી વધુમાં વધુ રોજગારીનું સર્જન કરે એ માટે કરવેરા અંગેની મુશ્કેલીઓને નિવારવી એ રાજ્ય સરકારની જવાબદારી છે. રાજ્ય સરકાર રાજ્યની પ્રજાના હિતમાં ઉદ્યોગની પડખે ઊભા રહી કાર્ય કરવાની પ્રતિબધ્ધતા તેમણે શ્રી પટેલે વ્યકત કરી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીનું સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસો., રત્નકલાકાર સંઘ, વરાછા કતારગામ જ્વેલર્સ એસો., નવસારી ડાયમંડ એસો., સૌરાષ્ટ્ર ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસો., અકિક ખંભાત વેપારી મંડળ, સરદાર ધામ, આહિર હિરા વ્યાપારી મંડળ દ્વારા સ્મૃતિચિહ્ન અને સન્માનપત્ર અર્પણ કરીને બહુમાન કરાયું હતું.

જી.જે.ઈ.પી.સી.ના રિજનલ ચેરમેનશ્રી દિનેશભાઈ નાવડીયાએ જણાવ્યું કે, જ્યારે જીએસટી અમલમાં નહોતો ત્યારે પણ રાજ્ય સરકારે હીરા ઉદ્યોગ પ્રત્યે હકારાત્મક અભિગમ દર્શાવીને સેલ્સ ટેક્ષમાં રાહત આપી હતી. શ્રી નીતિનભાઈ પટેલે જીએસટી કાઉન્સિલમાં સુરતના હીરા ઉદ્યોગના જીએસટીના પ્રશ્નો અંગે ધારદાર રજૂઆતો કરીને મોટાપાયે રોજગારી આપતા હીરા ઉદ્યોગની ચમકને ઝાંખી પડતા અટકાવી છે. પાંચ ટકા જીએસટી દરને સ્થાને દોઢ ટકા જેટલો કરીને હીરાઉદ્યોગને રાહત આપી છે, ખંભાતના અકીક ઉદ્યોગને પણ ત્રણ ટકા જીએસટીના સ્થાને ૦.૨૫ ટકા કરવામાં આવ્યો હોવાનું જણાવતા હીરા ઉદ્યોગ વતી શ્રી નિતીનભાઇ પટેલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મેયર ડો.જગદીશ પટેલ, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, સી.આર. પાટીલ, પદ્મશ્રી મથુરભાઇ સવાણી, પૂર્વમંત્રીશ્રી નાનુભાઇ વાનાણી, ધારાસભ્યસર્વશ્રી વિવેકભાઈ પટેલ, ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પટેલ, કાંતિ બલર, પ્રવિણ ધોધારી, મોહન ઢોડિયા, શહેર પક્ષ પ્રમુખશ્રી નીતિનભાઈ ભજીયાવાલા, સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ શ્રી બાબુભાઈ ગુજરાતી, ધારાસભ્યશ્રીઓ, જી.જે.ઈ.પી.સી., ડાયમંડ એસો.ના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં હીરા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!