બાળમજૂરી નાબૂદી અભિયાનના ભાગરૂપે માર્ગદર્શન સેમિનાર યોજાયો

બાળમજૂરી નાબૂદી અભિયાનના ભાગરૂપે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Spread the love

સુરત,
સુરતની નાયબ શ્રમ આયુકતની કચેરી દ્વારા મહાનગરપાલિકા સાથે સંકળાયેલા ઈજારદારો બાળમજૂરી વિરોધી કાયદાઓથી પરિચિત થાય અને બાળમજૂરી નાબૂદી અભિયાનમાં સહાયરૂપ બને તેવા આશયથી પાલિકાની રાંદેર ઝોન ઓફિસ ખાતે બાળમજૂરી નિવારણ અંગે માર્ગદર્શન અને જાગૃત્તિ સેમિનાર યોજાયો હતો.

આ પ્રસંગે નાયબ શ્રમ આયુક્ત શ્રી એ.એસ.ગાંધીએ જણાવ્યું હતું કે, બાળમજૂરી એ આપણા સમાજનું કલંક છે. આપણા કુટુંબ-સમાજ અને રાષ્ટ્રનો વિકાસ કુમળી અને નવી પેઢી એવા બાળકોની તંદુરસ્તી અને સુખાકારી પર આધારિત છે. આમ છતાં કેટલાક લોકો નાના બાળકોને ઘરકામ, કારખાનાઓમાં મજૂરી, ચાની કીટલી કે હોટલમાં મજુરી કરાવી શોષણ કરે છે. જેની સામે ગંભીર બની કેન્દ્ર અને રાજ્ય સરકારે બાળમજૂરી કરાવનાર સામે પોલિસ કેસ અને ૫૦ હજારના દંડની સખ્ત જોગવાઈ કરી છે. સરકારના બાળમજૂરી ડામવાના પ્રયાસોમાં સુરત મહાનગરપાલિકા સાથે જોડાયેલા લેબર એજન્સી, ઇજારદારો પોતાના કાર્યોમાં બાળમજૂરોનો ઉપયોગ ન કરે તે માટે સુરત મહાનગરપાલિકાના દરેક ઝોનમાં જાગૃત્તિ સેમિનાર તબક્કાવાર યોજી રહ્યા હોવાનું જણાવી તેમણે સમાજની નબળાઈ સમાન બાળમજૂરીનું દૂષણને આપણા સમાજે જ દૂર કરવી રહી એવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. વર્ષ ૨૦૦૯ માં શિક્ષણના અધિકાર કાયદા દ્વારા કેન્દ્ર સરકારે શિક્ષણને વિનામૂલ્યે અને ફરજિયાત બનાવ્યું છે. શિક્ષણ મેળવવું એ દરેક બાળકનો બંધારણીય અને નીતિગત અધિકાર છે, ત્યારે બાળકોના બાળપણને મજૂરી કરાવીને છીનવી લેવાના બદલે તેમને શિક્ષિત બનાવી ઉજજવળ ભવિષ્યની ભેટ આપીએ એવી શ્રી ગાંધીએ અપીલ કરી હતી.

શ્રી ગાંધીએ કહ્યું કે, બાળકોને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પ લાઇન ૨૪ કલાક કાર્યરત છે. આથી બાળમજૂરીના દૂષણને દૂર કરવા જાગૃત નાગરિકો દ્વારા ૧૦૯૮ હેલ્પલાઇન પર ફોન કરીને બાળમજૂરી અંગે જાણ કરી શકે છે. તેમણે ઉપસ્થિત લેબર કોન્ટ્રકટરો, ઇજારદારોને બાળમજૂરી નાબુદી સરકારના આ અભિયાનમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

બાળકોના અધિકાર માટે કાર્યરત ‘પ્રથમ’ સંસ્થાના પ્રમુખશ્રી ચંદ્રશેખરે જણાવ્યું કે, અશિક્ષિત અને ખાસ કરીને સ્લમ વિસ્તારમાં રહેતા પરિવારોના બાળકો બાળમજૂરી તરફ વળતા હોય છે, જેમાં તેમના માતાપિતાની ભૂમિકા રહેલી હોય છે. બહારના રાજ્યમાંથી સ્થળાંતરિત થઇને સુરત આવેલા શ્રમિક પરિવારોમાં બાળમજૂરી કરાવતાં હોય છે. જેથી બાળશ્રમિક બાળપણના મુક્ત ગગનમાં વિહરવાના બદલે પરિવારે સોંપેલી જવાબદારી નિભાવવા મજૂરીની ગર્તામાં ધકેલાઇ જાય છે. કલાકો સુધી કામ લીધા બાદ ઓછું વેતન આપી બાળકો શોષણ કરવામાં આવે છે. ભણવાની ઉંમરના કેટલાય બાળકો જોખમી ઔદ્યોગિક કામોમાં પણ લગાડી દેવાય છે. જેથી જનસમાજને ઢંઢોળવાનું કામ આપણાથી શરૂ કરી બાળ-મજૂરીને જડમૂળથી નાબૂદ કરવાના સરકારના પ્રયાસોમાં સહિયારૂ યોગદાન આપીએ એમ ભારપૂર્વક જણાવ્યું હતું.જો શહેરીજનો કોઈ જગ્યાએ બાળકોને બાળ મજુરી કરતા દેખાય તો ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પ લાઇન અથવા ૨૪૬૩૪૨૫ પર સંપર્ક સાધીને વિગતો આપી શકે છે.

સેમિનારમાં આ પ્રસંગે ઇજારદારો, લેબર કોન્ટ્રાક્ટરો સહિત રાંદેર ઝોનના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Admin

Admin

9909969099
Right Click Disabled!