મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા મહાનુભાવોના હસ્તે દિવ્યાંગોને પારિતોષિક – એવોર્ડ એનાયત કરાયા

મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા મહાનુભાવોના હસ્તે દિવ્યાંગોને પારિતોષિક – એવોર્ડ એનાયત કરાયા
Spread the love

ભરૂચ,
શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગર ,રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ધ્વારા આયોજિત ભરૂચ અને નર્મદા જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે જિલ્લા કક્ષાના કલસ્ટર મેગા જોબ ફેર તથા દિવ્યાંગ પારિતોષિક એનાયત કાર્યક્રમ ભરૂચ ખાતે પંડિત ઓમકારનાથ ઠાકોર હોલમાં સહકાર, રમત ગમત, યુવા સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ ( સ્વતંત્ર હવાલો) અને વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ વેળાએ સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા,નગરપાલિકા પ્રમુખશ્રીમતિ સુરભીબેન તમાકુવાલા, રોજગાર અને તાલીમ- સુરતના નાયબ નિયામકશ્રી એમ.સી.વસાવા, રોજગાર અધિકારીશ્રી મીનાક્ષીબેન ચૌહાણ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં વર્ષ ૨૦૧૩ થી વર્ષ ૨૦૧૬ દરમિયાન પસંદગી પામેલ કુલ સાત દિવ્યાંગ કર્મચારીઓને રાજય સરકાર ધ્વારા રૂા. ૫૦૦૦/-નો ડીમાન્ડ ડ્રાફટ તથા એવોર્ડ મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ તથા મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા.

ભરૂચ અને નર્મદા જિલ્લાકક્ષાના કલસ્ટર મેગા જોબ ફેરમાં કુલ ૨૦૭૧ જેટલી વેકેન્સી નોંધાવેલ હતી. જેમાં ૧૧૧૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી એકમો ધ્વારા કરવામાં આવેલ છે ૩૫થી વધારે એકમો હાજર રહયા હતા.
જિલ્લાકક્ષાના કલસ્ટર મેગા જોબ ફેર તેમજ દિવ્યાંગ પારિતોષિક એનાયત કાર્યક્રમને દિપ પ્રગટાવી ખુલ્લો મુકતાં સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર બેરોજગાર યુવાનોને રોજગારી આપવા કટિબધ્ધ છે. સરકારશ્રી ધ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અમલમાં મુકી બેરોજગારોને રોજગારી પુરી પાડવામાં આવી રહી છે.

મંત્રીશ્રીએ વિવિધ પ્રકારના ભરતીમેળાના આયોજનનો હેતુ સમજાવી રોજગારીની આંકડાકીય માહિતી આપતાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં રોજગારી પ્રદાન કરવામાં ગુજરાત પ્રથમ સ્થાને રહયું છે. ભરતીમેળામાં સ્પેશિફીક અભિગમને ધ્યાને રાખીને બેન્કીંગ, ફાઇનાન્સિયલ, ઇન્સ્યોરન્સ, સેલ્સ એન્ડ રિટેલ, હોસ્પિટાલીટી,હાઉસકીપીંગ કમ ડોમેસ્ટિક વર્કર,સિકયોરિટી સર્વિસીઝ, આઇ.ટી, ટેક્ષટાઇલ અને ગારમેન્ટ, હેન્ડીક્રાફટ, હેલ્થ એન્ડ પેરામેડીકલ, ફાર્માસ્યુટીકલ્સ, બ્યુટી એન્ડ વેલનેશ, ડ્રાઇવીંગ, ટેકનીકલ જોબ જેવા સેકટર નકકી કરી જરૂરીઆત મુજબની જગ્યાઓ માટે ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આજના આ ભરતી મેળામાં વિવિધ નોકરીદાતાઓ ધ્વારા ધો.૧૦ થી લઇ ડિપ્લોમાં, ગ્રેજયુએટ, આઇ.ટી.આઇની લાયકાત ધરાવતા ઉમેદવારોની જગ્યા નોંધવામાં આવી છે. રોજગાર વાંચ્છુઓને રોજગારીની
પુરતી તકો મળે એવો રાજ્ય સરકારનો અભિગમ છે. તેમ જણાવી વર્ષ ર૦૧૮-૧૯ દરમિયાન યોજાયેલ સંરક્ષણ ભરતી મેળામાં રોજગાર કચેરીના પ્રયત્નોને કારણે રાજયના કુલ ૧૩ર૧ ઉમેદવારો લશ્કરમાં ભરતી પામ્યા છે
મંત્રીશ્રીએ વિદેશમાં અભ્યાસ સંબંધી – રોજગારી સંદર્ભે, શાળા- કોલેજોમાં માર્ગદર્શન સેમિનારનું આયોજન સહિત દિવ્યાંગ ઉમેદવારોને પ્રોત્સાહન તથા વિશેષરૂપે રોજગારી મળી રહે તે હેતુસર દિવ્યાંગોને નોકરીઓ કે રોજગાર આપનાર નોકરીદાતાઓને દિવ્યાંગ નોકરીદાતા પારિતોષિક તરીકે રૂા.પ૦૦૦/-ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહયા છે તેમ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ રોજગારવાંચ્છુ યુવક-યુવતિઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ રાજ્ય સરકાર બેરોજગારોને રોજગારી આપવા ભરતી મેળાનુ આયોજન કરી રહી છે તે સરકારની રોજગારી આપવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરે છે. તેમણે ટેકનોલોજીના જમાનામાં જરૂરિયાત પ્રમાણે અભ્યાસ કરી આગળ વધવાની યુવાન યુવતિઓને શીખ આપી હતી.

ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલે સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગાર આપતું રાજ્ય ગુજરાત છે. આજના કલસ્ટર મેગા જોબ ફેરનો મહત્તમ લાભ લેવાની ઉપસ્થિત રોજગારવાંચ્છુઓને હિમાયત કરી હતી. તેમણે ઉદ્યોગકારોને ઉપસ્થિત રોજગારવાંચ્છુ યુવક-યુવતિઓને જેટલા પ્રમાણમાં લેવાના છે તે મુજબ પસંદગી કરે તેવી અપેક્ષા સેવી હતી. યુવક-યુવતિઓને આજના હરીફાઈના જમાનામાં તમારો અભ્યાસ સિમિત ન રાખતાં વિવિધ ક્ષેત્રે નિપૂણતા કેળવવાની જરૂરીયાત પર ખાસ ભાર મુક્યો હતો. જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડીયાએ જણાવ્યું કે આજના રોજગાર ભરતી મેળામાં ભરૂચ અને નર્મદા જિલ્લાના રોજગાર વાંચ્છુઓ ભાગ લઇ રહયા છે ત્યારે રોજગારવાંચ્છુઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે સરકારશ્રીના અભિગમ થકી વધુમાં વધુ રોજગારવાંચ્છુઓને રોજગારી મળે તેવી અપેક્ષા સેવી હતી. તેમણે દિવ્યાંગ વ્યકિતઓને જે પારિતોષિક પ્રાપ્ત થનાર છે તેઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. રોજગાર અને તાલીમ વિભાગ – સુરતના નાયબ નિયામકશ્રી એમ.સી.વસાવાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. અને અંતમાં આભારવિધિ રોજગાર અધિકારીશ્રી એ.આઇ.સોલંકીએ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા આગેવાનશ્રી યોગેશભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્યશ્રી રમેશભાઇ મિસ્ત્રી સહિત આગેવાન – પદાધિકારીઓ, અધિકારીઓ , નોકરીદાતાઓ, અને રોજગારવાંચ્છુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!