અમદાવાદ : ડોકટર ભૂપેશ શાહ અને તેમની પ્રતિબદ્ધ ટીમ જાનના જોખમે દરરોજ હજારો ગરીબો-શ્રમિકોને જમાડે છે

અમદાવાદ : ડોકટર ભૂપેશ શાહ અને તેમની પ્રતિબદ્ધ ટીમ જાનના જોખમે દરરોજ હજારો ગરીબો-શ્રમિકોને જમાડે છે
Spread the love

આવો આજે તમને એક એવી વ્યક્તિનો પરિચય કરાવું જેણે માનવતાને વધુ ઉજળી કરી છે. લોકો ઘરની બહાર નીકળતાં (સાવ સાચી જ રીતે) ફફડે છે ત્યાં આ ડોકટર સાહેબ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી ફરીને ભૂખ્યાજનોના જઠરાગિને શાંત કરી રહ્યા છે. બન્ને હાથે સલામ કરવાનું મન થાય તેવી મંગલમય અને કલ્યાણકારી ગાથા છે તેમની…

એમનું નામ છે ડો. ભૂપેશભાઈ શાહ. પાલડીમાં તેમની હોસ્પિટલ છે. હૃદયરોગના નિષ્ણાત છે. લોકોનાં હૃદય સાજાં કરે છે એ તો ખરું, પણ તેમના પોતાના હૃદયમાં સમાજ માટે અખૂટ પ્રેમ અને ભલાઈ ભરેલાં છે. મૂળ તો તેઓ મુંબઈના. 1998માં અમદાવાદ આવ્યા. તેમનાં ધર્મપત્ની રૂપલબહેન પણ ડોકટર છે. સને 2004માં ભૂપેનભાઈએ સંકલ્પ કર્યો કે ઘરમાં એકપણ પૈસો અણહક્કનો, ભૂલેચૂકે પણ ના આવવો જોઈએ. એ જ વર્ષે તેમણે અપરિગ્રહનું વ્રત પણ લીધું.

સામાજિક સેવા કરવાની ભાવના તો હતી જ, એ ભાવનામાં ગતિ આવી. તેઓ અમદાવાદ શહેરની વીસેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. શહેરમાં કોઈ પણ આપત્તિ આવે કે જરૂરિયાત ઊભી થાય, ડો. ભૂપેશ શાહ ખડે પગે અને ભરેલા હૃદયે કાયમ હાજર જ હોય. તેમણે કરેલાં સેવાકીય કાર્યોની વિગતવાર નોંધ કરીએ તો એક પુસ્તિકા જ કરવી પડે.

ડો. ભૂપેનભાઈ શાહની પોતાની હોસ્પિટલ હોવા ઉપરાંત તેઓ શહેરની જાણીતી સાલ હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે. તેમનાં જીવનસાથી રૂપલબહેન સ્ત્રી રોગનાં નિષ્ણાત છે. ભૂપેનભાઈના નજીકના એક મિત્ર નિરવભાઈ શાહ કહે છે કે હું ત્રણેક વર્ષથી તેમના પરિચયમાં આવ્યો છું. તેઓ અનોખી રીતે અને અનેક રીતે સામાજિક કાર્યો કરે છે. 2004થી તેઓ પોતે નક્કી કરેલી રકમની ઉપરની તમામ રકમ સમાજસેવામાં આપી દે છે. આ રકમ લાખોમાં હોય છે. આદિવાસી વિસ્તારોમાં પણ તેઓ કાર્ય કરી રહ્યા છે.

તેઓ સમાજની તન-મન-ધનથી સેવા કરે છે. પોતે કમાયેલા પૈસા આપે, પોતે જાતે સમાજ માટે દોડીને કામ પણ કરે. ડો. ભૂપેનભાઈની વિશેષતા એ છે કે તેઓ કોઈ કામને નાનું ગણતા જ નથી. કોઈ મોભો નહીં કે કોઈ માનની અપેક્ષા નહીં. જરૂર પડે તો કચરો પણ વાળે અને જાતે સામાન ઉપાડીને ગરીબના ઘરમાં મૂકી આપે. સમગ્ર ગુજરાતમાં સેવાભાવી ડોકટરોનું તેમનું મોટું જૂથ છે. તેઓ ઘસાઈને ઉજળા થાય છે. કોઈ પણ સંબંધને અણમોલ માને. પૈસા કરતાં પ્રેમને વધારે માને.

કોરાનાગ્રસ્ત સ્થિતિની વાત કરીએ તો તેમણે અત્યાર સુધી 23,000 કીટ (અનાજ-કઠોળ-ચોખા-તેલ વગેરેની) શહેરના વિવિધ વિભાગોમાં પહોંચાડી છે. આશરે 200 ટન માલ લાવવાનો, તેની કીટ્સ બનાવવાની અને સલામતી સચવાય એ રીતે જરૂરિયાતમંદોને પહોંચતી કરવાની. વળી, આ કામ જાનના જોખમે કરવાનું. ડો. ભૂપેશભાઈ શાહ અને તેમની 70થી 100 વ્યક્તિની ટીમ લગાતાર આ કામ કરી રહી છે.

આ બધા સમાજસેવકો દરરોજ 15-18 કલાક કામ કરે છે. બધાને જ દેખાય છેઃ ભૂખ્યો માણસ. એક જ ધૂન છે વધુને વધુ ભૂખ્યા લોકો સુધી પહોંચીએ અને તેનું પેટ ઠારીએ. આ બધા પોતાના કામમાં એટલા મગ્ન થઈ જાય છે કે ક્યારેક તો તેઓ ભૂલી જ જાય છે કે કોરાના જેવું કોઈ વાયરસ આવ્યું છે. સદ્કર્મમાં માણસ ઓગળી જાય ત્યારે આવું પણ બને…

ડો. ભૂપેનભાઈ અને તેમની પ્રતિબદ્ધ ટીમ દ્વારા શહેરમાં 23 સ્થળે ખીચડી ઘર પણ ચાલે છે. દરરોજ 12 હજારથી વધુ વ્યક્તિ જમે છે. આ ઉપક્રમમાં સ્થાનિક લોકોનો સહયોગ લેવાય છે. જે તે સ્થળે સ્થાનિક લોકો પોતાની અનુકૂળતા અને ક્ષમતા પ્રમાણે ખીચડી-કઢી, પૂરી-શાક, પુલાવ વગેરે આપે છે. ભૂપેનભાઈની ટીમ નિકોલ, નરોડા, રખિયાલ, વટવા, ઓઢવ એમ જુદા જુદા વિસ્તારોમાં દોડ્યા જ કરે છે. તેઓ દરરોજ 2100 ફૂડ-પેકેટ પણ વહેંચે છે.

ભૂપેનભાઈ પોઝિટિવ મીડિયાને કહે છે..ગરીબો અને શ્રમિકોની સ્થિતિ દારૂણ છે. પર-પ્રાંતના અમદાવાદમાં રહી પડેલા 15-20 ટકા લોકો તકલીફમાં છે. તેમને સરકાર તરફથી રાશન મળ્યું હોય પણ ઈંધણનો પ્રશ્ન હોય. કેરોસીન-ગેસ ના મળે. રસોઈ બનાવવાની સમસ્યા થાય. હાઈજીનનો પ્રશ્ન તો ખરો જ. ક્યાંક કામ કરે તેવા માણસો ના હોય.. આમ છતાં શહેરની અનેક સમાજસેવી સંસ્થાઓ, સલામતીના તમામ માપદંડોને જાળવીને હજારો લોકોને દિવસ-રાત જમાડી રહી છે.

તેમના સાથીદારો નિરવ શાહ અને પિન્કેશભાઈ કહે છે કે ડોકટર સાહેબનું ડેડિકેશન જોઈને કોઈ પણ વ્યક્તિ પ્રભાવિત થઈ જાય. પતિ-પત્ની બન્ને એકદમ સાદાં અને પરગજુ. જાણે કે સમાજ માટે જ નિર્માયાં હોય તેવાં. બન્ને જણ જાતે કામ કરીને ટીમને પ્રેરણા આપે. ડોકટર સાહેબ સામાન ઉપાડીને જાતે ટેમ્પોમાં ભરે અને ડો. રૂપલબહેન ફૂડ પેકેટ પૂરી બનાવવાની હોય તો લોટ બાંધતાં હોય. આવું સમાજસેવી દમ્પતિ ભાગ્યે જ ક્યાંય જોવા મળે ! તેમને હીતાર્થ નામનો દીકરો છે જે નવમા ધોરણમાં ભણી રહ્યો છે.

કોરોનાગ્રસ્ત કપરા, વિકટ અને જોખમી સમયમાં ગરીબો અને શ્રમિકોનાં પેટ ઠારતાં ડો. ભૂપેનભાઈ અને રૂપલબહેન શાહ તથા તેમની સમગ્ર ટીમને 11 દરિયા ભરીને અભિનંદન. ભગવાન તેમને નિરામય દીર્ઘાયુ આપે.

IMG-20200418-WA0038-0.jpg

Admin

Dhiraj

9909969099
Right Click Disabled!