સહકારમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે અડાજણ ખાતે ‘ખાદી ઉત્સવ-૨૦૧૯’નો શુભારંભ

સહકારમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે અડાજણ ખાતે ‘ખાદી ઉત્સવ-૨૦૧૯’નો શુભારંભ
Spread the love

સુરત,
મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા સૂરત શહેરના અડાજણ વિસ્તારના હનીપાર્ક મેદાન ખાતે આયોજીત ખાદી ઉત્સવ-૨૦૧૯ને રમત ગમત, યુવા-સાંસ્કૃતિક અને સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ગાંધીજીને પ્રિય એવી ખાદીને ખરીદવા માટે સુરતીલાલાઓને અનેરો અવસર મળ્યો છે. હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધુ જ માર્કેટીંગ પુરૂ પાડીને આજીવિકામાં વધારો કરવાના આશયથી તેમજ રાજયના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલાવારસાને ઉજાગર કરતાં ખાદી ઉત્સવમાંથી તા.૧૪/૧૧/૨૦૧૯ સુધી સવારના ૧૧.૦૦ થી રાત્રિના ૧૦.૦૦ વાગ્યા દરમિયાન હનિપાર્ક મેદાન ખાતે ૧૧૫થી વધુ સ્ટોલ દ્વારા વિવિધ પ્રકારની ખાદી તથા ગૃહઉદ્યોગની વસ્તુઓની ખરીદી કરી શકાશે. ખાદી પર ૨૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

આ વેળાએ મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ખાદી ઉત્સવ–પ્રદર્શનોના આયોજનથી રાજયભરમાંથી ખાદી તથા ગ્રામોદ્યોગ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ અને ગ્રામ્ય કારીગરોના ઉમદા ઉત્પાદનોનું વેચાણ કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડી તેમને આર્થિક રીતે પગભર કરવાની સાથોસાથ વધુ રોજગારીનું સર્જન થાય તે માટે ખાદી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. નાના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ પ્રકારની ખાદીની ખરીદી કરીને તેઓને આર્થિક રીતે સહાયરૂપ થવાના આ અનેરા અવસરનો લાભ વધુમાં વધુ સૂરતીજનો લે તે માટેની હિમાયત મંત્રીશ્રીએ કરી હતી. ગત વર્ષે પણ સુરતીજનોએ ખાદી ઉત્સવમાં ભાગ લઈને ત્રણ કરોડ જેટલી ખાદીની માતબર ખરીદી કરી હતી. ખાદી ઉત્સવમાં ૨૫ થી ૩૫ ટકા જેટલી સબસીડી આપીને કારિગરોને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવતું હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ વેળાએ મંત્રીશ્રીએ વિવિધ સ્ટોલોની મુલાકાત લઈને સ્ટોલધારકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમની સાથે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અધ્યક્ષશ્રી કુશળસિંહ બી.પઢેરિયા, ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી, વિવેકભાઈ પટેલ, પાલિકાના સ્ટે.કમિટીના ચેરમેનશ્રી અનિલભાઈ ગોપલાણી, બોર્ડના વહીવટી અધિકારી શ્રીમતી આર.એચ.ગઢવી પણ જોડાયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!