પ્રજ્ઞાચક્ષુ દંપતિ પ્રેરણામૂર્તી

પ્રજ્ઞાચક્ષુ દંપતિ પ્રેરણામૂર્તી

મોરબીના દ્રષ્ટિહીન દંપતિએ જીવનમૂડીના ૬૧ હજાર રૂપિયા રાહતકોષમાં જમા કરાવ્યા

મોરબી,
કોણ કહે છે કે કોરોના વિરુદ્ધની લડાઇ ફક્ત સરકાર લડી રહી છે. જરાય નહીં, આ લડાઇમાં સરકારની સાથોસાથ સામાન્ય નાગરિક પણ એટલો જ સહકાર આપી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કેર્સ અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મુખ્યમંત્રીશ્રી રાહત ફંડમાં લોકોને ઉદાર હાથે સહયોગ કરવાની અપીલ કરતાં અનેક સેવાભાવી સંસ્થાઓ, નાગરિકોએ યથાયોગ્ય સેવા નોંધાવી છે.
રાહત ફંડમાં કરોડો રૂપિયાના દાન ઉદ્યોગપતિઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા નોંધાયા છે. જે રીતે રામાયણ કાળમાં ભગવાન શ્રીરામને લંકા સુધી જવાના માર્ગમાં જ્યારે સેતુ બનાવવાનું કાર્ય થઇ રહ્યું હતું ત્યારે ભગવાન શ્રીરામ, નલ, નીલ અને વાનરસેના સહિત તમામે આ પુણ્ય કાર્યમાં સહયોગ આપ્યો હતો. તેમાં એક નાનકડી ખીસકોલીને પણ આ પુણ્ય કાર્યમાં જોડાઇને સહભાગી થવાની પ્રખર ઇચ્છા થઇ ત્યારે રામસેતુ બનાવવાના કાર્યમાં આ ખીસકોલીએ દરિયાના પાણીથી પોતાના શરીરને પલાળી અને ત્યાર બાદ રેતીમાં આળોટીને પોતાના શરીર પર ચોંટેલી ધૂળને રામસેતુના નિર્માણમાં ઉપયોગ કર્યો હતો. એક નાનકડી ખીલકોલી પણ જો આ રીતે પુણ્યનું કાર્ય યથાયોગ્ય કરે તો માનવજાત માટે આવી પડેલી કપરી પરિસ્થિતિમાં કેમ આપણે પણ દેશના વડાપ્રધાનશ્રી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કેમ સહયોગી ન થઇ શકીએ?
આવો જ પ્રશ્ન થયો મોરબીના એક દ્રષ્ટિહીન દંપતિને. આ પ્રજ્ઞાચક્ષુ દંપતિનું નામ છે વાલજીભાઇ ભવાનભાઇ કણઝારીયા અને તેમના પત્ની કંચનબેન કણઝારીયા. મોરબી નજીક વાડી વિસ્તારમાં રહેતા આ દંપતિએ પોતાના જીવનની મૂડીમાંથી કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પીએમ રાહત ફંડમાં ૫૦ હજાર રૂપિયા તથા મુખ્યમંત્રીશ્રી રાહતફંડમાં ૧૧ હજાર રૂપિયાનો ચેક મોરબી કલેક્ટર કચેરી ખાતે આપવા માટે જાતે આવી પહોંચ્યા હતા. આ દ્રષ્ટિહીન દંપતિને ભલે આંખોનું તેજ નથી પરંતુ તેમની અંતરમનની આંખોથી કોરોના અંગેની પરિસ્થિતિનો તાગ મેળવી લીધો અને પોતાની જીવન મૂડીના ૬૧ હજાર રૂપિયા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારને અર્પણ કર્યા હતા. કહેવાય છે ને કે દાન કરનારની રકમ નહીં પરંતુ તેમની ભાવના જોવી જોઇએ. આ પ્રજ્ઞાચક્ષુ દંપતિએ આપેલ ૬૧ હજાર રૂપિયા આપણા સૌ માટે ૬૧ કરોડ રૂપિયાથી ઓછા ન હોઇ શકે. સલામ છે આ દાનવીર પ્રજ્ઞાચક્ષુ દંપતિને જે સૌ કોઇ માટે પ્રેરણાની મૂર્તી બન્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!