બકાના ગતકડાં ભાગ-16 (ભૂલી જવાય તો શું થાય? )

બકાના ગતકડાં ભાગ-16 (ભૂલી જવાય તો શું થાય? )
Spread the love

બકાના ગતકડાં ભાગ-16
(ભૂલી જવાય તો શું થાય ?)

ગામમાં પગ છૂટો કરવા જેવું વાતાવરણ છેક સાઈઠમા દિવસે થયું.સરકારે લોકડાઉન 4 માં કન્ટેન્મેન્ટ ઝોન અને નોન કન્ટેન્મેન્ટ ઝોન એ રીતે નિયમો સાથે છૂટછાટ આપી. નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં એકાંતરે પ્રતિબંધિત સિવાયની મોટાભાગની દુકાનો ખૂલી.બસ સેવા મર્યાદિત રીતે શરુ થઈ.  જનજીવન સામાન્ય થવા પ્રયત્ન કરતું હતું.

મર્યાદીત સ્ટાફ સાથે પ્રાયવેટ ઓફિસો પણ શરુ થઇ.રાતના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી કરફ્યુ આખા દેશમાં હતો. અમદાવાદ અને ગાંધીનગર બેય કન્ટેન્મેન્ટ ઝોનમાં હોવાથી તેની સરહદો સીલ હતી.ત્યાં આવ-જા થતી નહોતી.પશ્ચિમ અમદાવાદના અમુક વિસ્તારોને બાદ કરતાં દિવસ દરમ્યાન છૂટ મળી હતી.

શ્રીમતીજીએ એક લિસ્ટ બનાવીને બકાને પકડાવ્યું.બકાનેય એમ થયું કે હાશ આજે તો કેટલા દિવસે બહાર જવા મળશે.પહેલા ગયો ચશ્માની દુકાને.એક કાકા દુકાનવાળા ભાઈ પાસે નંબર ચેક કરાવતાં હતાં.સોશિયલ ડીસ્ટન્સ જાળવવા બકાને દરવાજા પાસે ખુરશીમાં બેસવા દુકાનદારે ઈશારો કર્યો. બકો બેઠો. બીજું થાય પણ શું ?

ઓપ્ટીશિયન :“ તમારા નંબર વધ્યા લાગે છે. હવે સાડા ત્રણ નંબરના ગ્લાસ લગાડું છું. વાંચો.”

કાકા :”જૂ…ની… પુ…રા…ની… પ..ત્ની.. આ…પો… ને…. મ…ન…મો…હ..ક… લૈ…લા… લ…ઈ.. જા…ઓ.”

ઓપ્ટીશિયન: “હજી ક્લીયર વિઝન નથી.લ્યો ચાર નંબરના ગ્લાસ મૂકું.પછી વાંચો.”

કાકા : “જૂની પુરાણી પસ્તી આપો ને મનમોહક થેલા લઈ જાઓ.”

ઓપ્ટીશિયન : “જુઓ, હવે એકદમ ક્લીયર દેખાયું .”

કાકા : “ના ભાઈ. આમાં થોડુક ઝાંખું દેખાય છે… પહેલાવાળા નંબર જ બરાબર હતા.”

ઓપ્ટીશિયન : “ અરે …પણ …!”

કાકા : “ પણ બણ કાઈ નહી. લોકડાઉનમાં તારી કાકીને જોઈ જોઇને થાકી ગયો….સાડા ત્રણમાં ચશ્માં બનાવી નાખજે. બને એટલે ફોન કરજે.ચાલ ત્યારે.”

કાકા ગયાં.

ઓપ્ટીશિયન :” બોલો બકાભાઈ.”

બકો : “ આ તમારે આવા અઘરા ઘરાકો આવે છે ?!”

ઓપ્ટીશિયન : “ આ તો કાઈ નથી. એક બેન આવેલા. લોકડાઉનમાં જ.

મને કહે એવા ચશ્માં બનાવી આપો કે આખી સોસાયટીના એકે એક ઘરમાં શું રસોઈ કરી છે તે જોઈ શકું. મેં કીધું બેન એવા ચશ્મા ના હોય, દૂરબીન હોય તો સામેવાળાના ઘર સુધી જોવાય. તો પાછા કહે બધાને ખબર પડી જાય દૂરબીનથી જોઈએ તો. તમતમારે જેટલી લેટેસ્ટ ટેકનોલોજીનો ચશ્મામાં યુઝ કરવો હોય એ કરો પણ બનાવી જ આપો.”

બકો : “ સાલું આ જબરું હો…શું રસોઈ બનાવી એ જાણવું છે.”

ઓપ્ટીશિયન : “રોજ રોજ પડોશણ વોટ્સપનાં સ્ટેટ્સમાં વાનગીઓ મુકે એટલે એમને લઘુતાગ્રંથિ થતી હતી. આ મારી બેટીઓ રોજ રોજ નવું નવું બનાવે છે ખરી?!. એમાંથી આવા ચશ્માં હોય તો ચેક કરાય એમ તુક્કો આવ્યો.”

બકો : “અને તારી જોડે કલાક લમણાં ઝીંક કરી.કલાક તો કરી હશે ને ?!”

ઓપ્ટીશિયન :” અરે સવારની બપોર પાડી….હું કંટાળી ગયો…સમજે જ નહી.”

બકો : “લે ભાઈ આ દાંડી ઢીલી થઈ ગઈ છે તે ફીટ કરવાની છે.અને એક નંબર વગરના સાદા ચશ્માં આપી દે.” એટલામાં જ ઘરેથી ફોન આવ્યો.
“ ક્યાં છો ? કેટલા કામ પતાવ્યાં?”

“હજી તો આ પહેલા કામમાં જ છું. ચશ્માની દુકાને છું.”

“ક્યારના ગયાં છો ? ચાલો હવે એમ કહેતી હતી કે ગોળ લેવા જાવ તો સાથે સાથે દાળ જરાક લેતા આવજો ને.”

“જરાક એટલે કેટલી ? એમ તો પડી હશે ઘરમાં …”“ બધો હિસાબ તમારે રાખવા જોઈએ…કેમ ? કહીએ એટલું જ કરો.ત્યાં જઇને ફોન કરો.”

હવે કરિયાણાની દુકાને કુંડાળામાં બાર જણા ઊભેલા.તેરમો બકો.તડકામાં ઊભા રહેવા સિવાય છૂટકો નહોતો. થોડીવાર પછી એક કાર આવી. એમાંથી એક ભાઈ ઉતરીને આમતેમ ડાફોળીયા મારતાં દેખાયા. એમના માસ્કની એક દોરી છૂટી ગઈ હતી. બકાથી ના રહેવાયું.

બકો : “જેન્ટલમેન ,પ્લીઝ ટાઈ યોર માસ્ક પ્રોપરલી.”

પેલો ભાઈ ડોળા કાઢીને ટેન્શનમાં બકાની સામું જોવા લાગ્યો. બકાને એમ કે હમણાં મને થેન્કયુ કહેશે.

બકાએ આગળ ચલાવ્યું.“યુ નો ઈટ ઈઝ નાઉ ગવર્નમેન્ટ પોલીસી. એવરીવન હેવ ટુ બી ઇન માસ્ક.આઈ જસ્ટ ઇન્ફોર્મ બીકોઝ યુ મેં હેવ પનીશડ. સેફટી ઈઝ પ્રાયોરીટી.”

હવે બિચારો થોડોક બકાની નજીક આવ્યો. એકદમ ગળગળા અવાજે બોલ્યો.“ જુઓ ભાઈ…હું ટાઈ પહેરતો નથી. હું પોલીસી રીન્યુ કરાવવા નથી આવ્યો કે હું પોલીસી ઉતારનાર એજન્ટ પણ નથી. મારી પાસે સેફટી પીન નથી. તમે અંગ્રેજીમાં બોલ્યા એ મને કાઈ સમજાયું નથી. હું તો અહી અમારા શેઠને વાળ કપાવવા છે તે વાળંદને શોધું છું.”

“તમારો માસ્ક નીકળી ગયો છે, તે બરાબર બાંધી લો નહિતર પોલીસ દંડ કરશે એમ કહેતો હતો.”

“તો પણ ગુજરાતીમાં કહો ને. આમ અંગ્રેજીમાં બોલીને શું બીવડાવી મારો છો ? તમને ખબર છે મારા ધબકારા કેટલા વધી ગયાં ? ફરીથી આવું કરતાં નહી ભાઈ.”

પેલાએ મોઢું બગાડ્યું.

બકાએ હસીને સોરી કહ્યું. પબ્લિકને રમૂજ થઈ. બકાનો વારો આવ્યો. લીસ્ટ મુજબ વસ્તુઓ લીધી. થેલો એકટીવા ઉપર ભરાવી ત્યાં જ મુક્યો. રોડની સામેની બાજુ ગલ્લે પાન લેવા ગયો. બે-ચાર દોસ્તો હતાં.

થોડીકવાર વાતો કરી. ફ્રેશ થઇ જવાયું. એ ગીત ગણગણતો પાછો એકટીવા પાસે પહોચ્યો. એ ત્યાં જ ઊભી હતી. મોઢે માસ્ક અને હાથમાં થેલી સાથે. એણે એકટીવા શરુ કર્યું. થોડુક પાછળ જોઈ માથું હલાવી ઈશારો કર્યો. બેસી જા.

”ઊંઊઊઊઊ…”મોઢામાં પાન હોય ત્યાં આમ જ બોલાય. ઓલી સમજી ગઈ. પાછળ બેઠી.એકટીવા ઉપડ્યું. વહેલું આવે ઘર. દૂરથી આવતાં જોઇને ચીકુએ દોડતાં જઈને ઝાંપો ખોલી નાખ્યો. એકટીવા અંદર આવ્યું.

બકાની નજર સામે દેખાતી ડઘાઈ ગયેલી કસ્તુરી ઉપર પડી. એ ચમક્યો.’ આ પાછળ કોણ બેઠું છે ?’ એક સાથે ધબકારા હજારો ગણા વધી ગયાં. એણે જેમતેમ એકટીવા પાર્ક કર્યું. હજી કાઈ બોલવા જાય ત્યાં સવાલોનો મારો શરુ થઇ ગયો.

“હાય હાય …આ કોના ઘરે લઈ આવ્યાં?” પાછળવાળી બોલી.“

આ તમે કોને ઘરે લઈ આવ્યાં છો ?”કસ્તુરીએ પૂછ્યું.

“ત..ત …તમે…તમે…કોણ છો?”બકાએ પેલીને પૂછ્યું.

બધા પડોશીઓએ બારીને બાલ્કનીમાંથી ડોકા બહાર કાઢયાં. હાસ્તો…આવું રોજ રોજ થોડું જોવા મળવાનું હતું ? કોઈની બાયડી ને કોઈ બીજો લઈ જાય.

“ટુ વ્હીલર પર ડબલ સવારી મના હૈ. ફિર ભી તુમ ડબલ સવારી મેં આયા… કિસ કો લે કર આયા હૈ…” ઉપરથી ઐયર ટહુક્યો.

બકાને થયું , સાલાનું અત્યારે ને અત્યારે જ ગળું દબાવી દઉં.

“આ તો મારું જ ઘર છે. આ મારી પત્ની છે. તમારી કઈક ભૂલ થતી લાગે છે.તમે મારી પાછળ કેમ બેઠાં?” બકાએ કસ્તુરી તરફ ઈશારો કરીને પેલીને પૂછ્યું. “તમે મનુ મહારાજ નથી ?

શેઠાણીએ કહેલું કે તું કરીયાણું લેવા લાઈનમાં ઊભી રહે.તને લેવા મનુ મહારાજને મોકલીશ. હવે હું તો તમે ઈશારો કર્યો એટલે એમ સમજી કે મને લેવા આવ્યા છો.એટલે તમારા ઇસકુટરની પાછળ બેઠી.”પેલીએ સ્પષ્ટતા કરી.

“તમને કેમ ખબર નથી પડતી?એકલા ગયાં હતાં,એ યાદ નથી રહેતું ? આ શું કહે છે ? તમે ઈશારો કરેલો એને બેસવા માટે ? શું છે આ બધું???” કસ્તુરીએ ઉધડો લીધો.

“અરે…હું એકલો છું એ વાત ભૂલી ગયો. અને… શું છે કે આમ તો આપણે સાથે જ બધે જઈએ….એટલે….એમાં….શું છે કે….હવે…આમ….આ બધું…ને પાછો માસ્ક પહેરે એમાં….કઈ ખબર….”બકાએ લોચા વાળ્યાં.

પેલી તો બડબડતી રવાના થઈ. શું લાગે છે બકાનું શું થશે ???

 

– નિકેતા વ્યાસ કુંચાલા

Screenshot-23.png

Admin

Niketa Vyas

9909969099
Right Click Disabled!