દહેજ અંગે પ્રાથમિક કાયદાકીય સમજ

દહેજ અંગે પ્રાથમિક કાયદાકીય સમજ
Spread the love

દહેજ (Dowry) એટલે લગ્ન પ્રસંગે કન્યાપક્ષ તરફથી વરપક્ષને સીધી કે આડકતરી રીતે આપવામાં આવતી ભેટ-સોગાદ જેવી કે, રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના, ગાડી, તિજોરી વગેરે. ઘણી વખત આ દહેજ ઓછું પડે, તો પરિણીત સ્ત્રીને તેના સાસરિયાં વાળા મ્હેણા ટોણાં મારે, શારીરિક ત્રાસ આપે અને કેટલાક કિસ્સામાં તેણી આત્મહત્યા કરવા મજબૂર બને છે કે મારી નાખવામાં પણ આવે છે. ઘણી વખત તેણીને આના લીધે સાસરીથી કાઢી મુકવામાં આવે છે અને વાત છુટાછેડા સુધી પહોંચી જાય છે. આમ, આ એક સામાજિક દુષણ છે. દહેજના દુષણને ડામવા માટે સને ૧૯૬૧ માં દહેજ પ્રતિબંધ ધારો ઘડવામાં આવ્યો છે. આ કાયદા મુજબ, દહેજ માંગનારને ૨ વર્ષ સુધીની સજા થઈ શકે છે (કલમ ૪) તથા દહેજ આપનાર અને લેનારને ૫ વર્ષ સુધીની સજા થઈ શકે છે. (કલમ ૩) આ અંગે થયેલ પોલીસ કે ખાનગી ફરિયાદ બાદ કોર્ટમાં પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ (JMFC) દ્વારા કેસ ચલાવવામાં આવે છે.

(લગ્નપ્રસંગે કન્યાપક્ષ તરફથી દહેજની માંગણી ન થઈ હોવા છતાં રાજીખુશીથી ગિફ્ટ આપવામાં આવે તો કોઈ ગુનો બનતો નથી દહેજના કારણે પરિણીતાના મૃત્યુ નિપજાવવામાં આવતા હોવાથી તે અનિષ્ટ ડામવા માટે ભારતીય દંડ સંહિતામાં કલમ ૩૦૪-ખ રચવામાં આવી છે. દહેજ મૃત્યુ એ ખૂબ ગંભીર અને બિનજામીની ગુનો છે, જેમાં ૭ વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ સાથે આત્મહત્યા કરવામાં મદદગારી માટે કલમ ૩૦૬ હેઠળ પણ ગુનો લાગુ પડે છે, જેમાં ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકે છે. જ્યારે પતિ કે તેના સાસરીયા દહેજ માંગણીના લીધે સ્ત્રી પર ક્રૂરતા કરે, તો તે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮(ક) મુજબ ગુનો બને છે અને તેઓને ૩ વર્ષ સુધીની સજા થઈ શકે છે. પરિણીત સ્ત્રી દ્વારા લગ્નના ૭ વર્ષના ગાળામાં જ્યારે સાસરીયા દ્વારા હેરાનગતિને લીધે આત્મહત્યા કરવામાં આવે ત્યારે કોર્ટ એવું અનુમાન કરી શકે કે તેણીએ આવું દહેજ ત્રાસના કારણે કર્યું હોય તથા આ માટે સાસરીયા વાળાએ આત્મહત્યામાં મદદગારી કરી હોય એવું અનુમાન કરી શકાય.

(ભારતીય પુરાવા અધિનિયમની કલમ ૧૧૩-ક તથા ૧૧૩-ખ) દહેજ પ્રથા અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા “દહેજ પ્રતિબંધક અધિકારી” ની નિમણૂંક કરવામાં આવે છે. દહેજની લેતી-દેતી થતી હોય, તો આવા અધિકારીને તેની જાણ કરવાની તમામ નાગરિકોની ફરજ છે. તેઓ આ કુપ્રથા રોકવા તાત્કાલિક પગલાં લે છે અને યોગ્ય કાર્યવાહી કરે છે. પોલીસને પણ આ અંગે જાણ કરી શકાય, જેથી ગુનેગારોને સળિયા પાછળ મોકલી શકાય અને સમાજમાં આવું દુષણ ફેલાતું અટકે. આ સિવાય ઘણા સામાજિક કાર્યકરો અને સંસ્થાઓ (NGOs) પણ આ દુષણને દૂર કરવા જાગૃતિ કાર્યક્રમો કરે છે. ટીવી, ન્યૂઝપેપર, રેડિયો, નાટકો વગેરેથી પણ આ અનિષ્ટ ડામવાના પ્રયત્નો કરવામાં આવે છે. હજુ પણ સમાજમાં કેટલાક લગ્ન પ્રસંગોએ દહેજ પ્રથાનું પાલન થતું જોવા મળવા છે તથા લગ્ન બાદ દહેજના લીધે સાસરીયા દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે, જે ખૂબ નિંદનીય છે. આપણું કર્તવ્ય છે કે સમાજને આ સામાજિક દુષણથી મુક્ત કરીએ.

એડવોકેટ રવિ રાજર્ષિભાઈ અધ્વર્યું

fcd15eb7-3f17-409f-916a-df01581d5781.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!