ગુજરાત હાઈકોર્ટની વીમા કંપનીઓને લપડાક…!

ગુજરાત હાઈકોર્ટની વીમા કંપનીઓને લપડાક…!
Spread the love
  • અકસ્માતનું કારણ ગમે તે હોય, પ્રીમિયમ ભર્યુ હોય તો સંપૂર્ણ વળતર ચૂકવવું જ પડે…..
  • અકસ્માત વીમામાં કાયદાની છટકબારીઓ બંધ કરતી લાર્જર બેન્ચ….

ભુજ : વીમા કંપનીએ ડ્રાઈવર / કંડકટરનું રીસ્ક કવર કરવા માટે વધારાનું પ્રીમીયમ વસુલ કરેલ હોય તેવા કેસમાં અકસ્માત ડ્રાઈવરની બેદરકારીના કારણે થયેલ હોય તો પણ, વળતરની સંપૂર્ણ રકમ ચુકવવા વીમા કંપની જવાબદાર છે. તેમજ સબેરાબીબી ખીસામીયા ઉમરમિયા વગેરે વાળા કેસમાં ડીવીઝન બેન્ચે જે સિધ્ધાંત પ્રસ્થાપિત કરેલ છે તે યોગ્ય છે એવો મહત્વનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ મિ. જસ્ટીસ વિક્રમનાથ, મિ. જસ્ટીસ આર. એમ. છાયા તથા મિ. જસ્ટીસ બી. એન. કારીઆની ફુલ બેન્ચે આપ્યો છે.

આ કેસની હકિકતો એવી છે કે, તા.ર૪/૦૩/ર૦૦૩ના રોજ, કંડલા ડોક લેબર બોર્ડની એમ્બ્યુલન્સ દર્દીને લઈને સારવાર માટે ગાંધીધામથી અમદાવાદ તરફ જતી હતી. એમ્બ્યુલન્સના ચાલકની બેદરકારીના કારણે અકસ્માત થતાં, એમ્બ્યુલન્સ ચાલકનું મૃત્યુ થયું હતું. તેમના વારસોએ પ્રથમ મોટર વ્હીકલ એકટ, ૧૯૮૮ની કલમ ૧૬૩–એ હેઠળ અરજી કરી હતી. તે કલમ હેઠળ વળતરની રકમ મર્યાદિત થઈ જતાં, તેમણે કલમ ૧૬૬ હેઠળ વળતરના રૂા.૩૦,૦૦,૦૦૦–૦૦ અંકે રૂપીયા ત્રીસ લાખ મળવા માટે, મોટર એકિસડન્ટસ્ કલેઈમ્સ ટ્રીબ્યુનલ, ગાંધીધામ સમક્ષ વળતરની અરજી કરી હતી.

કેસમાં અકસ્માત એમ્બ્યુલન્સ ચાલકની બેદરકારીના કારણે થયેલ હોઈ, કલેઈમન્ટસ્ કલમ ૧૬૬ હેઠળ સંપૂર્ણ વળતર મેળવવા હક્કદાર નથી. કલેઈમન્ટસ્ કામદાર વળતર ધારા હેઠળ મર્યાદિત વળતર મેળવવા હક્કદાર છે તેવી તકરાર લેવામાં આવી હતી. કલેઈમન્ટસ્ વતીથી દલીલ કરવામા આવેલ કે વીમા કંપનીએ ડ્રાઈવરનું રીસ્ક કવર કરવા માટે વધારાનું પ્રીમીયમ વસુલ કરેલ છે. તેથી કંપની કલમ ૧૬૬ હેઠળ સંપૂર્ણ વળતર ચુકવવા જવાબદાર છે. બન્ને પક્ષોની દલીલો સંપન્ન થઈ ગયા બાદ, વીમા કંપનીએ કલેઈમન્ટસ્ની ગેરહાજરીમાં ગુજરાત હાઈકોર્ટનો એક ચુકાદો રજુ કર્યો હતો. જે લક્ષમાં રાખીને ટ્રીબ્યુનલે વળતરની અરજી રદ કરી હતી.

કલેઈમેન્ટસે્ તેમના એડવોકેટસ્ શ્રી હેમલ શાહ, શ્રી શંકરભાઈ સચદે, શ્રી ઉર્મિશ સચદે તથા શ્રી હિરેન સચદે મારફતે કરેલ અપીલમાં એવી રજૂઆત કરી હતી કે, તેમની ગેરહાજરીમાં રજુ કરવામાં આવેલ ચુકાદામાં એસ.ટી. ડ્રાઈવરની બેદરકારીને કારણે અકસ્માત થયેલ હોઈ, તેમજ એસ.ટી. તરફથી વીમા કવચ લેવામાં આવતુ ન હોવાથી કલમ ૧૬૬ હેઠળની અરજી રદ કરવામાં આવી હતી. હાઈકોર્ટની ડીવીઝન બેન્ચ સમક્ષ વીમા કંપનીએ ગુજરાત હાઈકોર્ટની સીંગલ બેન્ચનો તથા અન્ય હાઈકોર્ટનો ચુકાદો ટાંકીને અપીલ રદ કરવા દલીલ કરી હતી.

જેની સામે કલેઈમેન્ટસ્ તરફથી ગુજરાત હાઈકોર્ટના ડીવીઝન બેન્ચના તથા સીંગલ બેન્ચના ચુકાદા ટાંકી, અપીલ મંજુર કરવા દલીલો કરવામાં આવી હતી. ડીવીઝન બેન્ચે, સબેરાબીબી ઉમરમીયા વાળા કેસમાં જે કેસોમાં વધારાનું પ્રિમીયમ વસુલ કરીને ડ્રાઈવર / કંડકટરનું રીસ્ક કવર કરવામાં આવેલ હોય તેવા કેસોમાં ડ્રાઈવરની પોતાની બેદરકારીના કારણે અકસ્માત થએલ હોય તેવા કેસમાં પણ વીમા કંપની વળતર ચુકવવા જવાબદાર છે તે મતલબે સ્થાપિત કરવામાં આવેલ કાયદાનો સિધ્ધાંત યોગ્ય છે કે કેમ? તે નકકી કરી આપવા માટે કેસ લાર્જર બેન્ચને રીફર કરવા માટે ચુકાદો આપતાં, તે કાયદાકીય મુદ્દો લાર્જર બેન્ચને રીફર કરવામાં આવ્યો હતો.

લાર્જર બેન્ચે કલેઈમન્ટસ્ તથા વીમા કંપની તરફથી કરવામાં આવેલ મૌખિક દલીલો, વિસ્તૃત લેખિત દલીલો તથા રજુ કરવામાં આવેલ જુદાં જુદા ચુકાદાઓ લક્ષમાં રાખીને તથા મોટર વ્હીકલસ્ એકટની જોગવાઈઓ અંગે વિસ્તૃત છણાવટ કરીને તેવું ઠરાવી આપેલ છે કે, વીમા કંપનીએ ડ્રાઈવર / કંડકટરનું રીસ્ક કવર કરવા માટે વધારાનું પ્રીમીયમ વસુલ કરેલ હોય તેવા કેસમાં અકસ્માત ડ્રાઈવરની બેદરકારીના કારણે થયેલ હોય તો પણ, વળતરની સંપૂર્ણ રકમ ચુકવવા વીમા કંપની જવાબદાર છે. તેમજ સબેરાબીબી ખીસામીયા ઉમરમિયા વગેરે વાળા કેસમાં ડીવીઝન બેન્ચે જે સિધ્ધાંત પ્રસ્થાપિત કરેલ છે તે યોગ્ય છે. લાર્જર બેન્ચ સમક્ષ કલેઈમન્ટસ્ વતી સીનીઅર એડવોકેટ શ્રી એમ. ટી.એમ હકીમે વિસ્તૃત લેખિત દલીલો / મૌખિક દલીલો રજુ કરી હતી. તેમની સાથે અમદાવાદના એડવોકેટ શ્રી હેમલ શાહ હાજર રહયા હતા. કચ્છના ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઈ સચદે, ઉર્મિશ સચદે તથા શ્રી હિરેન સચદે મદદમાં રહયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!