#બકાની ધમાલ ભાગ 2 ( બકો અને રીંછ )

#બકાની ધમાલ ભાગ 2 ( બકો અને રીંછ )
Spread the love

શીર્ષક : બકો તો રીંછને પણ ભારે

ઉનાળો આવ્યો.શાળાઓમાં વેકેશન પડ્યું.છોકરાઓને હાશ થઈ.હવે તો એમને એક જ કામ હતું-મઝા કરવી.સવારે ઊઠે ત્યારથી છોકરાઓ ઘરની બહાર નીકળી જાય.તળાવે ધુબાકા મારે…કેરીઓ પાડે…અને જાતજાતની વાતો કરે.આખી ટુલ્લર ટોળીનો લીડર બકો.

એક દિવસ તળાવે ભેગા મળેલા બધાએ નક્કી કર્યું કે આજે કઈક નવું કરીએ.બધાય વિચારવા માંડ્યા.શું નવું કરવું ?બકાને એક આઈડીયા આવ્યો.
બકો : “ કોને કોને શેની બીક લાગે છે ?ચાલો ,બોલો.”

ચીકુને ગરોળીની,મંગાને કૂતરાની,ચમેલીને ભેંસની ,કીકીને વંદાની ,ભુરાને સાપની ,માનુને ભૂતની અને લાલુને એના બાપાના મારની બીક લાગતી હતી. દરેકને બકાએ શા માટે ના બીવું જોઈએ તે સમજાવ્યું.લાલુને એના બાપા શા માટે મારે છે, એ કારણોથી દૂર રહીશ તો બાપાના મારની બીક નહી રહે એ વાત સમજાવી.

કીકીએ પુછચું : “ બકા,તને શેની બીક લાગે છે એ તો કહે…”

બકો : “ મને…કશાયની બીક લાગતી નથી.અને આજથી તમારે કોઈએ પણ કશાયથી બીવાનું નહિ.આપણી ટોળીમાં કોઈ બીકણ નહી.”

બધાને આ વાત ગમી.બધાએ હોંશે હોંશે હા પાડી.બપોરનો જમવાનો સમય થયો હતો.બધા પોતપોતાના ઘરે જવા રવાના થયાં.સાંજે નિયમ મુજબ આંબાવાડીયામાં રમવા માટે ભેગા થયાં.કોનો દાવ ચાલતો હતો?એ વિષય ઉપર હુંસાતુંસી ચાલુ હતી… ત્યાં તો દૂરથી જંગલ તરફથી આવતું એક રીંછ નજરે પડ્યું. રીંછ અલમસ્ત હતું અને એની મસ્તીમાં ચાલતું ચાલતું ગામ તરફ આવતું હતું.ગામમાં આવી અને સીધું તળાવ બાજુ ગયું .

છોકરાઓ કરતાં ઘણું દૂર.તળાવના કિનારે જઈ અને એની મસ્તીમાં જાણે ખૂબ તરસ્યું હોય તેમ પાણી પીવા લાગ્યું. પાણી પીધા પછી એણે ઊંચું જોયું અને છોકરાઓ ભણી દોટ કાઢી.‘એ ભાઈ ભાગો રે ભાઈ ભાગો’ એમ કરીને બધા જ છોકરાઓ ભાગ્યા. ના ભાગ્યો તો એક બકો.

રીંછ આવતા આવતા અટકી ગયું. એણે જોયું કે બધા છોકરા ભાગી ગયા છે અને બકો બેય હાથ કમરે મૂકી અને બરાબર એને તાકી તાકીને જોઈ રહ્યો છે. રીંછ પાછું વળી ગયું અને જંગલ તરફ જતું રહ્યું.

છોકરાઓને નવાઈ લાગી.દૂર ભાગી ગયેલા છોકરાઓને બકાએ સીટી મારીને પાછા બોલાવ્યા અને આખી વાત કરી.બકા એ કહ્યું કે આમાં કંઈક ભેદ છે.પહેલી વાત એ છે કે માણસને જોઈ અને રીંછ ક્યારેય માણસ બાજુ આવતું નથી. બીજી વાત એ કે મને એકલાને ઊભેલો જોઈ અને રીંછ પાછું વળી ગયું. એટલે એ પણ વાતમાં કંઈક ભેદ છે.બધા સાંભળી રહ્યા.

હવે અવાર નવાર ગામમાં ક્યારેક વહેલી પરોઢે તો ક્યારેક સમી સાંજે રીંછ દેખાવા લાગ્યું.ક્યારેક એ તરબૂચ લઈને જતું રહે તો ક્યારેય શાકભાજી ની ટોપલી લઈને જતું રહે.એક દિવસ તો શાકભાજીવાળા પાસેથી કેરીની પેટી લઈને જતું રહ્યું.બીજું કશું તોફાન કરે નહીં.કોઈને મારે પણ નહીં કે કોઈને કંઈ પણ ઇજા કરે નહીં.બસ ગામમાં આવે અને એને જે જોઈતું હોય એ લઈ અને જતું રહે.એને આવવાનો અને જવાનો ટાઈમ બહુ ઓછો રહેતો. જેવું દેખાય એવું તરત જ અલોપ થઈ જતું.

થોડા દિવસ બકાએ આ બધું ચાલવા દીધું.પછી એક દિવસ એણે પોતાના મિત્રો સાથે સંતલસ કરી રીંછને ઘેરવાનું નક્કી કર્યું.એ લોકોએ સવારથી જ ગામમાં જંગલમાંથી આવતા રસ્તા ઉપર નજર રાખી.રસ્તાની બરાબર સામે જ ઝાડ નીચે દેખાય એવી રીતે ટોળીમાં લાકડી સાથે ઉભા રહ્યા.સમય થયો એટલે રીંછ જંગલમાંથી આવ્યું.

આવતું દેખાયું કે આ લોકોએ જાણે છે ને જોયું જ નથી એમ રાખ્યું.પણ રીંછે એ લોકોને બરાબર જોયા. રીંછ તરત જ પાછું વળી ગયું. બકાએ જોયું કે એ લોકોને રસ્તા વચ્ચે ઉભેલા જોઈ અને રીંછ પાછું જતું રહ્યું.એ દિવસે સાંજે પણ એ લોકો ત્યાં જ ઊભા રહ્યા.તો સાંજે પણ રીંછ દેખાયું નહીં.

બકો : “આ રીંછનો કઈક ભેદ છે.”

શું ભેદ છે,એ જાણવા માટે આગળનો પ્લાન બનાવ્યો.રીંછની પાછળને પાછળ જંગલમાં જવા માટે બકાની સાથે ત્રણ ચાર જણા તૈયાર થયા.હાથમાં લાકડીઓ લઇ અને બધા જંગલમાં જવા નીકળ્યા.

આ તો ગામડાના છોકરા.એમને જનાવરનું પગેરૂ દબાવતા પણ આવડે… રીંછના પંજા જ્યાં દેખાયા કે આ લોકો એની પાછળ પાછળ ચાલતા રહ્યા.એમ કરતા કરતા ગામથી થોડેક જ દૂર જ્યાંથી એકદમ જ ગાઢ જંગલ ચાલુ થતું હતું ,ત્યાં સુધી રીંછના પંજા દેખાયા અને એ પછી રીંછના પંજા દેખાતા બંધ થઈ ગય. એ જગ્યા બરાબર બે ઝાડની વચ્ચે આવેલી હતી.

બકાએ બરાબર આમતેમ નજર ફેરવી અને એના દોસ્તારોને સાવધ રહેવા કહી એ ઝાડ ઉપર ચડ્યો.ઝાડ ઉપર કશું મળ્યું નહીં.એણે ત્યાંથી નીચે જંગલમાં નજર કરી પણ ક્યાંય કશું દેખાયું નહીં.બકો નીચે ઉતર્યો અને બીજા ઝાડ ઉપર ચઢ્યો.બીજા ઝાડમાં વચ્ચોવચ થડની અંદર એક બખોલ હતી અને એ બખોલની અંદર એક પોટલું મૂકેલું દેખાયું.

બકાએ ધીમેથી એ પોટલાને પહેલા લાકડીના ચાર-પાંચ ગોદા મારી જોયા.પણ અંદરથી કોઈ હલચલ જણાઈ નહીં.એ પછી એણે એ પોટલાને હાથ અડાડ્યો અને પોટલું ખોલ્યું.એમાં રીંછનો પોશાક હતો.બકાએ જેમનું તેમ પોટલું પાછું મૂકી દીધું.એ નીચે ઉતર્યો. એણે મિત્રોની સાથે કશીક મસલત કરી.

બીજે દિવસે એ લોકોએ ધ્યાન રાખ્યું કે ગામમાંથી જંગલમાં કોણ કોણ જાય છે ?તો ગામનો પશો કુંભાર,કરસનકાકા અને માધિયો. આ ત્રણ જણ જંગલ તરફ જતા દેખાયા હતા. માધિયો એની બકરીઓ લઈને ચરાવવા ગયો હતો.કરસનકાકા લાકડા કાપવા કુહાડી લઈને ગયા હતા અને પશો કુંભાર હાથમાં ત્રણ-ચાર માટલા લઈ અને જંગલ તરફ જતો દેખાયો હતો.એને છોકરાઓએ પૂછ્યું પણ ખરું : ‘ પશાકાકા ક્યાં ચાલ્યા ?’

‘આ તો જરાક બાજુના ગામે માલ આપવા જઉ છું.’એમ કહી અને એ વહેતો થયો.

એટલે હવે પ્લાન બદલાયો.એ લોકો જંગલમાંથી આવતાં એ રસ્તા ઉપરથી હટી ગયા અને અલગ-અલગ જગ્યાએ ગોઠવાઈ ગયા.બીજા દિવસે જંગલમાંના રસ્તામાંથી રીંછ આવતું દેખાયું.આ તરફ રીંછે જોયું.આજે કોઈ દેખાતું નથી. એ પછી, એ ધીમે પગલે ગામમાં આવવા નીકળ્યું.એણે ગામની વચ્ચોવચ આવી અને ફળવાળાની દુકાનેથી કેળાંની લૂમ લીધી.અને જેવું જંગલ તરફ જવા જાય, એની સાથે જ એણે બકાને પાછળ ઊભેલો જોયો.
એ ડાબી બાજુ ફર્યું.લાલુને લાકડી સાથે ઊભેલો જોયો.જમણી બાજુ માનુને ઊભેલો જોયો.આગળ નજર ગઈ તો ચીકુ અને મંગો લાકડી લઈને સ્વાગત કરવા તૈયાર હતાં.એણે બીવડાવવા માટે ઘુરક્વાનું અને પંજા મારવાના ચાલુ કર્યા.પણ આજે કોઈ એનાથી બીતું નહોતું.આજે તો બધા જ એની સામે લાકડી ઉગામતા હતા.

હવે રીંછે એકદમ ઊંચો કૂદકો માર્યો.જેમ સરકસનો જોકર મારતો હોયને બરાબર એવી રીતે…એટલે તરત જ બકાએ છૂટી લાકડી એના કમરના ભાગે મારી.લાકડી બરાબર વાગી પણ ખરી. રીંછ નીચે પછડાયું અને એનો ભાગવાનો પ્લાન નિષ્ફળ ગયો.

બધા છોકરાઓએ ભેગા મળી અને રીંછને થાંભલા સાથે દોરડાથી બાંધી દીધુ.ગામલોકો ભેગા થઇ ગયા.કોઇએ પોલીસને ફોન કર્યો.કોઈએ વન વિભાગને ફોન કર્યો.અને ત્યાં આ શું ?રીંછે રડવાનું ચાલુ કર્યું અને એ પણ માણસની જેમ…!!!હવે તો બધાને થયું કે આ શું છે?!

થોડીવારમાં પોલીસ આવી અને વનવિભાગના અધિકારીઓ પણ બંદુકો અને મોટું પાંજરું લઈને આવી ગયા.ત્યાં તો રીંછે બોલવાનું શરૂ કર્યું – પોપટની જેમ. ‘મને માફ કરી દો.મારી ભૂલ થઈ ગઈ છે.મને છોડો.હવે આવું કોઈ દિવસ નહીં કરું.’

વનવિભાગના અધિકારીએ એની સામે ખોટી ખોટી બંદૂક તાકી.‘આવું બોલતું રીંછ અમે કોઈ દિવસ જોયું નથી.અમે એને પ્રાણીસંગ્રહાલયમાં મૂકીશું તો લોકોને બહુ જ મજા આવશે.’

રીંછે હાથ જોડ્યા અને કહ્યું ‘હું રીંછ નથી, માણસ છું.મારા હાથ ખોલો… મારા હાથ ખોલો…’ એના હાથ ખોલવામાં આવ્યા કે તરત જ એણે એના માથા ઉપરથી રીંછનું ચામડું દૂર કર્યું.ઓહો આ તો માધિયો છે…બધાને બહુ નવાઈ લાગી.

હવે માધિયો પટપટ પોપટની જેમ બોલવા લાગ્યો. ‘તે દિવસે તળાવે બકાએ કહ્યું કે એને કશાની બીક નથી લાગતી એટલે એને ખોટો પાડવા માટે એણે આ કારસો રચ્યો હતો. શહેરમાં જઈ રીંછનો ડ્રેસ દસ દિવસ માટે ભાડે લાવ્યો હતો. બકો એકવાર બી જાય એટલે પાછો આપી દેવાનો હતો.’

આખા ગામને આવી રીતે હેરાન કરવા માટે સરપંચે એને પાંચ હજારનો દંડ કર્યો.પોલીસે ડંડા માર્યા એ અલગ.અને આખા ગામ વચ્ચે આબરૂ ગઈ એ જુદી.પણ ગામમાં બકાનો તો વટ પડી ગયો.

તે દિવસથી ગામમાં કહેવત પડી ગઈ – ‘બકો તો રીંછનેય ભારે પડે.’

લેખક : નિકેતા વ્યાસ કુંચાલા

Screenshot-43.png

Admin

Niketa Vyas

9909969099
Right Click Disabled!