નાઇપર એ ફાર્મા ક્ષેત્રે જ્ઞાન, શિક્ષા, સંશોધન અને વેપારને જોડવા માટે એક સેતુરૂપ ભૂમિકા અદા કરે છે : અમિત શાહ

Spread the love
કેન્દ્રીય ગૃહ – સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે આજે પાલજ, ગાંધીનગર ખાતે ‘રાષ્ટ્રીય ઔષધીય શિક્ષા અને અનુસંધાન સંસ્થાન -અમદાવાદના સ્થાયી પરિસરનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. આ ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવીયા ઉપસ્થિતિ રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નાઇપર એ ફાર્મા ક્ષેત્રે  જ્ઞાન, શિક્ષા, સંશોધન અને વેપાર એ ચારેને જોડવા માટે એક સેતુરૂપ ભૂમિકા અદા કરી રહી છે. નાઇપર થકી ફાર્માસ્યુટિકલના વિકાસ માટેની ઇંટ મુકાઇ છે.  કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પોતાના સંસદીય મત ક્ષેત્રમાં નાઇપરનું કાયમી ઘર બનાવવામાં આવ્યું છે, તે વાતનો આનંદ વ્યક્ત કરીને ઉમેર્યું હતું કે, આ ભવન ૬૦ એકર જમીનમાં ગાંધીનગર ખાતે કાર્યરત થયું છે. જેમાં સાત એકરમાં વિવિધ આઠ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર ખાતે કાર્યરત નાઇપરનું સેન્ટર આગામી દિવસોમાં દેશમાં જ નહિ, પણ વિશ્વમાં ઔષધિય ક્ષેત્રે ખૂબ મોટું પોતાનું યોગદાન આપશે, તેવો દ્રઢ  વિશ્વાસ વ્યક્ત કરીને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ સેન્ટરમાં કેમેસ્ટ્રી,  જીવ વિજ્ઞાન જેવા અનેક પ્રકારના બિલ્ડીંગો બનશે. અત્યારે હાલ ૫૦૦ જેટલા વિઘાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગાંધીનગર નાયપર દેશની પ્રથમ ૧૦ સંસ્થાઓમાં પોતાનું સ્થાન ઘરાવે છે. અધતન ભવનની સુવિઘા મળ્યા બાદ નાયપર- ગાંધીનગર દેશમાં ટોપની સંસ્થા બનશે, તેવો દ્રઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.  ગાંધીનગરની ભૂમિ વિધા અભ્યાસ માટેનું એક વાયુ મંડળ ઘરાવતી ભૂમિ છે, તેવું કહી કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગાંધીનગરની આસપાસ અનેક રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીઓ કાર્યરત છે.
નાઇપર અહીં કાર્યરત બનતા વાયુમંડળને એક નવીન ઉર્જા પ્રાપ્ત થશે. આ સંસ્થાનું લક્ષ્ય હોવું જોઇએ કે ઔષધિ ક્ષેત્રમાં શિક્ષા જ નહિ પણ રિચર્સ ક્ષેત્રમાં પણ વિશ્વમાં અગ્રેસર બનીએ.
તેમણે ઉમેર્યું હતું કે, ફાર્મસી એક એવું ક્ષેત્ર છે કે જેમાં ફાર્માના અભ્યાસ કરનાર વ્યક્તિ વ્યક્તિગત શિક્ષા માટે નહીં, પરંતુ માનવજીવનને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે પણ ઉપયોગી છે.  એટલે જ અહીંયા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમનું કેરિયર તો સારું થશે જ, પરંતુ જીવનમાં સારી તકો મળશે તેની સાથે કરોડો નાગરિકોને તેમના અભ્યાસ થકી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગી થશો. ભારતમાં મોહાલી, ગુવહાટીમાં પૂર્ણ રીતે પોતાના બિલ્ડિંગમાં નાયપર કાર્યરત છે અને આજથી ગાંધીનગરમાં ત્રીજુ  ભવન પણ કાર્યરત થયું છે. કોલક્તા, હાજીપુર, હૈદરાબાદ, રાયપુરમાં નાયપરની ભવન બનાવવાની કામગીરી ચાલુ છે.
નાઇપરમાંથી ૮ હજાર જેટલા વિદ્યાર્થીઓ પોતાની અભ્યાસ પૂર્ણ કરી પ્રોફેશનલ ક્ષેત્રમાં પોતાની સિદ્ધિ હાંસલ કરી છે અને 300 થી વધુ પેટર્ન રજીસ્ટર કરવાનું સન્માન પણ નાયપરને મળ્યું છે. જ્યારે ૭ હજાર થી વધુ રિચર્સ પેપર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, જ્ઞાનને વેપાર સાથે જોડવાનું કૌશલ્ય નાયપરમાં છે.  ભારત સરકારે એપીઆઈ અને કેએમસી માટે હોલિસ્ટિક એપ્રોચ સાથે સારી નીતિ અપનાવી છે. આગામી ૧૦ વર્ષમાં એપીઆઈ અને કેએમસી ક્ષેત્રમાં ભારત આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે નાયપર દ્વારા સંશોધન ક્ષેત્ર માટેનું પોર્ટલ બનાવવામાં આવ્યું છે જે રિચર્સ કરનાર વ્યક્તિઓ માટે ખૂબ ઉપયોગી બની રહેશે
શ્રી અમિત શાહે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી જન ઔષધીય યોજના દેશના કરોડો ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ બની છે. આ યોજનાને સફળ બનાવવા માટે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના માલિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. દેશભરમાં ૧૦ હજાર જન ઔષધી કેન્દ્ર ઉપર 50% થી 90% સુધીના રાહત દરે જન ઔષધી દવાઓ ગરીબ પરિવારોને મળી રહી છે.
  તેમણે ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રીના એક વિચાર થકી છેલ્લા નવ વર્ષમાં દેશના ગરીબ પરિવારના ૩૦ હજાર કરોડ રૂપિયાની દવાની ખરીદીમાં બચત થઈ છે. વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૭૫૦૦ કરોડની બચત થઈ છે. સરકારે પીએલઆઇ યોજનાના માધ્યમથી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની ૪૮ જેટલી નાની મોટી કંપનીઓને રૂ.૪ હજાર કરોડની નિવેશની મંજૂરી આપી છે, તેમજ ત્રણ ફાર્મા પાર્ક બનાવવા દિશામાં સરકારે સુચારું આયોજન કર્યું છે. મેડિકલ ડિવાઇસ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે નેશનલ મેડિકલ ડિવાઇસ ૨૦૨૩ પોલીસી બનાવવામાં આવી આવી છે તેમ જણાવી શ્રી શાહે નાઇપરના નવીન ભવન માટે સૌને શુભેચ્છાઓ આપી હતી.
: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ : 
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે નાઈપરના નવા પરિસરના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશના યુવાઓ માટે નવા ક્ષેત્રના અવસર અને આયામ ખુલી રહ્યા છે જેમાં શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અને વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ ઉત્તમ ઉદાહરણ છે. સમયથી આગળ વિચારી તેને સાકાર કરવા સમયબદ્ધ આયોજન કરવું શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શીખવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં ગુજરાત આજે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ રોલ મોડલ બન્યું છે જે ગુજરાતનું સૌભાગ્ય છે. શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના વિકાસ વિઝનને વાસ્તવિક રૂપ આપવા ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહનું માર્ગદર્શન મળતું રહ્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઈ શાહના દીર્ઘદ્રષ્ટિના પરિણામેં ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓનો વિકાસ થયો છે. એન.એફ. યુ., આર.આર.યુ, પી.ડી.પી.યુ., જેવી વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઓ શ્રી અમિતભાઈના સંસદીય મત ક્ષેત્ર ગાંધીનગરની શોભા વધારી રહી છે.
નાઈપર વિષે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, નાઈપરના નવા કેમ્પસના લોકાર્પણ હેઠળ એક નવું સીમા ચિન્હ જોડાવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રીશ્રીએ સમયાનુંકુળ શિક્ષણને મહત્વ આપતા ૨૦૦૭માં ફાર્મા સેક્ટરમાં રિસર્ચ અને સ્ટડીઝ માટે નાયપરને ગાંધીનગરમાં જમીન ફાળવી હતી અને ૨૦૧૪માં જ્યારે શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને દેશની સેવા કરવાનું દાયિત્વ સંભાળ્યું ત્યારથી આ કેમ્પસના નિર્માણને ગતિ મળી છે. આજે નાઈપર એક વટ વૃક્ષ સમાન બની ગયું છે અને છેલ્લા ત્રણ વર્ષોથી અવિરતપણે દેશની ટોપ ટેન ફાર્માસ્યુટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ૯૪ કરોડ રૂપિયાની લાગતથી નાઈપરના આ કેમ્પસના ઉદ્ઘાટન માટે ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે તેમના કર કમલો દ્વારા ઉદ્ઘાટન કર્યું છે. ૬૦ એકરમાં ફેલાયેલું વિશાળ કેમ્પસ નવા સંસાધન ટેકનોલોજીની સાથે સ્કીલ અને રિસર્ચમાં દેશને હાઈસ્કીલ્ડ પ્રોફેશનલ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ફાર્મ સેક્ટરમાં અગ્રીમતા વિષે ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાત ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં દેશનું અગ્રેસર રાજ્ય છે. દેશભરના ફાર્મા સેક્ટરમાં ગુજરાતનું યોગદાન ૩૦ ટકા અને ફાર્મા એક્સપોર્ટમાં ગુજરાતનું ૨૮ ટકા યોગદાન રહ્યું છે. દેશના ૫૩ ટકા મેડિકલ ડિવાઇસ અને ૭૮ ટકા સ્ટેટ કાર્ડિયાક સ્ટેન્ટનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. તેમજ દેશભરની રજીસ્ટર ફાર્માસ્યુટિકલ કંપનીઓની સંખ્યા સૌથી વધુ ગુજરાતમાં છે. જેમાંથી ૧૩૦ કંપનીઓને યુ.એસ.એફ.ડીની મંજૂરી મળી છે અને ૭૫૩ કંપનીઓ WHOની મંજૂરી મેળવેલી ‘ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ યુનીટ્સ’ છે. ગુજરાત ફાર્મસીકલ ઉત્પાદનથી વધીને ફાર્મા રિસર્ચ અને બલ્ક ડ્રગના ઉત્પાદનમાં પ્રગતિ કરી રહ્યું છે. તેમજ દેશમાં કોરોના વેક્સીનની ખોજ કરનારી કંપનીઓમાંથી બે કંપનીઓ ગુજરાતની છે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નાયપરના મહત્વ વિશે જણાવતા ઉમેરવામાં  આવ્યું હતું કે,  ફાર્મા સેક્ટરની પ્રોગ્રેસમાં એક્સટેન્સિવ રિસર્ચનો પણ ઘણો મોટો રોલ છે. પાછલા કેટલાક વર્ષોની તુલનામાં વિજ્ઞાનના ક્ષેત્રમાં થયેલા સંસોધનથી જીવન અને જીવનશૈલીમાં ઘણો બદલાવ આવી ગયો છે. આપણે આપણી ભાગદોડ ભરી જિંદગી માં આપણા સ્વાસ્થ્યને ભૂલી રહ્યા છીએ. જેના કારણે આપણી આસપાસ બીમારીઓનો પ્રકોપ વધી રહ્યો છે. પહેલા જે બીમારીઓ ૫૦થી ૬૦ વર્ષની ઉંમરે થતી હતી તે જ બીમારીઓ આજે ૩૫ વર્ષની વયે વ્યક્તિઓને થઈ રહી છે. જેમ જેમ બીમારીઓ વધી રહી છે તેમ તેમ દવાઓની આવશ્યકતા પણ વધશે. વર્તમાનમાં જ્યારે નવા નવા રોગોના નિદાન થઈ રહ્યા છે ત્યારે નવા નવા પ્રકારની દવાઓની જરૂરત પણ વધી રહી છે.
ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં રિસર્ચના માધ્યમ થી ફાર્મા પ્રોડક્ટ દરેક માટે વ્યાજબી ભાવે ઉપલબ્ધ હોય એ પણ ખૂબ જ જરૂરી છે. આ બધી પરિસ્થિતિઓ અને બદલાતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં નાઈપર જેવી સંસ્થાન ખુબજ મહત્વપૂર્ણ બની રહે છે. નાઈપર ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન અને રિસર્ચમાં ક્રાંતિ લાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. સાથે જ આ ફાર્માસ્યુટિકલ અને બાયોમેડિકલ સાયન્સને નવા રિસર્ચ, નવા અવસર અને નવા આયામો સાથે જોડશે તેઓ તેમણે વિશ્વાસ દર્શાવ્યો હતો. અંતે તેમણે જણાવ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રી કાયમ કહે છે કે ‘આ જ સમય સાચો સમય છે’ દેશની આઝાદીના આ અમૃત કાળમાં યુવાનો માટે રિસર્ચ અને નવા સેક્ટર્સમાં પોતાની કાબેલિયત દર્શાવવાનો સુવર્ણ અવસર છે. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે ત્યારે રિસર્ચ સેક્ટરનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આવનારા ૨૫ વર્ષોમાં અમૃત કાળમાં વિકસિત આત્મનિર્ભર ભારતના નિર્માણમાં નાઈપર જેવી સંસ્થા રિસર્ચ દ્વારા પોતાનું અમૂલ્ય યોગદાન આપશે એવું પણ તેમણે જણાવ્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવીયા: 
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. માંડવિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં NIPERનું નવીન ભવન-કેમ્પસ માત્ર ભારત જ નહીં પણ આગામી દિવસોમાં વિશ્વમાં ફાર્મા ક્ષેત્રના વિકાસનું મંદિર બનશે. આ સંસ્થા ફાર્મા ક્ષેત્રે શિક્ષણની સાથે સંશોધન-વિકાસમાં પણ પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપશે. વિશ્વમાં બનતી પાંચ જેનરિક ગોળીઓમાંથી એક ગોળી ભારતમાં બને છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આજે ‘ફાર્મા ઑફ વર્લ્ડ’ બની ગયું છે. દુનિયામાં દવાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૨૦ ટકા છે. ભારત  આજે વેકસીન અને જેનરિક  દવાના ઉત્પાદનમાં અગ્રેસર છે. ફાર્મા ઑફ વર્લ્ડ ભારતની ઈમેજને જાળવી રાખવા માટે રીસર્ચ અને ઈનોવેશન માટે ખૂબ કામ કરવાની જરૂર છે.
મંત્રી ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં ભારતમાં સાત NIPER સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. ભારત પાસે બ્રેઇન પાવર અને મેન પાવરની કમી નથી. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત ફાર્મા ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. આઝાદીના અમૃતકાળમાં ભારત ફાર્મા ક્ષેત્રનું હબ બને તે હેતુથી રિસર્ચ અને ઇનોવેશન માટે કેન્દ્ર સરકારે આગામી ચાર વર્ષમાં રૂા.૩૫,૦૦૦ કરોડનું રોકાણ કરવાનો નિર્ધાર કર્યો છે. કોવિડ સમયે દવા ક્ષેત્રે દેશને વધુ આત્મનિર્ભર બનાવવા PLI-1 સ્કીમ લોન્ચ કરી છે. ચીન સાથે ડૉકલામ વિવાદ થયો હતો તે વખતે ચીન દ્વારા હિન્દુસ્તાનને કેટલાક કેમિકલ- એપીઆઇ આપવાનું બંધ કર્યુ હતું.
આ સમયે તેની અસર ભારતના ફાર્મા ઉદ્યોગ પર ન પડે તે માટે આવા કેમિકલ –એપીઆઇ ભારતમાં બને તેના માટે આપણે PLI-1 સ્કીમ લોન્ચ કરી હતી. જે મેડીસીન ભારતમાં બનાવવાનો ખર્ચ વધુ થતો હોય જ્યારે વિદેશમાં સસ્તી મળતી હોય તો તેના ખર્ચનો અંદાજ મેળવીને દવા ક્ષેત્રના ઉદ્યોગકારોને કેન્દ્ર સરકારે ભારતમાં જ ક્રિટીકલ એપીઆઇનું ઉત્પાદન કરવા આહૃવાન કર્યું હતું. આ ઉત્પાદનમાં ફાર્મા ઉદ્યોગકારોને વધારાના ખર્ચ પેટે ભારત સરકાર ૧૦ ટકા ઇન્સેન્ટીવ આપશે તેવી જાહેરાત કરી હતી. જેના પરિણામરૂપે આજે ભારતમાં ૪૫ એપીઆઇ બનવાનું ચાલુ થઇ ગયું છે. NIPERમાં મેડીકલ ડીવાઇસના ઇનોવેશન અને રિસર્ચ દ્વારા ભારતને દવા ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવવા આપણે સૌએ કામ કરવુ પડશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે જાહેર કરેલી આરોગ્ય નીતિ- ૨૦૩૦ સુધીમાં આરોગ્ય ક્ષેત્રે જીડીપીના ૨.૫ ટકા જેટલો ખર્ચ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. દેશમાં કાર્યરત તમામ નાઈપર સંસ્થાઓ આ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપશે. વડાપ્રધાનશ્રીએ ફાર્મા ક્ષેત્રે ઇનોવેશન-રિસર્ચમાં ઉદ્યોગકારો વધુ રોકાણ કરે તે માટે રૂ. ૫,૦૦૦ કરોડની રિસર્ચ ફાર્મા બેન્ડેક્સ સ્કીમ જાહેર કરી છે જેનાથી ફાર્મા ક્ષેત્રે ભારતમાં અનેકવિધ નવી તકો ઉપલબ્ધ થશે. તેમણે ઉમેર્યું કે દેશના યુવાનો ફાર્મા ક્ષેત્રેના સંશોધન માટે કોઈ પ્રોજેક્ટ તૈયાર કરશે તો રૂ. એક કરોડની સહાય ભારત સરકાર આપશે. પ્રોજેક્ટ ઉત્પાદનના પ્રથમ તબક્કામાં આવશે ત્યારે રૂ. ૧૦૦ કરોડની સહાય ઉપરાંત એ જ પ્રોજેક્ટને ઉત્પાદન માટે  કોઈ કોમર્શિયલ કંપની આગળ આવે તે કંપનીને રૂ. ૧૨૫ કરોડની સહાય કેન્દ્ર સરકાર આપશે.
તેમણે ઉમેર્યું કે,આવા પ્રોત્સાહનના પરિણામે ભારત ઇનોવેશનમાં વિકસિત દેશોની હરોળમાં આવી જશે. ગાંધીનગર ખાતેના આ નાયપરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેડિકલ ડિવાઇસની સ્થાપના કરવા માટે રૂ. ૧૦૦ કરોડનો ખર્ચ કેન્દ્ર સરકાર કરી રહી છે. જે આવનાર સમયમાં મેડીકલ ડિવાઈસ ક્ષેત્રના સંશોધન માટે મહત્વની ભૂમિકા ભજવશે. આઈ.સી.એમ.આરના ધારા ધોરણ મુજબ ફાર્મા ક્ષેત્રના ઉદ્યોગો ગૃહો કોઈ પ્રોજેક્ટ લઈને નાઈપર પાસે આવશે તો તે અંગે પણ સંશોધન આ સંસ્થાઓ કરશે અને તે તૈયાર કરી તેનો આઉટપુટ પણ આપશે. જે દેશને આરોગ્યક્ષેત્રે વિકસીત બનાવવા અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સહાયરૂપ થશે તેમ જણાવી મંત્રીશ્રી માંડવીયાએ નાયપરના નવીન કેમ્પસ માટે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
ગૃહ મંત્રી શ્રી અમિત શાહ સહિત મહાનુભાવોએ આ પ્રસંગે નવીન પરિસરની રૂબરૂ મુલાકાત કરીને શૈક્ષણિક સુવિધાઓની માહિતી મેળવી હતી. કેન્દ્રીય ઔષધ વિભાગ, કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રાલયના સચિવ શ્રી એસ.અપર્ણાએ ગુજરાત સરકારનો આભાર માનતા કહ્યું હતું કે, રાજ્ય સરકારે  ફાર્મા ક્ષેત્રમાં શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશન માટે આ સંસ્થાને ૬૦ એકર જમીન પ્રતિ વર્ષ માત્ર ૧ રૂા.ના ટોકન દરે આપી છે ત્યારે અમે આ સંસ્થાને તમામ ક્ષેત્રે શ્રેષ્ઠ સંસ્થા તરીકે પ્રસ્થાપિત કરવા સતત પ્રયાસો કરીશું.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ – NIPERના ડાયરેક્ટર ડૉ‌. શૈલેન્દ્રજીએ આભાર વિધિ કરીને સૌનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકા મેયર શ્રી હિતેશ મકવાણા, નાયપરના સભ્ય- ઝાયડ્સના ચેરમેન શ્રી પંકજ પટેલ, ટોરેન્ટના ચેરમેન શ્રી સમીર મહેતા, આરોગ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકો, અધ્યાપકો, સંશોધકો, આમંત્રિત મહાનુભાવો સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Admin

Admin

9909969099
Right Click Disabled!